ન્યુઝ અને અફવા !

આજકાલ અમુક સમાચારો એવા આવે છે કે એની પાછળ પાછળ કોઈ જોરદાર અફવા પણ આવશે એવો ડર લાગે છે…

***

ન્યુઝ

મહારાષ્ટ્રના મિનિસ્ટર નવાબ મલિક રોજેરોજ નવા નવા સનસનાટીભર્યા આક્ષેપો કરવા લાગ્યા છે.

અફવા

અર્નબ ગોસ્વામીને ડર લાગે છે કે નવાબ મલિક હવે પોતાની ‘ન્યુઝ-ચેનલ’ ના શરૂ કરી દે !

***

ન્યુઝ

દિલ્હી પાસે જમુના નદીમાં કેમિકલ્સના કારણે ફીણના ગોટેગોટા વહેતા હતા જેમાં બહેનોએ છઠ પૂજા કરવી પડી.

અફવા

અમુક બુદ્ધિજીવી પર્યાવરણવાદીઓનું માનવું છે કે આ બધાં ફીણ પણ દિવાળીમાં ફટાકડા ફોડવાને કારણે જ થયાં છે !

***

ન્યુઝ

એલોન મસ્કે પોતાની કંપનીના 10 ટકા શેર વેચીને અફઘાનિસ્તાનને આર્થિક મદદ કરવાનો ઇરાદો જાહેર કર્યો છે.

અફવા

અફઘાનિસ્તાનના ડ્રગ-માફિયાઓ જ આ 10 ટકા શેર ખરીદી લેવા માટે ટાંપીને બેઠા છે !

***

ન્યુઝ

મુકેશ અંબાણી લંડન પાસે 300 એકરમાં ફેલાયેલા વિશાળ મહેલ જેવા વિલામાં વેકેશન માણવા માટે ગયા હતા.

અફવા

ઇન્સ્પેક્ટર સચિન વાઝે એ બંગલાની આસપાસ આંટા મારતા દેખાયા હતા !

***

ન્યુઝ

ગુજરાતમાં 5700 કિલો ડ્રગ્સ પકડાયું.

અફવા

આર્યન ખાન હવે મુંબઇ છોડીને ગુજરાતમાં જ ક્યાંક ઠરીઠામ કરવાનું વિચારી રહ્યો છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments