દિવાળી પછીના નવા તહેવારો !

દિવાળી ઉજવાઈ જાય, નવું વરસ વધાવાઈ જાય, લાભપાંચમનાં મહૂરત થઈ જાય એ પછી પણ અમુક તહેવારો ઉજવતા રહેવાની જરૂર છે ! જેમકે…

***

ખિચડી છઠ

તળેલું, ગળ્યું અને બહારનું ખાઈ ખાઈને જે પેટ બગાડ્યું છે તેને આરામ આપવા માટે હવે એક દિવસ માત્ર ખિચડી ખાઈને કાઢવા જેવો છે ! માટે ઉજવો આ ખિચડી છઠ !

***

મીઠાઈ સાતમ

ગિફ્ટમાં આવેલાં પેલાં મીઠાઈનાં બોક્સને ક્યાં સુધી સાચવી રાખવાનાં છે ? હવે કોઈને પધરાવી પણ શકાશે નહીં અને તમે જાતે પણ ખાઈ શકવાના નથી. તો એ મીઠાઈઓ હવે કામવાળીને આપી દો ને ! પૂણ્ય લાગશે !

***

નાસ્તા નોમ

તીખાં, તળેલાં અને કરકરાં ફરસાણ જેવા નાસ્તાઓ પણ હવે ડબ્બાઓમાં ભૂક્કો થઈ ગયાં હશે. હવે એ નાસ્તાઓનું કાં તો પેટમાં કાં તો કામવાળીને આપીને ‘વિસર્જન’ કરવાનો સમય આવી ગયો છે. નહીંતર બધું ખોરું થઈ જશે.

***

ઓફિસ-વાપસી અગિયારસ

જે ઓફિસોના માલિકોએ લાઇટ, એસી અને પટાવાળાના ખર્ચા બચાવવા ખાતર થઈને કર્મચારીઓને જાણી જોઈને ‘વર્ક ફ્રોમ હોમ’માં જ રાખ્યા છે, એમણે કમ સે કમ આ એક દિવસ માટે કર્મચારીઓને ઓફિસે બોલાવવા જોઈએ ! આનાથી ઓફિસ સ્થાને પોઝિટીવ ઉર્જાનું સર્જન થશે અને એક દિવસ માટે પત્નીઓના આશીર્વાદ પણ મળશે !

***

ફેસબુક જલન ચૌદશ

દિવાળી વેકેશનમાં ભલે ભીડમાં ધક્કા ખાધા હોય, હોટલને બદલે દુકાનોના ઓટલે સૂતા હોય કે ચીરી નાંખે એવા ભાવ ચૂકવીને શોખ પૂરા કર્યા હોય છતાં ફેસબુકમાં સૌના હસતા, મોજ કરતા બીજા લોકોના ફોટા જોઈને ‘જલન’ થાય છે ને ? તો એને કાળીચૌદશના કકળાટની જેમ બાળી મુકો ! ફેસબુકમાંથી એ બધી પોસ્ટો ડિલીટ કરો… બહુ શાંતિ  લાગશે !

નવા વરસના નવા તહેવારો સૌને મુબારક !

***

- મન્નુ શેખચલ્લી

Comments