ગુજરાતી ઓડિયો કેસેટોનો એ ગોલ્ડન પિરિયડ !

થોડા જ દિવસો પછી નવરાત્રિ શરૂ થશે અને લગભગ દરેક સોસાયટીમાં ‘હાલોઓઓ…. પેલા બામ્બુ બિટ્સના ગરબા રમવા જઇએ’ વાળા ગરબાની પેનડ્રાઈવ વાગતી હશે !

જરા વિચાર કરો, લગભગ 1992માં રિલિઝ થયેલું આ નોન-સ્ટોપ ગરબાનું આલ્મબ આજે ત્રીસેક વરસ પછી પણ ગરબા રમવા માટે સૌની પહેલી પસંદ છે ! એ જમાનામાં એની ઓડિયો કેસેટો લાખોની સંખ્યામાં વેચાઈ હતી.

એ ગોલ્ડન પિરિયડને યાદ કરતાં સૌથી પહેલાં તો આપણે માતાજીનો પાડ માનવો જોઈએ કે શેરીએ શેરીએ જે 'પાડા' અને 'ગધેડા' જેવા અવાજમાં પોતાનું મોં માઈકમાં ખોસીને નવરાત્રિને નવે નવ રાત બેસૂરા ઘોંઘાટનું મહા-પ્રદૂષણ ફેલાવતા હતા તેમનાથી બિચારી આમ જનતાને છૂટકારો મળી ગયો ! હાશ !! કેમકે આવી બે ચાર નોન-સ્ટોપ ગરબાની કેસેટો લાવીને પેલા ટુ-ઈન-વન કેસેટ પ્લેયરને માઈક સામે ધરી દઈએ એટલે હે...યને પુરા એક કલાક લગી સરસ મઝાના સૂરીલા ગરબા રમવા મળતા થયા !

એ ગોલ્ડન પિરિયડમાં ગુજરાતમાં જેટલી પણ માતાજીઓ હતી તે પણ સૌ ઓડિયો કેસેટોના ઉત્પાદન કરનારાઓ ઉપર મહેરબાન હતી. કેમકે દરેકે દરેક માતાજીની આરતીઓ, થાળ અને ભજનોની કેસેટો ભારે સંખ્યામાં વેચાતી થઈ ગઈ હતી. એમાં વળી એક નવો પ્રકાર, જે શહેરી ગુજરાતીઓ માટે સાવ અજાણ્યો હતો તે માતાજીની ‘રેગડી’ની કેસેટો !

આ ‘રેગડી’ એટલે ગદ્ય અને પદ્યનું મિશ્રણ હોય એ રીતે એમાં માતાજીની કથા કહેવાતી જાય અને સાથે સાથે એનાં ગુણગાન પણ ગવાતાં જાય. અરે, તમે માનશો નહીં, પરંતુ એ સમયે આવું બધું સાંભળવાની એવી ભૂખ જાગી હતી કે સ્મશાનમાં વાગતાં ભૂવાનાં ડાકલાં સાથે પણ અમુક આલ્બમો બહાર પડતાં હતાં. (રેગડીમાં પણ વાદ્ય તરીકે ડાકલાં હતાં.)

આમ તો ઇતિહાસકારો કહે છે કે ભારતનો 14મી સદીમાં ‘ભક્તિયુગ’ હતો. પરંતુ નવા ઇતિહાસકારો જો ગુજરાતી ઓડિયો કેસેટની તવારીખ તપાસે તો 1983ની આસપાસ શરૂ થયેલો આ ગોલ્ડન પિરિયડ પણ મારા સાહેબો, ભક્તિયુગથી જરાય કમ નહોતો !!

આની અગાઉના દશકામાં ગુજરાતી ફિલ્મોમાં લગભગ તમામ જાણીતી સતીકથાઓ, લોકકથાઓ અને શૂરવીરકથાઓ આવી ચૂકી હતી. ત્યાર બાદના આ દશકામાં તો એનાથી દસ ગણું મટિરિયલ ઓડિયો કેસેટોમાં આવવા માંડ્યું ! જો આપને યાદ હોય તો પૂજ્ય મોરારિબાપુની કથા પણ આખેઆખી ડઝનબંધ કેસેટોના ‘સેટ’ રૂપે મળતી હતી !

