વિડિયો કેસેટો : 20% મનોરંજન 80% ત્રાસ !

બન્તા સિંહ  વિડીયો કેસેટની દુકાને આવીને ફરિયાદ કરવા લાગ્યા કે ‘તમારે ત્યાંથી એક પિકચરની કેસેટ લઈ ગયો હતો અને જુદી જુદી સત્તર રીતે ચલાવી જોઈ, પણ નથી એમાંથી કોઈ અવાજ આવતો કે નથી એમાં કોઈ પિક્ચર દેખાતું !’

દુકાનવાળો પૂછે છે ‘એ પિક્ચરનું નામ શું હતું ?’

બન્તા સિંહ કહે છે ‘હેડ ક્લીનર !’


એ જમાનામાં વિડીયો કેસેટ પ્લેયરનું જે મેગ્નેટિક હેડ હોય તેમાં કચરો ભરાઈ જતો. એને સાફ કરવા માટે ખાસ જાતની કેસેટ ચલાવતા, જેને ‘હેડ ક્લીનર’ કહેતા હતા !

બસ, 20% મનોરંજનની વાત અહીં પુરી થઈ. હવે 80% ત્રાસની વાત કરીએ.’

એ જમાનામાં દરેક પ્રાયવેટ લકઝરી બસોમાં ડ્રાયવરની સીટની કેબિન પાછળ, ઉપરના ભાગે ટીવી ગોઠવવા માટે એક ગોખલો બનાવેલો રહેતો હતો. એમાં ટીવીની નીચે પેલું VCR એટલે કે વિડીયો કેસેટ પ્લેયર મુકેલું રહેતું. અમદાવાદથી અંબાજીની બસ હોય તો એની ટિકીટ કઢાવતાં પહેલાં પેસેન્જરો અચૂક પૂછતા ‘પિક્ચર નવું બતાડશો ને ?’

બસમાં હજી બેઠા નથી ત્યાં તો ‘બોલો અંબે માત કી જય !’ વગેરે પતાવતાંની સાથે જ પેસેન્જરો કહેવા માંડતા : ‘પિક્ચર મુકો લ્યા, પિક્ચર !’

આમ ભલે માતાજીના દર્શનની જાત્રાએ નીકળ્યાં હોય પણ પિક્ચરમાં મારામારી, ગાયનો, ડાન્સ વગેરે ના હોય તો જાત્રાની મઝા જ શું ? સ્વાભાવિક છે, એક જતાં અને એક આવતાં, એમ બે ફિલ્મો જોયાનો સંતોષ, માતાજીના દર્શન તથા પ્રસાદમાં ઉમેરીને જ ચાલવાનો રીવાજ હતો.

આવા વખતે જો પિક્ચર જોયેલું અને જુનું હોય તો પેસેન્જરો કકળાટ કરી મુકતા ! અને જો ભૂલેચૂકે પેલું પ્લેયર બગડ્યું, ફિલ્મ અધવચ્ચે જ અટકી ગઈ, તો ચારે ચાર વ્હીલમાં પંચર પડી ગયાં હોય એવી ગમગીની છવાઈ જતી ! ક્યારેક તો ડ્રાયવર-કંડક્ટર સાથેનો ઝગડો મારામારી સુધી પહોંચી જતો હતો. જય માતાજી.

આ તો માત્ર ચારેક કલાકની જર્નીની વાત. બાકી અમદાવાદથી મુંબઈની સફર જો તમે આવી ‘લકઝરી’ બસ દ્વારા કરવાનું ધાર્યું હોય તો એ ‘લકઝરી’ (ઐયાશી) ‘ટોર્ચર’માં ફેરવાઈ જતી.

ચાલો, નવેક વાગ્યે ઉપડેલી બસમાં તમે સાડા નવેક વાગે એકાદ ફિલ્મ લગાડો તો સમજ્યા પણ રાતે બાર વાગે, કચરા જેવી હિન્દી ફિલ્મનો ઘોંઘાટ પતે (સ્પીકરો તો કાન ફાડી નાંખે એવા મોટા અવાજે જ વાગતાં હોય ને ?) પછી માંડ આંખો મીંચીને એકાદ ઊંઘ કાઢવાના મૂડમાં હો ત્યાં તો બીજું એકાદ ત્રાસદાયક ઘોંઘાટિયું પિક્ચર મુકવામાં આવે !

નવાઈની વાત એ હતી કે મોટા ભાગના  મુસાફરો એનો જરાય વિરોધ પણ નહોતા કરતા. ઉલ્ટું, આંખો બંધ રાખીને ફિલ્મ ‘જોઈ’ પણ લેતા હતા !

આમાં ફિલમ જોવાનો સૌથી વધુ ઉત્સાહ તો પેલી લકઝરી બસના ‘સ્ટાફ’નો રહેતો હતો ! શી ખબર, બસમાં શું ય વળી એવું મેનેજમેન્ટ કરવાનું હોય, કે તેના માટે કમ સે કમ ચાર પાંચ નવરા જુવાનિયાઓ સાથે ને સાથે મુસાફરી કરતા ! સીટોની વચ્ચે જ્યાં ચાલવાની ‘પતલી ગલી’ હોય ત્યાં ‘મુડ્ડા’ (નેતરની પીઠ વિનાની ખુરશીઓ) ગોઠવીને બહુ રસપૂર્વક એ નવરાઓ આવી ફિલ્મો જોતા હતા. એમના હાવભાવ અને લક્ષણો જોઈને તો એવું જ લાગતું કે સાતમી કે પંદરમી વાર જોઈ રહ્યા છે !

રાતના ત્રણેક વાગ્યા સુધી ચાલુ રહેતો આ ત્રાસ કોઈ પણ રીતે બંધ કરાવવો તે ભારતમાં ફેલાયેલા આતંકવાદ સામે લઢવા જેવું કામ હતું ! તમે સ્હેજ અમથી ફરિયાદ કરો તો એ ટોળકી સામું ઘુરકીને સંભળાવતી ‘તમ-તમારે ઊંઘી જાવ ને ? પિક્ચર તો બંધ નહીં જ થાય !’

એ જમાનામાં, કહેવાય છે કે ભારતની હિન્દી ફિલ્મોનો પાકિસ્તાનમાં ભારે ક્રેઝ હતો. એમાંય જો કોઈ મોટી બ્લોક બસ્ટર ફિલ્મ આવે તો રિલીઝ થવાના બીજા જ દિવસે પાકિસ્તાનમાં તેની ઓરીજીનલ કેસેટોનાં કાળાંબજાર થતાં ! રાતોરાત તેની હજારો ગેરકાયદેસર નકલો આખા પાકિસ્તાનમાં તમામ વિડિયો પાર્લરોમાં પહોંચી જતી હતી.

આ જ કારણસર આ આખો કારોબાર મુંબઈના અંડરવર્લ્ડના હાથમાં હતો. કહેવાય છે કે પાકિસ્તાનનાં થિયેટરોમાં હિન્દી ફિલ્મો ઉપર બાન ચાલુ રાખવામાં પણ આ જ વિડીયો કેસેટના કારોબાર ચલાવતા અંડરવર્લ્ડનું દબાણ રહેતું હતું.

આ વિડીયો કેસેટોનો એક જ ઉપકાર અમે ભૂલ્યા નથી કે એ સમયનાં આપણા પરિવારનાં લગ્ન પ્રસંગો આવી કેસેટો વડે વારંવાર માણી શકાતાં હતાં. પેલા 20%માં આનો ઉમેરો ગણી લેવા વિનંતી છે.

***

-મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments