રવિ શાસ્ત્રી કહે છે કે બિચારા ભારતીય ક્રિકેટરો થાકી ગયા હતા ! આવી જ ફરિયાદ બુમરાહે પણ કરી હતી !
છેવટે એ બધા ક્રિકેટરો આ ફરિયાદ લઈને ડોક્ટર પાસે ગયા છે… જુઓ એ દ્રશ્ય…
***
ક્રિકેટરો : “ડોક્ટર સાહેબ, અમને બહુ થાક લાગ્યો છે.”
ડોક્ટર : “અચ્છા, અચ્છા, બિચારા બોલરો સતત બોલિંગ કરી કરીને થાકી ગયા હશે, નહીં ?”
“હા, જુઓને…. બોલરોએ દરેક મેચમાં ચાર… ચાર… ઓવરો નાંખવી પડે છે ! થાકી ના જવાય ?”
“અને બેટ્સમેનો પણ થાકી જતા હશે બેટિંગ કરીને, રાઈટ ?”
“હાસ્તો ! અમુક બેટ્સમેનોએ તો 10થી વધારે બોલ રમવા પડે છે ! જ્યારે બીજા અમુક બેટ્સમેનોને જ્યારે ચોગ્ગા છગ્ગા નથી વાગતા ત્યારે દોડી દોડીને આઠ… દસ.. રન લેવા પડે છે !”
“પણ અમુક બેટ્સમેનોને તો બેટિંગ કરવાનો વારો જ નથી આવતો. એ શેમાં થાકી ગયા ?”
“લો, ખબર નથી? ત્યાં ડગ-આઉટમાં બેઠાં… બેઠાં… કેટલો ભયંકર થાક લાગે છે !”
“ઓહ, આઈ સી ! વળી તમારે મેચો પણ રોજ રમવી પડતી હશે નહીં ?”
“રોજ ? અરે, અઠવાડીયે… અઠવાડીયે…! વર્લ્ડ કપ વખતે તો દર રવિવારે મેચ હતી ! વચ્ચે ફક્ત છ જ દિવસનો ગેપ મળે !”
“ખરેખર ? વળી તમારે મેચો રમવા માટે પ્રવાસો પણ બહુ કરવા પડ્યા નહીં ?”
“હાસ્તો ! દૂબઈથી શારજાહ, શારજાહથી આબુ ધાબી અને આબુધાબીથી ફરી દૂબઈ ! એમાં વળી વર્લ્ડકપ વખતે તો દૂબઈની હોટલથી છેક દૂબઈના મેદાન સુધી પ્રવાસ ખેડવો પડતો હતો !”
“ઓહો ? અને મેચ ના હોય તો ?”
“તો ય ક્યાં શાંતિ હતી ? અમારે રોજ એકાદ કલાક તો ટીવી કેમેરાને દેખાડવા માટે પ્રેક્ટિસ કરવી જ પડતી હતી ! અમે તો થાકી ગયા ભૈશાબ !”
“સાલું… ખરેખર નવાઈની વાત કહેવાય હોં ?”
“કેવી નવાઈ ?”
“જુઓને, અમે ડોક્ટરોએ કોરોના વખતે 18 મહિના સુધી PPE કીટ પહેરીને રોજ બાર બાર કલાક સેવાઓ આપી છતાં અમને ડોક્ટરોને થાક ના લાગ્યો, અને તમને ચાર ઓવર અને પંદર બોલનો થાક લાગી ગયો ?
વેરી વેરી સરપ્રાઇઝીંગ ! ખરેખર, રેર મેડિકલ કેસ…”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment