લો, શેરબજાર તો ફરી ગગડ્યું ! હવે કયા અબજપતિએ બીજા કયા અબજપતિને પછાડી નાંખ્યા એ વિચારવાને બદલે થોડી સાદી સીધી સુચનાઓ તરફ ધ્યાન આપો !
***
વારેઘડીએ બી.પી. ચેક કરવાનું રહેવા દો. કેમકે વધઘટ જોઈને ઉલ્ટું બીપી વધી જશે !
***
‘ફલાણાના 112 થઈ ગયા’… ‘ઢીંકણાના હજી 37 જ છે…’ આવું બધું સાંભળીને ટેન્શન ના કરો. એ ક્રિકેટરોના સ્કોર પણ હોઇ શકે છે !
***
‘પાર્ટિસિપેટરી નોટ’ કરતાં ‘કરન્સી નોટ’ જ વધારે અગત્યની છે તે હમેશાં યાદ રાખવું.
***
ટીવી ખરીદવાનું વિચારતા હો અને ટીવીના શોરૂમ પાસેથી નીકળો તો ટીવીના ભાવ ઉપર જ નજર નાંખો… CNBC ચેનલના ભાવ ઉપર નહીં !
***
હર્ષદ મહેતાની વેબસિરિઝમાંથી જેટલું શીખવાનું હતું તે શીખી લીધું, હવે શાંતિ રાખો. કેમકે રાકેશ ઝુનઝુનવાલાની કોઈ વેબસિરિઝ આવવાની નથી.
***
જેટલી વાર રાકેશ ઝુનઝનવાલાને મોં ખોલતા જુઓ એટલી વાર ટેન્શનમાં ના આવી જાવ. રાકેશ ઝુનઝુનવાલાને બગાસું પણ આવી શકે છે.
***
ડુંગળી ખરીદો ! એના ભાવ ચોક્કસ વધશે ! નહીં વધે તોય શું ? ખાવા તો કામ લાગશે ને ?
***
પત્ની અંદરના રૂમમાંથી બૂમ પાડે કે ‘કાઢવાના છે ?’ તો ખોટો કકળાટ ના કરી મુકો. પત્ની તો પસ્તીનાં છાપાં કાઢવાનું પૂછતી હશે !
***
‘રોકાણકારોના આટલા લાખ કરોડ ધોવાઇ ગયા…’ એવું સાંભળીને સ્મશાનના ડાઘુ જેવું મોં ના કરો. બલ્કે કેલ્ક્યુલેટર વડે પોતાની મૂડી એમાં કેટલી હતી તેની ગણતરી કરીને વિચારો.. ‘એમાં મારા કેટલા ટકા ?’
***
બાકી ‘ફ્રી હાર્ટ ચેક-અપ કેમ્પ’ ક્યારે આવે છે તેની ખબર રાખતા રહો. થોડા પૈસા બચશે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment