માંડ માંડ કોરોનાના કહેર પછી ગરબા રમવાની છૂટ મળી છે છતાં એની અસર હજી જતી નથી ! આના લીધે જ આ વખતે થોડાં નવાં સ્ટેપ્સ નીકળ્યાં છે… કરી જોજો !
***
માસ્કિયું / ડબલ માસ્કિયું
જો બંધ બારી-બારણાંવાળી કારમાં એકલા બેઠા હો તોય માસ્ક પહેરવું પડે છે, તો ગરબા રમતી વખતે કેમ નહીં ? આ નવી જાતના સ્ટેપમાં ફક્ત એટલું જ નવું છે કે રમતી વખતે એક અથવા બે માસ્ક પહેરી જ રાખવાનાં છે, ભલે તમને હાંફ ચડી જાય !
***
સોશિયલ ડિસ્ટન્સિયું
આમાં તમારે જમીન ઉપર ચીતરેલાં ગોળ કુંડાળામાં જ ઊભા રહેવાનું છે અને બીજી વ્યક્તિથી કમ સે કમ દો ગજ કી દૂરી રાખવા માટે હાથમાં ડાંડિયાને બદલે મોટી ડાંગ રાખવાની છે.
***
હેન્ડ-વોશિયું
આમાં બે તાળી પાડ્યા પછી ત્રીજી વાર હાથ ધોઈ નાંખતા હોય એવી એક્શન કરવાની છે. જેથી સૌને યાદ આવે કે સરકારે પણ આ જ રીતે ઓક્સિજન અને બીજી સમસ્યાઓથી હાથ ધોઈ નાંખ્યા હતા.
***
ખાડા કૂદિયું
આને કોરોના સાથે કંઈ લેવાદેવા નથી પણ રોડના ખાડાઓ સાથે છે ! આમાં તમારે એ રીતે કુદતા રહેવાનું છે કે જાણે સડક ઉપર ચાલતી વખતે તમે વારંવાર ખાડાઓ ઉપરથી કૂદી રહ્યા હો ! (ટ્રાય કરજો, મઝા આવશે.)
***
છાંટા-ઉડાડિયું
વરસાદ ભલે ગયો પણ ખાબોચિયાં હજી ગયાં નથી. સામેથી વાહન આવે ત્યારે જે છાંટા ઊડે તેનાથી બચવા માટે કેવા ઠેકડા મારવા પડે છે ? બસ, એ જ રીતે આ નવાં સ્ટેપ કરવાનાં છે !
***
ચિકન-ગુનિયું
કોરોના ગયો પણ ચિકન-ગુનિયા હજી અહીં જ છે. આ સ્ટેપમાં આખા શરીરના સાંધા જકડાઈ ગયા હોય અને તમે વાંકા વળ્યા પછી સીધા જ ન થઈ શકતા હો એવી દુઃખદ રીતે સ્ટેપ્સ કરવાનાં છે.
***
ભાજપિયું
આમાં તમે ખભે ખેસ પહેરી, હાથમાં ઝંડા લઈને, મોટાં બેનર ફરકાવીને ચાહો એટલી ભીડ કરીને નાચી કૂદી શકો છો ! અરે ગરબા સાથે સરઘસ પણ કાઢી શકો છો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment