લો બોલો, હવે અમદાવાદની પણ એક IPL ટીમ હશે ! નવાઈની વાત એ છે કે પૈસે પૈસાનો બરોબર હિસાબ રાખતા આ શહેરની ટીમ ખરીદવામાં એ લોકોએ 5600 કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યા !
યાર, અમને સ્હેજ કહેવું તો હતું ? અમે રકઝક કરીને ઓછા કરાવી આપ્યા હોત !
ખેર, હવે પછી આ ટીમના ‘અમદાવાદી નિયમો’ આ મુજબ રહેશે…
***
(1) ટીમનું સ્લોગન હશે : ‘ના હોય !’
જીતી જઈએ તોય કામમાં આવે અને હારી જઈએ તોય ‘વેસ્ટ’ ના જાય.
(2) ટીમના મેમ્બરોએ, સ્ટાફે અને ટીમના સપોર્ટરોએ અમે કહીએ એ જ રેડી-મેઈડની દુકાનમાંથી જર્સીઓ ખરીદવાની રહેશે. (અમદાવાદની સ્કુલોમાં ય આ જ નિયમ છે.)
(3) સવારના નાસ્તામાં ફાફડા અને ચટણી મળશે. એમાં ચટણી જોઈએ એટલી એકસ્ટ્રા મળશે. પણ ફાફડા બીજી વાર મળશે નહીં.
(4) ટી-બ્રેકમાં ચા સાથે ખાખરા મળશે. ચા પેપર કપમાં મળશે અને અડધી જ મળશે. (અમદાવાદની ટ્રેડિશન જાળવવાની છે.)
(5) ટીમમાં જે ખેલાડીની ખરીદી થાય એને અમુક રકમ રોકડેથી અને અમુક રકમ ચેકથી ચુકવવામાં આવશે.
રોકડ મળેલી રકમ બરોબર ગણીને લેવી. પાછળથી કોઈ જાતની તકરાર ચાલશે નહીં.
ચેક બેન્કમાં ભરતાં પહેલાં કંપનીને ફોન કરીને, પૂછીને જ ભરવો. પછી બાઉન્સ થાય તો અમારી જવાબદારી રહેશે નહીં.
(6) ખેલાડીઓએ પ્રેક્ટિસ કરવા માટે દર રવિવારે રિવરફ્રન્ટ ઉપર આવવું. બાકીના દિવસોમાં પોળમાં પ્રેક્ટિસ કરવાની રહેશે.
(7) પોળમાં લોકોના ઘરના કાચ ફૂટે તો તેની નુકસાની પ્લેયરે પોતાના ખિસ્સામાંથી ભરવાની રહેશે.
(8) મોટેરા સ્ટેડિયમમાં બોલ બાઉન્ડ્રીની બહાર જાય તો તેણે જાતે પાછો લાવી આપવાનો રહેશે.
(9) મફતિયા પાસ 20થી વધારે નહીં મળે. વારેઘડીએ જય શાહને ફોનો કરવા નહીં.
(10) અને હા, ડિમેટ એકાઉન્ટ ના હોય તો ખોલાવી રાખવું. કેમકે ટુંક સમયમાં અમદાવાદની ટીમ શેરબજારમાં લિસ્ટેડ કંપની બની જશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment