વર્લ્ડ-કપમાં કહેવા પુરતી તો ‘સુપર-12’ ટીમો છે પણ એમાં અમુક ટીમોને કયા હિસાબે ‘સુપર’ કહી શકાય તે સમજાતું નથી !
અહીં વર્લ્ડ-કપને બદલે સાથે સાથે વર્લ્ડ-રકાબીઓ પણ વહેંચવી પડશે !
***
શ્રીલંકા
એક જમાનામાં જેઓ મોટો ‘કપ’ લઈને વટથી ફરતા હતા એમની પાસે આજે રકાબી તો શું ચા ગાળવા માટેની ગળણીનાં ય ફાંફાં છે !
***
પાકિસ્તાન
એમના માટે એક કપ લાવી આપનાર આજે વડાપ્રધાન બનીને શાંતિથી બેસી ગયા છે. ટીમની હાલત એવી છે કે ચાની લારી ઉપર ઉધારી વધી ગઈ છે એટલે એમને કોઈ બે ગ્લાસ પાણી યે આપવા તૈયાર નથી !
***
અફઘાનિસ્તાન
એમની ટીમના લોકોને IPLમાં જુદા જુદા કપ રકાબી વગેરે વીછળવાનો અનુભવ છે એટલે છેવટે રકાબીમાં રેડીને ચાના સબડકા તો મારી જ લેશે !
***
બાંગ્લાદેશ
આ લોકો બહુ શાતિર છે. શરણાર્થીની જેમ કિટલી ઉપર આવીને વાસણ માંજવાની નોકરી માગે છે અને પછી મફતની ચા પીતાં પીતાં ખાંડ ચોરી જાય છે.
***
સ્કોટલેન્ડ, નામિબિયા
આ લોકો હજી દૂધ-પૌંવા જ છે. એમની મમ્મી કહે છે તમે હજી બહુ નાના છો. ચા ના પીવાય ! કપ-રકાબી ખખડે છે એનો અવાજ સાંભળીને આનંદ લો !
***
ભારત
કપ ભલે એક જ વાર લીધો હોય પણ કીટલીઓની આખી ચેઈન ચલાવવાનો અનુભવ છે. એટલું જ નહીં, ખાંડનાં કારખાનાં, ચાના બગીચા અને ગરમ મસાલાની ફેકટરીઓ પણ ખિસ્સામાં લઈને ફરે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment