દિવાળી ટાઇમે બનાવેલા નાસ્તાના ડબ્બાઓ જરા ખોલીને સુંઘી જોજો. જો હવે થોડા દિવસ ખાવામાં આળસ કરી છે તો એ બધું જ ખોરું થઇ જશે !
જોકે ઘરની ગૃહિણીઓને આવી બાબતોની ‘ગંધ’ વહેલી આવી જતી હોય છે. એટલે જ આજકાલ અનેક ઘરોમાં ચાલી રહી હશે. ‘નાસ્તા પતાવો’ ઝુંબેશ !
***
જો સવાર સાંજ રસોઇમાં ‘સેવ-ટામેટા’નું શાક બનવા લાગ્યું હોય તો સમજવું કે…
- નાસ્તા પતાવો ઝુંબેશ ચાલુ થઈ ગઈ છે !
***
જો ભાણાં ઉપર પાપડને બદલે મઠીયાં કે સુવાળી જ દેખાવા લાગે તો સમજવું કે…
- નાસ્તા પતાવો ઝુંબેશ ચાલુ થઈ ગઈ છે !
***
જો સવારના નાસ્તામાં ગરમા ગરમ બટેટાપૌંવાને બદલે ચેવડાનો ઝીણો ઝીણો ભૂકો ડીશમાં મુકાયો હોય તો સમજવું કે…
- નાસ્તા પતાવો ઝુંબેશ ચાલુ થઈ ગઈ છે !
***
જો ચા સાથે આખી બિસ્કીટોને બદલે ફરસીપુરીના ભગ્ન અવશેષો દેખાવા લાગે તો સમજવું કે…
- નાસ્તા પતાવો ઝુંબેશ ચાલુ થઈ ગઈ છે !
***
જો જમ્યા પછી પત્ની સ્વીટ-ડીશમાં કાપેલા ઘુઘરાને ‘સ્વીટ કોફ્તા વિથ હની રસમલાઇ’નું નામ આપીને ખવડાવી દે અને ધરાર પૂછ્યા કરે કે ‘આ નવી વાનગી કેવી લાગી ?’ તો સમજવું કે…
- નાસ્તા પતાવો ઝુંબેશ ચાલુ થઈ ગઈ છે !
***
અરે, મુખવાસના નામે જો દાળમૂઠમાં થોડી ખાંડ નાંખીને ડાયરેક્ટ તમારા મોંમાં પધરાવી દેવામાં આવે તો પણ સમજવું કે…
- નાસ્તા પતાવો ઝુંબેશ ચાલી રહી છે !
***
બાકી નવી પંજાબી સબ્જીના નામે જો તમને ડ્રાય ફ્રુટ કચોરીની ‘કરી-કચોરી’ બનાવીને ખવડાવી દેવામાં આવે તો તો તમે સમજી જ જશો કે…
- નાસ્તા પતાવો ઝુંબેશ ચાલી રહી છે !
***
અને છેવટે જ્યારે કામવાળી પણ વધ્યું-ઘટ્યુંના બહાને શક્કરપારા, ચકરી અને લાડુ-બુંદીનો ભુક્કો ભરેલી વાટકી લઈ જવાની ધરાર ના પાડી દે… તો સમજવું કે…
- હવે આમાંથી પણ કોઈ નવી વાનગી બનવાની છે !
હેપ્પી એપિટાઇટ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment