ગયા રવિવારે 14મી નવેમ્બરે બાલ-દિવસ હતો. અમુક મોટેરાઓએ આ દિવસે જવાહરલાલ નહેરુને જુદી જુદી રીતે યાદ કર્યા. જે કોંગ્રેસી છે એમણે જુદી રીતે, અને ભાજપિયા છે એમણે જુદી રીતે !
એમ તો સૌથી વધુ યાદ કરાયા હોય તે રાહુલ ગાંધી હતા ! પરંતુ જે ખરેખર બાળકો છે એમને તો લગભગ બધા ભૂલી જ ગયા !
જરા જુઓ, આજનાં સ્માર્ટ બાળકોએ આ બાલ-દિવસે કેવા કેવા સંકલ્પો કર્યા છે…
***
જો પપ્પા મને નવો મોબાઇલ નહીં અપાવે તો હું મમ્મીને કહી દઈશ કે પપ્પા એકલા હોય છે ત્યારે મોબાઇલમાં શું શું જોયા કરે છે !
***
જો મમ્મી મને મોબાઇલ અપાવવા માટે પપ્પા આગળ જીદ નહીં કરે તો હું પપ્પાને કહી દઈશ કે તમે ઓફિસ જાઓ છો પછી મમ્મી મોબાઇલમાં બીજું સીમ-કાર્ડ નાંખીને કોની કોની જોડે વાત કરે છે !
***
અને મેં નક્કી કર્યું છે કે પપ્પા મને મારું હોમવર્ક નહીં કરી આપે તો મમ્મી જ્યારે પપ્પાને દબડાવે ત્યારે કિચનમાં મમ્મીનો ગ્લાસ ફોડીને હું ઝગડામાં ભંગ નહીં પડાવું !
***
અને પપ્પા જો મારા પોકેટમની નહીં વધારી આપે તો હું એમને વાસણ ઘસવામાં મદદ નહીં કરું !
***
અને મમ્મી-પપ્પા બંને જો મને રોજના ત્રણ કલાક મોબાઇલ મચડવા માટે નહીં આપે તો હું પાડોશી અંકલને જઈને કહી દઈશ કે તમારા વાઈ-ફાઈનો પાસવર્ડ ચોરીને મારા મમ્મી-પપ્પા તમારો ડેટા વાપરી જાય છે !
***
જોકે એક વાત નક્કી છે. હું મોટો થાઉં પછી મારાં છોકરાને હું સાવ નાનપણથી જ હાથમાં મોબાઇલ પકડાવી દઈશ એટલે એ ‘એમાં જ બિઝી રહે ! અને મારી બાબતોમાં માથું જ ના મારે ! જય બાલ દિવસ.’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment