એ જમાનાની ગુજરાતી ફિલ્મોનો ત્રાસ ભોગવીને જે લોકો આજે પણ અડીખમ રહ્યા છે એ સૌ પ્રેક્ષકો ખરેખર બહાદૂરી પુરસ્કારોને લાયક છે. 1971માં આવેલી ‘જેસલ-તોરલ’ ફિલ્મ પછી જે ખતરનાક વાવાઝોડું ગુજરાતી પ્રેક્ષકો ઉપર ત્રાટક્યું હતું તેમાંથી બચીને એ યાતનાનું બયાન કરી શકનારા આજે ખરેખર વિચારતા હશે કે યાર, શં જોઈને અમે એવાં ગુજરાતી પિક્ચરોની ટિકીટો ખરીદતા હતા ?
હા, એ વાત સાચી કે સરકારની ટેક્સ-ફ્રી નિતિને કારણે જ્યાં હિન્દી ફિલ્મની ટિકીટ 2.50 રૂપિયાની હોય ત્યાં આવા ગુજરાતી પિક્ચરો 1.10માં જોવા મળી જતાં હતાં. પરંતુ કરસરિયા ગુજરાતીઓ 1 રૂપિયો ને 40 પૈસા બચાવવા માટે નહીં, બલ્કે એટલા પૈસા ‘વસૂલ’ કરવા માટે જતા હતા !
હકીકત એ હતી કે એ સમયની ગુજરાતી ફિલ્મોનો મોટાભાગનો પ્રેક્ષક ભાગ્યે જ કોઈ હિન્દી ફિલ્મો જોવા ટેવાયેલો હતો. ગામડામાંથી શહેરમાં આવીને વસી ગયેલાં કુટુંબો, જુનવાણી વિચારધારા ધરાવતા મિડલ ક્લાસ લોકો અને જેમણે ગુજરાતની લોકકથાઓ, સતીકથાઓ અને બહારવટિયાઓની વારતાઓ ક્યાંક વાંચી કે સાંભળી જ હતી એમને આ કહાણીઓને રૂપેરી પરદે જોવાની ઘેલછા જાગી હતી.
એટલે જ આ ફિલ્મોમાં કશાય ઢંગધડા નહોતા છતાં ટિકીટબારીઓ હાઉસફૂલ થયા કરતી હતી. એ જમાનાની ગુજરાતી ફિલ્મોમાં જો કશુંક ધોરણસરનું હોય તો તે તેનું સંગીત હતું. (એમાંય ફક્ત ગીતો, બેકગ્રાઉન્ડ મ્યુઝિક નહીં.) કેમકે ગૌરાંગ વ્યાસ અને અવિનાશ વ્યાસ ગીતોનું રેકોર્ડિંગ માત્ર અને માત્ર મુંબઇમાં કરાવવાનો આગ્રહ રાખતા હતા.
બાકી ફોટોગ્રાફી જોઈ હોય તો ચીતરી ચડે ! પોસ્ટરમાં ભલે લખ્યું હોય ઇસ્ટમેનકલર (અથવા ફ્યુજીકલર) પણ જો તમે એમાંથી ધૂળિયા કલર કે ઘાસલેટ કલર સિવાયના કોઇ કલર શોધી શકો તો ઇનામ આપવું પડે ! આનું કારણ એક જ હતું કે રાતોરાત રૂપિયા કમાઈ લેવા નીકળી પડેલા લેભાગુ પ્રોડ્યુસરો મુંબઇમાં જે રો-સ્ટોક (નેગેટિવ ફિલ્મનો સ્ટોક) સડી ગયો હોય, આઉટ ઓફ ડેટ થઈ ગયો હોય કે વપરાયા વિના ભંગારમાં કાઢી નાંખવાનો હોય તે ખરીદી લાવતા !
ભાડે મળતા કેમેરાનું પણ એવું જ. જે સસ્તો મળે એ જ સારો ! હા, ગાયન આવે ત્યારે પરદા ઉપર થોડા સારા માંયલા રંગ જોવા મળે ખરા ! બાકી એક્ટિંગમાં પણ કશો ભલેવાર નહીં.
રગડ ધગડ સાંધા મારીને ઊભા કરેલા અને શીખાઉ રંગારાએ ચીતરામણ કર્યું હોય એવા સસ્તા સેટ (હાલોલના સ્ટુડિયોમાં) ઊભા કર્યા હોય, એની સામે રેશનનું અનાજ લેવા માટે લાઇન લગાડી હોય એવી રીતે કલાકારોને ઊભા રાખીને સંવાદો બોલાવડાવી નાંખવાનાં ! જ્યાં ભૂલ પડે ત્યાંથી ‘કટ’ કહીને, એકાદ પાત્રનો ક્લોઝ-અપ લઈને ઝૂમ-આઉટ કરતાં સીન આખો ખેંચી નાંખવાનો !
એક તો ખાઇ-પીને ફાંદાળા દુંદાળા બની ગયેલા હીરો, એમાંય કાગડી અને કાબર જેવા અવાજ કાઢતી હીરોઇનો... અને ઉપરથી વિના વારંવાર ઘાટા પાડીને, મૂછો આમળીને અટ્ટહાસ્યો કરતા વિચિત્ર વિલનો… પ્રોડ્યુસરોની સસ્તાઇ એટલી હદે ઉઘાડી પડી જતી હતી કે ગરબો આવે ત્યારે જાડીપાડી હિરોઇન સિવાયની તમામ બિચારીઓ કોઈ સ્કુલના ગરબા ગ્રુપમાંથી યે કાઢી મુકેલી અને કુપોષણથી પીડાતી હોય એવી માંદલી છોકરીઓ જ જોવા મળે !
જોઇને એમ જ વિચાર આવે કે આખા ગામનું ખાવાનું પેલી ભમભોલ થઇ ગયેલી હિરોઇન જ ખાઇ જતી હશે !
જોકે આ વાવાઝોડું એવું જબરું ચાલેલું કે ગુજરાતમાં અડધો અડધ થિયેટરોમાં હિન્દી ફિલ્મો રીલિઝ થતી જ નહોતી ! જે થતી તે માત્ર ‘એ’ ગ્રેડની અને કમાણી લાવી શકે તેવી જ, બાકી ‘બી’ અને ‘સી’ ગ્રેડની ફિલ્મોને ગુજરાતનું મોં બતાડવાની હિંમત કોઈ કરતું નહોતું.
છતાં આ વહેતી (ડહોળી) ગંગામાં હાથ ધોવા માટે અચ્છા અચ્છા હિન્દી ફિલ્મવાળા કૂદી પડ્યા હતા ! શ્રીરામ બોહરાએ ડઝનથી વધુ ફિલ્મો બનાવી. કોમેડિયન અસરાની ચીતરી ચડે એવું ગુજરાતી બોલતો હીરો બનતો હતો ! મરાઠીનો સ્ટાર દાદા કોંડકે પણ અહીં ડૂબકી મારી ગયા હતા અને હિન્દી ફિલ્મોમાં લગભગ ડૂબી ચૂકેલા કિરણકુમારને અહીં ‘તરણું’ (ભરણું તથા શરણું) મળી ગયું હતું !
તમને નવાઇ લાગશે પણ ‘હમ’ના પ્રોડ્યુસર રોમેશ શર્મા તથા સાઉથની દિગ્ગજ પ્રોડક્શન કંપની ‘જેમિની’ પણ આ ગુજરાતી ફિલ્મોની ડહોળી ગંગામાં હાથ ધોઈ ચૂક્યા હતા !
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Bhovayavaganibhavay
ReplyDelete