લો બોલો, અમદાવાદમાં એક દુકાને 50 હજાર રૂપિયે કિલોના ભાવની મીઠાઈ મળે છે !
જોકે અમદાવાદમાં પેટ્રોલ 100 રૂપિયે લિટર થઈ ગયું ત્યારે લોકોએ કકળાટ કરી મુકેલો ! હવે ૫૦ હજાર રૂપિયે કિલોની મીઠાઈ આવી છે તો કહે છે કે ‘વટ છે ને અમદાવાદનો !’
પરંતુ હવે ઘણું બધું બદલાઈ જવાનું છે…
***
જો આમ જ ચાલ્યું તો અંડરવર્લ્ડમાં ‘કોડવર્ડ’ બદલાઈ જશે. એ લોકો ‘એક પેટી’ના બદલે ‘મીઠાઈનાં બે બોક્સ’ કહેતા થઈ જશે !
***
સરકારી ઓફિસોમાં પણ આ ‘કોડવર્ડ’ ચાલુ થઈ જશે. ‘જુઓ, તમારું કામ પતાવવું હોય તો સાહેબને મીઠાઈનાં ચાર બોક્સ આપવાં પડશે !’
***
હપ્તા ઉઘરાવનારા પોલીસવાળા પણ કહેવા માંડશે ‘ભઈ, આખું બોક્સ કંઈ અમારે નથી ખાવાનું, આમાંથી છેક ઉપર સુધી મીઠાઈ પહોંચાડવાની હોય છે !’
***
ઉપરવાળા સાહેબો પણ આ જ રીતે ‘ટાર્ગેટ’ આપશે. ‘આ વખતે 1500 મીઠાઈનાં બોક્સ ભેગાં થવાં જોઈએ. સમજ્યા ? અને વચમાંથી કોઈએ પોતાની મીઠાઈ કાઢી લેવાની નથી.’
***
અંડરવર્લ્ડવાળા ફોનમાં ધમકીઓ પણ આવી રીતે આપશે. ‘ચૌબીસ ઘંટે મેં મીઠાઈ કા 50 બોક્સ નહીં ભિજવાયા તો તેરા હેપ્પી ન્યુ યર કર ડાલેંગે, સમજા ?’
***
જોકે અમદાવાદના આ મીઠાઈવાળાને અમદાવાદીઓનો સ્વભાવ જરૂર નડી જશે.
‘દસ કિલો મીઠાઈનો ઓર્ડર આપવાનો છે, જરા નમૂનો ચખાડો ને ?’ એમ કહીને અમદાવાદીઓ મીઠાઈ ચાખી લીધા પછી, એનો વિડીયો ઉતારી લીધા પછી, સેલ્ફીઓ લઈ લીધા પછી, અપ-લોડ કરીને વટ મારી લીધા પછી… ઓર્ડર આપશે જ નહીં !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment