નવા ખાડા, નવી કહેવત !

નવા વરસાદમાં નવા ખાડા પડવાથી જુના ખાડામાં ઉમેરો થયો છે. એમાં વળી મંત્રીજીએ સ્કીમ કાઢી છે કે ખાડાના ફોટા વોટ્સએપમાં મુકો ! આમાં ને આમાં નવી કહેવતો બની રહી છે…

***

જુની કહેવત

ખાડો ખોદે તે પડે

નવી કહેવત

ખાડો ખોદે તે ય કોન્ટ્રાક્ટર અને ખાડો પુરે તે ય કોન્ટ્રાક્ટર !

***

જુની કહેવત

ઝાઝી કીડી સાપને તાણે

નવી કહેવત

ઝાઝા ખાડા બજેટને તાણે !

***

જુની કહેવત

એક નુર આદમી, ને હજાર નુર કપડાં

નવી કહેવત

એક ખાડો કદરૂપો, ને હજાર ફોટા વોટ્સએપમાં !

***

જુની કહેવત

નાગાની પૂંઠે બાવળ ઊગ્યો, તો કહે છાંયડો થયો

નવી કહેવત

રોડની વચ્ચે ખાડો પડ્યો, તો કહે હું ફેમસ થયો !

***

જુની કહેવત

ધૂળ ઉપર લીંપણ

નવી કહેવત

ખાડા ઉપર વોટ્સએપ !

***

જુની કહેવત

દોડવું હતું ને ઢાળ મળ્યો

નવી કહેવત

વટ મારવો હતો ને વોટ્સએપ મળ્યું ! (મંત્રીજીને)

***

જુની કહેવત

રાઈના ભાવ રાતે ગયા

નવી કહેવત

ખાડાના ફોટા, છો ખાડામાં ગયા !

***

જુની કહેવત

નાચવું નહીં ને આંગણું વાંકુ

નવી કહેવત

ખાડા પુરવા નહીં, ને ‘ગુલાબ’નો વાંક !

***

જુની કહેવત

ચાર દિન કી ચાંદની, ફિર અંધેરી રાત

નવી કહેવત

બે દહાડા રોડાં-કપચી, પછી ફરીથી ‘ડિસ્કો-માર્ગ’ !

***

- મન્નુ શેખચલ્લી

Comments