શરૂઆતમાં તો ગુજરાતનો ઓડિયો કેસેટ ઉદ્યોગ હિન્દી ફિલ્મોની કેસેટોની પાયરસીથી જ ચાલુ થયો હતો. ત્રણ મિનિટમાં 53 કોપી મારી આપતાં સવા સવા લાખ રૂપિયાનાં મશીનો વસાવીને અમુક લોકો ભલભલાં નવાં આલ્બમોની અદ્દલો અદ્દલ કોપી (તેનાં રંગીન ફોટાવાળા કવર સાથે) બજારમાં મુકી દેતા હતા. પરંતુ સમય જતાં ટેકનોલોજી બદલાતાં રેકોર્ડિંગના ખર્ચા ઘટતા ગયા. તેમ તેમ આ ઉદ્યોગ લગભગ ‘લઘુ ઉદ્યોગ’ જેવો બની ગયો હતો.

અગાઉ જ્યાં એકાદ કરોડ રૂપિયાનું 18 ટ્રેક મિક્સર વસાવવું પડતું હતું અને વીસ-પચીસ સાંજિદાઓ પાસે ‘લાઈવ’ રેકોર્ડિંગ કરાવવું પડતું તેના બદલે નાનકડા બે રૂમમાં સ્ટુડિયો ઊભો કરીને કામ ચાલી જતું હતું. સાજિંદાઓમાં તો ફક્ત ઢોલ તબલાં અને મંજીરા જ લાઇવ વગાડવા પડતાં, બાકીનાં વાદ્યો ઇલેક્ટ્રોનિક કી-બોર્ડથી વગાડી શકાતા હતાં. આમાંને આમાં અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા, વીસનગર અને હાલોલ જેવાં નાનાં શહેરોમાં ડઝનના હિસાબે રેકોર્ડીંગ સ્ટુડિયો ખુલી ગયા હતા.

ઉત્તર ગુજરાતમાં મણિયારો અને સનેડો (ભાઈ ભાઈ) છવાઈ રહ્યા હતા તો પંચમહાલ બાજુ ‘ટીમલી’નાં આલ્બમો હિટ થઈ રહ્યાં હતાં. (હાલમાં જે ‘બચપન કા પ્યાર....’ વાયરલ થયું છે તે ટીમલીનું જ વર્ઝન છે.) જો ગુજરાતની સંગીત નાટ્ય અકાદમીને ગુજરાતના લોકસંગીતમાં ખરેખર રિસર્ચ અને દસ્તાવેજીકરણનું કામ કરવું હોય તો આ ગોલ્ડન પિરિયડની માત્ર હજારેક કેસેટો ભેગી કરવાથી થઈ શકે છે !

આ અનોખા દૌરની ખાસ વાત એ હતી કે અગાઉ લોકસંગીતના નામે જ્યાં માત્ર સૌરાષ્ટ્રનું જ નામ બોલાતું હતું તે ચિત્ર બદલાઈ ગયું. મણિરાજ બારોટ નામના ગાયક, જેને જય વસાવડા જેવા લેખક સાચા દિલથી ગુજરાતી લોકસંગીતના ‘રોકસ્ટાર’ ગણાવે છે તેની આમાં મોટી ભૂમિકા રહી.

બીજી બાજુ, થોડા ચમત્કારો શહેરમાં પણ થયા હતા. યાદ કરો ગોવિંદાની ફિલ્મ ‘ગેમ્બલર’નાં બે ગીતો : ‘માધુરી દિક્ષીત મિલી રસ્તે મેં’ અને ‘મેરી મરજી...’ જી હા ! ગીતકાર વિનય દવે અને ગાયક દેવાંગ પટેલે ગુજરાતમાં ‘રેપ-મ્યુઝિક’નો દેશી અવતાર કરીને હિન્દી ફિલ્મો સુધી પહોંચાડ્યો હતો.

આજે ગીતા રબારી અને જિગ્નેશ કવિરાજનાં વિડિયો આલ્બમો કરોડોની આસપાસ વ્યુ મેળવે છે પણ શહેરી આલ્બમો હજી હિન્દી ફિલ્મનાં ગાયનો સામે ટકી રહેવા માટે ઝઝૂમી રહ્યાં છે.

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

  1. जाने कहां गये वो दिन?????

    ReplyDelete
    Replies
    1. બસ, આપણા દિલો દિમાગમાં હોય એ પુરતું છે ! 😊🙏

      Delete
  2. Please Keep written on computer to day's jamana to help next one or rwo generations .

    ReplyDelete
    Replies
    1. હા, એ વાત પણ સાચી છે કે આજના જમાનાની વાતો પણ લખાવી જોઈએ. જોકે, આજે જે લોકો યુવાન છે તે તો મોટા થઈને એમની યાદો લખશે જ ને ! Trust them, they will remember.

      Delete

Post a Comment