અખબારોમાં રોજેરોજ અમુક જાતના આંકડા છપાતા હોય છે. પરંતુ અમુક આંકડા એવા છે જેની આપણને ખાસ ખબર જ નથી હોતી ! જેમકે…
***
પતિ-પત્ની વિશેની 90 ટકા જોક્સમાં પત્નીની મજાક થતી હોય છે. છતાં જોવાની વાત એ છે કે એ સાંભળવાની 90 ટકા પત્નીઓને મઝા પડે છે !
***
એટલું જ નહીં, પત્નીની મજાક થતી હોય એવા 90 ટકા વિડીયો પણ પત્નીઓ જ બનાવે છે ! બોલો.
(જેમાં 90 ટકા પતિઓ ડરના માર્યા એક્ટિંગ કરે છે !)
***
ભારતના 90 ટકા લોકો ઇચ્છે કે દેશમાં ભ્રષ્ટાચાર ના હોવો જોઈએ…
છતાં ચૂંટણી આવે છે ત્યારે 90 ટકા મતદારો ભ્રષ્ટાચારી નેતાઓને જ વોટ આપે છે ! બોલો.
***
મોબાઇલની આદત કેટલી ખરાબ છે એ વિશેની 90 ટકા વાતો મોબાઇલમાં જ આવતી હોય છે.
એટલું જ નહીં, યુવાપેઢીને મોબાઇલ બરબાદ કરી નાંખશે એવી ચેતવણીના મેસેજો પણ 90 ટકા તો વડીલોના જ મોબાઇલમાં ફરતા હોય છે ! બોલો.
***
મોબાઇલમાં સવારના પહોરમાં સૌને ‘ગુડમોર્નિંગ’ના ફોટા મોકલનારા લોકોમાંથી 90 ટકા લોકો કદી બીજાના ‘ગુડમોર્નિંગ’ના ફોટા ખોલીને જોતા જ નથી ! બોલો.
***
એ જ રીતે ‘વૃદ્ધાવસ્થામાં તંદુરસ્ત જીવન શી રીતે જીવવું’ એ મેસેજો મોકલનારા 90 ટકા વડીલોને શરીરમાં કંઇ ને કંઇ તકલીફો હોય જ છે !
***
બિઝનેસ મેનેજમેન્ટ શીખવતી કોલેજોના 90 ટકા પ્રોફેસરોએ કદી બિઝનેસ કર્યો જ નથી હોતો !
***
T-20 ક્રિકેટ મેચોમાં ‘એક્સ્પર્ટ’ તરીકે સલાહો આપનારા ક્રિકેટરોમાંથી 90 ટકા તો T-20માં સાવ ‘ફ્લોપ’ ગયા હોય છે ! બોલો.
***
જે 90 ટકા લોકો ભારતની ‘શરમજનક’ હારથી ચીડાઇ ગયા હતા એ જ 90 ટકા લોકો પાકિસ્તાનની ‘આશ્ચર્યજનક’ હારથી હરખાઇ ઉઠ્યા છે !!
***
અને જીવનમાં રૂપિયાનું કંઈ મહત્વ નથી એવા ઉપદેશ આપનારા ધર્મગુરુઓ છેવટે તો દાનમાં રૂપિયા જ માગે છે ! બોલો...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment