શેરબજારની મંદીનાં બહાનાં !

ગઇકાલે શેરબજારમાં 1688 પોઇન્ટનો કડાકો બોલી ગયો ! એના કારણમાં એમ કહેવામાં આવે છે કે ત્યાં દક્ષિણ આફ્રિકામાં કોરોના વાઇરસનો નવો મલ્ટીપલ મ્યુટન્ટ વેરિયન મળ્યો એટલે આપણું મુંબઈનું શેરબજાર થથરી ઊઠ્યું ! બોલો.

જો આમ જ ચાલતું રહ્યું તો જતે દહાડે આપણને સાવ અક્કલ કામ ના કરે એવાં ‘કારણો’ જાણવા મળશે ! જેમ કે…

***

કહેશે કે રાકેશ ઝુનઝુનવાલાને આજે સવારે પથારીમાંથી ઊઠતા વેંત એક જબરદસ્ત ધડાકાવાળી છીંક આવી હતી… એમાં ને એમાં સેન્સેક્સમાં કડાકો બોલી ગયો !

***

પછી કોઈક દિવસ કહેશે કે વિરાટ કોહલીના હાથમાંથી ડ્રિંકીંગ વોટરની બોટલ છૂટી ગઈ ! એટલે સમગ્ર શેરબજારના હાથમાંથી ભલભલી સ્ક્રીપ્ટોના ભાવ છટકી ગયા ! કેમકે પાણી તો માણસની પાયાની જરૂરીયાત છે ને ? બોલો.

***

એક દિવસ એમ પણ કહેશે કે રાતના મુકેશ અંબાણીને દરિયાનું સપનું આવેલું ! એટલે એની સહાનુભૂતિમાં શેરબજારે ઊંડી ડૂબકી મારી છે. ઓમ શાંતિ !

***

એ તો ઠીક, પણ જો ચીનના વૂહાન શહેરમાં એકાદ ચામાચિડીયું તરફડીને મરી ગયું… એવો સિમ્પલ વિડીયો જો વાયરલ થઈ ગયો, તો આખી દુનિયાનાં શેરબજારોમાં કડાકો બોલી જશે !

***

નવાઇની વાત એ છે કે જ્યારે કોરોના આખા જગતમાં તબાહી મચાવી રહ્યો હતો, જ્યારે ભારતમાં બીજી લહેરે મોતનું તાંડવ ફેલાવી મુક્યું હતું અને જ્યારે મોટા ભાગની કંપનીઓનાં કારખાનાં, ઉત્પાદન, વેચાણ… બધું જ બંધ હતું…

… ત્યારે ‘આશાવાદ’ને કારણે શેરબજારોમાં ફૂલગુલાબી તેજી હતી ! અને આજે બજારો ખૂલી ગયાં છે ત્યારે જ શેરબજારને શેની હેડકીઓ આવે છે ?

સમજો તો કહેજો.

***

- મન્નુ શેખચલ્લી

Comments