ગયા બુધવારે 60 પ્લસ થઈ ચૂકેલા સિનિયર સિટિઝનોના વિવિધ ‘મોડ’ (અવસ્થાઓ) વિશે લેખ લખ્યો હતો તે વાંચીને અમુક વડીલોએ ફોન – ઇમેઇલ કરીને મીઠડી કબૂલાતો કરી છે કે ભઈ, અમે પણ ક્યારેક એવા ‘મોડ’માં મૂડી જતા હોઈએ છીએ ! અન્ય વડીલોએ હજી બાકી રહી ગયેલી અવસ્થાની યાદ અપાવી છે…
રાજકીય પંડિતાવસ્થા
વડીલ ભલે શાંતિથી મોબાઈલમાં માથું ખોસીને બેઠા હોય, એમને આ અવસ્થામાં લાવવા માટે ફક્ત એટલું જ પૂછવાનું કે ‘અંકલ, શું લાગે છે, આ અફઘાનિસ્તાનનું ?’ બસ, તરત જ વડીલનું નોન-સ્ટોપ એનાલિસિસ ચાલુ થઈ જશે !
રશિયા, ચીન, પાકિસ્તાન, તાલિબાન, બાઇડન, પૂતિન, જિન પિંગ શી, ઇમરાનખાન અને ઇવન મોદીએ શું કરવું અને શું ના કરવું ત્યાં સુધીની એક્સ્પર્ટ એડવાઇઝો એ રીતે આપવા માંડશે કે જાણે પોતે ટીવી ન્યુઝ ચેનલમાં બેઠા છે અને સામે પેલા બધા નેતાઓ એમના તમામ કામધંધા પડતાં મુકીને એમને જ સાંભળી રહ્યા છે !
વિશ્વ વિવેચકાવસ્થા
અમુક વડીલો ચોવીસે કલાક આ વિવેચકની અવસ્થામાં જ હોય છે. પિત્ઝા ખાતી વખતે ફાસ્ટ-ફૂડની ટીકા કરશે. ટીવી જોતી વખતે સિરિયલોની ટીકા કરશે, મેચ જોતી વખતે સમગ્ર ક્રિકેટ જગતની ટીકા કરશે, રસ્તે ચાલતાં ખાડાની ટીકા કરશે, કારમાં બેઠા હશે તો પેટ્રોલ-ડિઝલના ભાવની ટીકા કરશે, ટીવીમાં ન્યુઝ જોતાં જોતાં તો ન્યુઝ વાંચવાવાળીના ઉચ્ચારોની ટીકા કરશે, અરે, ધોધમાર વરસાદ પડશે તો સરકારી તંત્રની ટીકા કરશે અને વરસાદ નહીં પડે તો પર્યાવરણની ટીકા કરશે !
એ તો ઠીક, રાતના મચ્છર કરડે એમાં પણ મ્યુનિસિપાલિટીનો વાંક કાઢશે અને સવારે ઉઠવામાં મોડું થઈ જાય (પોતાને નહીં, બીજાને) તો બગડી રહેલા સમાજની ટીકા કરી નાંખશે ! એમને આ દુનિયામાં કશું જ ગમતું નથી છતાં ક્યારેય કબૂલ નહીં કરે કે ટીકાઓ કરવાનું તો બહુ જ ગમે છે !
સ્થાયી વૈરાગ્યવસ્થા
એમને બદામ-કેસરવાળું દૂધ આપો તોય કહેશે. ‘આવું દૂધ પીને શું કરવાનું ?’ ફિલ્મ જોવા લઈ જાવ તો કહેશે ‘આવી ફિલ્મ જોઈને શું કરવાનું ?’ અચ્છા, કોઈ મંદિરની જાત્રાએ લઈ જાવ તોય પાછા આવીને કહેશે. ‘આવી જાત્રાઓ કરીને શું કરવાનું ?’ આવા વડીલો પરમેનેન્ટ વૈરાગ્યની અવસ્થામાં જીવતા હોય છે.
ખતરનાક વાત એ છે કે એમનો આ વૈરાગ્ય અત્યંત ચેપી હોય છે ! જો કોઈનાં લગ્નનાં રિસેપ્શનમાં તમે એમની પાસે જઈને બેઠા તો માત્ર પંદર મિનિટમાં તમારું દિમાગ બેસણાં જેવું કરી શકે છે ! સાવધાન !
લાઇફ @ સિકસ્ટી અવસ્થા
આવા વડીલોને 60ની ઉંમર પાર કર્યા પછી જ જાણે નવું શૂર ચડે છે ! મોબાઈલમાં લાઈફ બિગિન્સ એટ સિકસ્ટી ટાઈપના મેસેજો વાંચી વાંચીને એમને આ ‘મોટિવેશન’ મળ્યું હોય છે. આટલી ઉંમર સીધી લાઈનમાં જીવી લીધા પછી એ અચાનક ‘આડા’ ફાટે છે ! જાણે શું લાડવા લેવાના રહી ગયા હોય એમ રંગીન ટી-શર્ટો અને કાળા ગોગલ્સો પહેરીને ફરવા નીકળી પડે છે.
લાફિંગ ક્લબમાં જઈને નવું નવું અને ખોટું-ખોટું હસતાં શીખી આવે છે પછી સાવ સડેલી જોક્સો બધાને માથે ફટકારતા ફરે છે. અમુકને વળી ફીટનેસના ધખારા ઉપડે છે તે જિમ જોઇન કરે છે. બાકીના કંઈક ‘નવું શીખવાને’ બહાને તબલાં, ઢોલક, હાર્મોનિયમ લઇને રાગડા તાણતાં ફિલ્મી ગાયનો ગાવાને રવાડે ચડે છે.
આમાં સૌથી ડેન્જરસ એ ડોસાઓ છે જે ફેસબુકમાંથી શોધી શોધીને એમની જુની સ્કુલની છોકરીઓ સાથે ‘ફ્રેન્ડશીપ’ કરવા માંડ્યા છે !
મોઘમ જ્ઞાની અવસ્થા
આ વડીલો શ્રેષ્ઠ છે ! એ લોકો સતત મંદ મંદ સ્મિત ફરકાવતા રહે છે ! કશુંય ખાસ બોલ્યા વિના પોતે મહાજ્ઞાની છે એવો દેખાવ કરતા રહે છે.
ખાસ કરીને યુવાનો એમનાથી બહુ ઇમ્પ્રેસ થઈ જાય છે, બાકી એમની ઉંમરવાળા તો જાણતા જ હોય છે કે -
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
ભૈ,૬૦મોં ચેટલા બાકી ષ????
ReplyDeleteછાસઠ જ થયાં છે. શાંતિ રાખો ને ભૈશાબ !
ReplyDeleteજુની સ્કૂલની છોકરીઓ(એટલે આજની ડોસીઓ) સાથે ફ્રેન્ડશીપ કરવા માંડ્યા છે. ક્લાસની એ વખતની દરેક છોકરીઓના નામ યાદ હોય છે. ઈવન એ કયી પાટલી પર બેસતી'તી એ'ય યાદ હોય છે.
ReplyDelete