એક 'જાગરણ' માટે ત્રણ ત્રણ વિડિયો કેસેટો !

વિડીયો કેસેટોના એ જમાનામાં સાંભળવામાં આવતું કે આપણે ત્યાં બહુ મોટા પાયે વિડીયો ‘પાયરસી’ ચાલે છે. આ ‘ચાંચિયાગિરી’નો મતલબ તો મોડે મોડે સમજાયો કે ભઈ, ઓરીજીનલ ફિલ્મની કેસેટની ‘કોપીઓ’ મારીને બજારમાં ઘૂસાડવામાં આવે છે. એની ક્વોલિટી ઓરીજીનલ જેવી નથી હોતી !

હા ભઈ હા ! પણ તમને શું કહું ? અમે આજ સુધીની જિંદગીમાં ઓરીજીનલ કેસેટની ક્વોલિટી કેવી હોય એ કદી જોઈ જ નથી !

એક તો પરદા ઉપર જે દૃશ્ય હોય એમાં દરેકે દરેક હીરો, હીરોઈન, વિલન, પિસ્તોલ, કબાટ, મહેલ, થાંભલા… તમામ ચીજોની આજુબાજુ કોઈએ જાડી બોલપેન વડે ઘાટ્ટી લાઈનો ચીતરી મુકી હોય એવું દેખાય !

ઉપરથી કોઈ દૃશ્ય ટીવીના પરદે સખણું ટકીને ઊભું તો હોય જ નહીં ! કાં તો ડાબી બાજુથી ખેંચાયેલું હોય ક્યાં તો જમણી બાજુથી ! ઘડીક મુમતાઝની ટાંગો જિતેન્દ્ર બાજુ ખેંચાતી હોય તો ઘડીકમાં મિથુન ચક્રવર્તીની ગરદન ઓટોમેટિક રીતે નીલમના ગાલને કીસ કરવા માટે લંબાયા કરતી હોય એવી દેખાય !

છેવટે કશું ના હોય તો ક્લોઝ-અપમાં અમિતાભ બચ્ચનના કપાળના વાળ પવનથી ડાબી બાજુ ખેંચાતા હોય તો પણ, એના માથાના વાળનો આખો જથ્થો જમણી બાજુ કોઈ અદૃશ્ય લોહચૂંબકથી ખેંચાયા કરતો હોય !

સાઉન્ડની ક્વોલિટી પણ એટલી જ હોરિબલ ! જ્યારે ફિલ્મમાં કોઇ જ અવાજ ના હોય ત્યારે જાણે કોઈ ઊંડા પીપડામાં બેસીને મોટેથી નસકોરાં બોલાવતું હોય એવો અવાજ સતત આવ્યા કરે ! અને જ્યારે સંવાદો બોલાતા હોય તો દૂબઈમાં બેઠેલો કોઈ ડોન એમની પીઠ પાછળ કોઈ બટન વડે બ્રેક મારતો હોય એમ વચ્ચે વચ્ચે અવાજ ખેંચાયા કરે !

સાલું, આજે વિચાર કરતાં ખરેખર નવાઈ લાગે છે કે આ ફિલ્મોની ઘેલછામાં અમે કેવું કેવું સહન કરી લેતાં હતા ?

મિડલ ક્લાસનાં ઘરોમાં કોઈને ત્યાં વિડીયો કેસેટ પ્લેયર તો વસાવેલું હોય જ નહીં, પણ જ્યારે શ્રાવણ મહિનામાં કોઈ તહેવારે બહેનોનું ‘જાગરણ’ આવે ત્યારે અડોશ પડોશનાં ત્રણ-ચાર ફેમિલી ભેગાં થઈને આખી રાત માટે ભાડેથી ત્રણ કેસેટો વત્તા એક પ્લેયર મંગાવે ! ‘બોસ, પિક્ચરો સારાં આપજો હોં !’ એવું કહીને ‘સિલેક્શન’ કરવા માટે ઉત્સાહી ટીન-એજરો એની દુકાને સાંજના છ વાગ્યાથી પહોંચી ગયા હોય.

આમ જોવા જાવ તો જાગરણનો ‘શો’ તો લગભગ નવ સાડા નવે શરૂ થાય પણ ઘરનાં બૈરાં રસોઈનાં વાસણો ઘસીને ઢાંકોઢુબો કરીને નવરાં થાય ત્યાં લગી પેલા દુકાનવાળાએ ‘ફ્રી’માં આપેલી ગાયનોની કેસેટ મુકવાની હોય ! (જાણે થિયેટરમાં મેઇન ફિલ્મ શરૂ થતાં પહેલાં માહિતી ખાતાનાં ન્યુઝ રીલ અને વોશિંગ પાવડર ટુથપેસ્ટ વગેરેની જાહેરખબરો ચાલી રહી હોય.)

