પેલી એક જુની બોધકથા છે ને, કે એક બ્રાહ્મણ ખભે બકરું લઇને જતો હતો તેને ત્રણ ઠગોએ મનમાં ફસાવ્યું કે આ તો કૂતરું છે…
એનું હવે નવું વર્ઝન આવ્યું છે !
***
ભલા માણસોએ ભોળા ખેડૂતના ખભે એક નવું બકરું ગોઠવી દીધું. ખેડૂતને સમજ ના પડી કે આમ અચાનક નવું બકરું શા માટે પકડાવ્યું ?
હજી તે થોડો આગળ વધ્યો ત્યાં ભલા માણસોએ તેને કહ્યું કે, ‘તું ચેતતો રહેજો ! અમુક ભૂંડા લોકો આવીને તને એમ કહેશે કે આ બકરું નથી, આ તો કૂતરું છે !’
ભોળો ખેડૂત આગળ ગયો તો ત્યાં બીજા ભલા માણસો આવી પહોંચ્યા. એ કહેવા લાગ્યા:
‘ભાઈ તું તો ભોળો છે ! સંભાળજે ! અમુક ભૂંડા લોકો તને એમ કહેશે કે આ જે કૂતરું તેં ખભે ઉપાડ્યું છે તે તને ગળામાં નહોર ભરશે ! પણ તું ગુંચવાતો નહીં ! આ કૂતરું નથી, બકરું જ છે !’
ભોળો ખેડૂત હવે વધારે ગૂંચવાયો. થોડે આગળ જતાં પેલા ભલા માણસોએ દેકારો કરવા માંડ્યો.
‘ભોળા ભાઈ ! તને ભૂંડા લોકો ભરમાવી રહ્યા છે ! એ લોકો હવે તને એમ કહીને બીવડાવી મારશે કે તારા ખભે જે કૂતરું છે એ તને ફાડી ખાશે ! પણતું ગુંચવાતો નહીં, આ કૂતરું નથી, બકરું જ છે !’
ભોળો ખેડૂત માથું ધૂણાવતો વિચારી રહ્યો હતો કે આ શું થઈ રહ્યું છે ? એવામાં પેલા ભલા માણસો અચાનક ધસી આવ્યા અને તેના ખભેથી પેલું બકરું પાછું લઈ લીધું !
ભલા માણસો કહેવા લાગ્યા કે ‘પેલા ભૂંડા માણસોનું આ આખું કાવતરું હતું ! એ લોકો આ બકરાનો વાઘ બનાવી નાંખવાના હતા !! સારું થયું ને, કે અમે તને બચાવી લીધો !’
ભોળા ખેડૂતને હજી સમજાતું નથી કે શું થઈ ગયું?
અને ભલા માણસો એમ કહી રહ્યા છે કે અમે ભોળા ખેડૂતને સમજાવી ના શક્યા ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment