પ્રિ-વેડિંગ શૂટની 'વિધિ' !

હવે તો લગ્નોમાં પ્રિ-વેડિંગ ફોટોગ્રાફી કરાવવી એ પણ એક ‘વિધિ’ ગણાય છે !

આ ફોટોગ્રાફરો અને વિડીયોગ્રાફરોએ હવે ખાસ પ્રકારની માગણીઓ કરી છે….

***

પ્રિ-વેડિંગ ફોટોગ્રાફીમાં જ્યારે પહેલી વાર ફ્લેશ ઝબકે ત્યારે લગ્નવિધિનું ‘દીપ-પ્રાગટ્ય’ થયું છે એમ ગણવું જોઈએ.

***

ફોટોગ્રાફરો જે ‘સ્માઇલ પ્લીઝ’ બોલે છે તેને ‘સા..વ…ધાન…!’ જેવો મહત્વનો ‘લગ્ન-મંત્ર’ ગણવામાં આવે.

***

એ જ રીતે ‘સામે જુઓ, ડાબી બાજુએ જુઓ, એકબીજાનો હાથ પકડો, ધીમે ધીમે કેમેરા તરફ ચાલો…’ વગેરે સુચનાઓને પણ ‘મંત્રોચ્ચાર’ તરીકે ગણવામાં આવે.

***

વિડીયો શૂટિંગમાં જે ફિલ્મી રોમેન્ટિક ગાયનો વાપરવામાં આવે છે તેને અધિકૃત રીતે ‘લગ્નગીતો’ જાહેર કરવામાં આવે.

***

થનારો પતિ પોતાની થનારી પત્ની આગળ ઘુંટણિયે પડીને વીંટી પહેરાવે છે તેને પણ ‘ફોટો-સગાઇ’ નામની ઓફિશીયલ વિધિમાં ગણવામાં આવે.

***

ખાસ વાત, એ કે આ બધી વિધિઓમાં કોઈ ગોર મહારાજની હાજરીની જરૂર નથી. એવું ગોર મહારાજોનું એસોસિએશન લેખિતમાં લખીને આપે !

***

ફોટોગ્રાફરો તથા વિડિયોગ્રાફરોને ‘પ્રિ-ગોર મહારાજ’નો દરજ્જો આપવામાં આવે.

એ જ રીતે શૂટિંગ વખતે લાઇટ પકડીને ઊભા રહેનારાઓને ‘સહાયક પ્રિ-ગોર મહારાજ’ના દરજ્જા આપવામાં આવે.

***

રિસેપ્શન વખતે જે પરદા ઉપર પ્રિ-વેડિંગ શૂટની સ્લાઇડો તથા વિડીયો બતાડવામાં આવે છે ત્યાંથી દસ ફૂટ દૂર સુધી કોઈ કૂતરાં, બિલાડાં કે કચરાપેટીઓ રાખવી નહીં. એને પણ ‘પવિત્ર પરદો’ જાહેર કરવામાં આવે.

***

- અને જ્યાં સુધી આખેઆખું લગ્નનું વિડીયો રીલ તથા ફોટાઓનું આલ્બમ યજમાનને સોંપી દેવામાં ના આવે ત્યાં સુધી (એટલે કે છ મહિના સુધી) લગ્નને ‘વિધિવત્‌ રીતે સંપૂર્ણ’ માનવામાં ના આવે !

***

- મન્નુ શેખચલ્લી

Comments