‘જાગરણ’માં પહેલી ફિલ્મ ‘સારી’ યાને કે સામાજિક હોય. જેમાં રાજેશખન્ના, જિતેન્દ્ર, અમિતાભ બચ્ચન, હેમામાલિની વગેરે હોય. એની ક્વોલીટી પણ મજબૂરીથી ‘સારી’ કહેવી પડે એવી હોય. એમાં વળી જો ક્યાંક લાંબો ફ્લેશ-બેક આવી જાય તો વારંવાર ફિલ્મો જોવા માટે ના ટેવાયેલાં બૈરાઓને ‘સમજાવવા’ માટે એકાદ ભાઈ સાહેબ મોટેથી બોલે ‘આ બધું એને યાદ આઈ રહ્યું છે, હોં !’

પહેલી ફિલ્મ પતે ત્યાં સુધીમાં તો બાર વાગી જ ગયા હોય. ઉંમરવાળી સ્ત્રીઓ તો કંટાળીને છેવટે બગાસાં ખાતાં ઘરે જવાના મૂડમાં હોય અને જે જુવાનડીઓ માટે ખાસ જાગરણ થઈ રહ્યું હોય એમની આંખોમાં ભારોભાર ઊંઘ ચડી ચૂકી હોય. આવા વખતે ‘બીજી’ ફિલ્મ મોટે ભાગે મિથુનની હોય !

એમાં થોડી મારામારી હોય, એકાદ ડિસ્કો ટાઈપનું ચીપ ગાયન હોય અને ઘણો ‘મસાલો’ હોય. આવા વખતે ફિલમને ઝટપટ ‘પતાવવા’ માટે ફાલતુ ગાયનોને ‘ફાસ્ટ ફોરવર્ડ’ કરી દેવામાં આવે. (તમને યાદ હોય તો આવી કેસેટોમાં ગાયનો આવે ત્યારે જ તે ચોંટી જતી ! અથવા પરદા ઉપર ઉત્તરાયણ માટે માંજાની દોરીઓ ખેંચી ખેંચીને બાંધી હોય એવી લીટીઓ દેખાયા કરતી હોય !)

અમારા દક્ષિણ ગુજરાતના નાનકડા ગામનાં આખું ઉનાળુ વેકેશન આવું ‘ફિલ્મ ફેસ્ટિવલ’ બની જતું હતું ! આખા ફળિયામાં અમારા જ ઘરમાં ઓટલા ઉપર લાદીઓ જડેલી હતી અને ‘કલર ટીવી’ પણ અમારા જ ઘરમાં હતું એટલે જુવાનિયાઓ લગભગ રોજ રાત્રે નજીકના ટાઉનમાંથી કેસેટે લઈ આવે અને આખું ફળિયું પિક્ચર જોવા માટે ભેગું થતું.

ગામમાં તો લોકો રાત્રે વહેલા ઊંઘી જાય એટલે કેસેટ પ્લેયરની બિલકુલ નજીક બે ચાર એવા બાળકો બેસી રહેતા જે ફિલ્મ જોતાં જોતાં ભલે ઊંઘી ગયાં હોય, પણ ગાયન આવતાંની સાથે જ ઝબકીને જાગે અને ફાસ્ટ ફોરવર્ડનું બટન દબાવી દેતાં !

પેલા ‘જાગરણ’ની વાત ઉપર પાછા આવીએ, તો સાહેબ, બે પિક્ચરો પત્યા પછી મહિલાઓ તો ઊંઘી જ ગઈ હોય ને ! એટલે ત્રીજા શોમાં અચૂક ‘ઇંગ્લીશ પિક્ચર’ રહેતું ! અવાજ ધીમો રાખીને, ટીવીની નજીક બેસીને જુવાનિયાઓ અને પોતાને હજી જુવાન માનતા વડીલો, કશીયે સમજ ના પડતી હોય છતાં પેલાં ગલગલિયાં કરાવે તેવાં દૃશ્યોની રાહ જોતાં સવારે ચારેક વાગે ‘છેલ્લો શો’ પુરો કરતા !

આવો હતો વિડિયો કેસેટોનો એ જમાનો !

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

  1. I experienced... Thrilling and full of excitement and enjoyment.

    ReplyDelete

Post a Comment