ગઈકાલે અમે એક અનોખો સિધ્ધિ સમારંભ જોયો !
મંચ ઉપર મોટા મોટા નેતાઓ બેઠા હતા. એમાંથી એક ગુજરાતી નેતા બહુ ગર્વથી ભાષણ કરી રહ્યા હતા :
‘આખરે અમદાવાદે આ સિધ્ધિ મેળવી જ લીધી છે ! દરેક ગુજરાતીને આ વાતનો ગર્વ થવો જોઈએ ! આમાં પહેલાં દિલ્હી આગળ હતું, મુંબઈ આગળ હતું… અરે રાજસ્થાનનું કોઈ સાવ અજાણ્યું શહેર પણ આપણાથી આગળ હતું… ત્યારે આપણને થતું હતું કે ગુજરાતનાં શહેરો કેમ પાછળ રહી જાય ? પણ આખરે અમદાવાદનો નંબર આવી જ ગયો છે… જતે દહાડે વડોદરા, રાજકોટ, સુરત વગેરેનો નંબર પણ આ સિધ્ધિમાં ઉમેરાઈ જશે…’
દિલ્હીથી આવેલા એક મોટા નેતાએ કહ્યું :
‘જુઓ, આ બધું કંઈ રાતોરાત નથી બન્યું. છેક 2016થી આપણે સૌ એની પાછળ પડ્યા હતા. સૌએ સહકાર આપ્યો છે ત્યારે જ આ સિધ્ધિ અહીં સુધી પહોંચી છે !’
અમે તો તાળીઓ પાડવા જતા હતા ત્યાં મનમાં વિચાર આવી ગયો કે અલ્યા, શેની સિધ્ધિની વાત ચાલી રહી છે ?
ત્યાં તો રૂપાણી સાહેબ ઊભા થઈને કહેવા લાગ્યા :
‘જુઓ, આમાં ફક્ત ભૂપેન્દ્રભાઈએ એકલાએ જશ લેવાની જરૂર નથી ! મોટાભાગનું કામ તો અમારા ટાઈમમાં જ થયું છે…’
આ વાત ઉપર નિતિન પટેલે પણ ખુરશીમાં બેઠાં બેઠાં માથું હલાવીને સંમતિ આપી ! અમે તો હજી અમારું માથું ખંજવાળી રહ્યા હતા કે ભાઈ, ફોડ તો પાડો ? આ વળી કઈ સિદ્ધિની વાત થઈ રહી છે ?
ત્યાં તો ભૂપેન્દ્રભાઈ બોલવા ઊભા થયા. એમણે કહ્યું :
‘ગુજરાતના પ્રજાજનોએ પણ હવે આ સિધ્ધિને હરખથી વધાવી લેવાની જરૂર છે. હવે આ સિધ્ધિના માર્ગમાં ખાડા આવે, બમ્પર આવે કે ભૂવા આવે… આપણે આ સિધ્ધિને કોઈપણ કિંમતે ટકાવી રાખવાની છે !’
મંચ ઉપર બેઠેલાં સૌએ તાળીઓનો ગડગડાટ કર્યો. છતાં અમારી ટ્યુબલાઈટ નહોતી થતી કે એવી તે વળી કઈ સિધ્ધિ મેળવી છે આપણે ?
ત્યાં એક નેતાએ છાતી કાઢીને માઈક હાથમાં લેતાં કહ્યું :
‘જુઓ… આખરે ‘પીળું એટલે સોનું નહીં’ એ કહેવત આપણે ખોટી પાડીને જ જંપ્યા છીએ… આજે જ્યારે તમે પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ પુરાવવા જાઓ ત્યારે વટથી કહી શકો છો… સોનું પુરી દે ! કેમકે પીળું પેટ્રોલ હવે ‘સો’નું થઈ ગયું છે…’
- ઓહ ! અમે સપનામાંથી ઝબકીને જાગી ગયા ! અચ્છા, આ સિદ્ધિની વાત થતી હતી ? અભિનંદન ભૈશાબ.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment