અમુક વાર આપણે પોતે શું બોલતા હોઈએ છીએ એની આપણને પોતાને જ ખબર નથી હોતી ! જુઓ..
***
તમે આગળ જશો ને, તો ત્યાં એક ગોળ ટ્રાફિક સર્કલ આવશે….
- અરે ભાઈ, ટ્રાફિક ‘સર્કલ’માં તો ‘ગોળ’ આવી જ ગયું. હજી કેટલું ગોળ ગોળ ફેરવશો ?
***
તમે વળતાં રિટર્નમાં આવો ત્યારે મને લેતા જજો.
- લો બોલો. કાં તો વળતાં કહો, કાં તો રિટર્નમાં કહો, આ ‘વળતાં રિટર્ન’માં તો કેટલાં ‘વળ’ ચડી જાય?
***
હું જો ભૂલતો ના હોઉં તો એ ઓગણીસો ને પાંસઠની સાલ હતી.
- અને વડીલ, તમે ‘ભૂલતા હો’ તો એ કઈ સાલ હતી ? એ પણ કહી દો ને !
***
નવ્વાણું ટકા તો તમારું કામ સો ટકા પતી જશે !
- અચ્છા ? અને જો એક ટકો ના પત્યું તો બાકીનું નવ્વાણું ટકા કામ પતી જશે ? કંઈ સમજાય એવું બોલો યાર !
***
મોટે ભાગે એ પિક્ચરમાં શંકર જયકિશનનું મ્યુઝિક હતું.
- જો ‘મોટે ભાગે’ શંકર જયકિશનનું મ્યુઝિક હતું તો ‘નાના ભાગે’ કોનું હતું ? આરડી બર્મનનું ?
***
ઉત્તરાંચલમાં તો શું સોલ્લીડ વરસાદ પડ્યો, નહીં ?
- એ ટોપા ! વરસાદ હંમેશા ‘લિક્વીડ’ જ હોય, ક્યારેય ‘સોલીડ’ ના હોય !
***
એ માણસ હંમેશાં ખોટાં ખોટાં બહાનાં કાઢે છે !
- અંકલ, બહાનાં હંમેશાં ખોટાં જ હોય ! કદી તમે ‘સાચું’ બહાનું સાંભળ્યું છે ?
***
પહેલાં ચાર રસ્તા આવશે, પછી ટાવર આવશે, પછી બસ-સ્ટોપ આવશે અને પછી પાનનો ગલ્લો આવશે.
- ઓ હલો ! આમાંનું કશું ‘જાતે’ નહીં આવે ! તમારે જ ત્યાં ‘જવું’ પડશે !
***
અને હા, જો મારી ‘મિસ્ટેકમાં ભૂલ’ થઈ ગઈ હોય તો તમે ‘સુધારીને કરેક્ટ’ કરી દેજો. ઓકે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment