આજકાલ નવી જાતનાં સ્માર્ટ-વોચ નીકળ્યાં છે. મોઘા ભાવની આ ઘડિયાળો કાંડા ઉપર પહેરીને લોકો વટ તો મારે છે પણ…
***
આમ તો માવો કે મસાલો ખાવાનું મન થાય તો પાનના ગલ્લા સુધી પણ બાઇક લઇને જાય છે.
… છતાં પોતે કેટલા ડગલાં ચાલ્યા એની ગણત્રી રાખવા માટે સ્માર્ટ વોચ પહેરે છે !
***
રાતના અઢી ત્રણ-ત્રણ વાગ્યા સુધી તો મોબાઇલમાં મોં ખોસીને ઉજાગરો કરે છે અને પછી દિવસે ઓફિસમાં કે કોલેજમાં ઝોંકા ખાય છે…
… છતાં પોતાની SLEEP મોનિટર કરવા માટે સ્માર્ટ વોચ પહેરે છે !
***
સવારે વહેલા ઊઠાતું તો છે નહીં, જોગિંગ કરવાનો કંટાળો આવે છે, જિમના પૈસા ભર્યા છે છતાં વસૂલ તો થતા નથી, તળેલું, તીખું, ફાસ્ટ-ફૂડ ખાધા જ કરવું છે, માવા-મસાલા છૂટતા નથી…
… છતાં ‘હેલ્થ-વોચ’ કવા માટે સ્માર્ટ-વોચ પહેરે છે !
***
છોકરીને ‘આઇ લવ યુ’ કહેવાનું આવે ત્યાં તો દિલના ધબકારા વધી જાય છે, ‘આઇ લાઇક યુ’ કહેવામાં પણ દિલ ધબકારો ચૂકી જાય છે, અરે, મેસેજમાં છોકરીનું Typing… Typing… વાંચતાં છાતીમાં ધડક-ધડક થવા લાગે છે…
… છતાં હાર્ટ-બિટ્સ માપવા માટે સ્માર્ટ-વોચ પહેરે છે !
***
દિવસના સાડત્રીસ નકામાં નોટિફીકેશન્સ, સત્તાવન ફેસબુક પોસ્ટ અને સત્તાણુ વોટ્સએપ મેસેજો મોબાઇલમાં આવે ત્યારે ખોલીને નજર પણ નથી નાંખતા…
… અને ‘મોબાઇલ-એલર્ટ’ તરત જાણવા મળી જાય એના માટે સ્માર્ટ-વોચ પહેરે છે !
***
ચાલુ વાહને પત્ની કે બોસનો ફોન તો ઉપાડતા જ નથી અને ગર્લ-ફ્રેન્ડનો ફોન આવે તો વાહન સાઇડમાં લઇને અડધો કલાક ચોંટી રહે છે…
… છતાં ‘કોલ-આન્સરિંગ’ માટે સ્માર્ટ-ફોન પહેરે છે !
***
અને ભૈશાબ, ક્યાંય ‘ટાઇમસર’ તો પહોંચતા જ નથી… છતાં…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment