'પપ્પુ નાપાસ'ની કોઈ કહાણી ના હોય !

જગતનો બહુ કડવો નિયમ છે કે માત્ર સફળ લોકોની નિષ્ફળતાઓની મોટી કહાણીઓ બને છે ! બિચારા નિષ્ફળ લોકોની નિષ્ફળતાને કોઈ સુંઘતું પણ નથી. પપ્પુ પાસ થાય તો જ એની જિંગલ બને છે, નાપાસ થાય તો એનું એક હાઈકુ પણ બનતું નથી.

અમિતાભ બચ્ચનની કહાણી તમે સાંભળી જ હશે કે જ્યારે એ પૈસે ટકે બરબાદ થઈ ગયા ત્યારે તે પોતાની પડોશના બંગલામાં રહેતા યશ ચોપરા પાસે રોલ માગવા ગયા હતા… હા ભઈ હા ! પણ અહીં અમારા પડોશમાં તો બંગલાઓ જ નથી ! એનું શું? અને જે છે એ ખખડી ગયેલાં ટેનામેન્ટો છે.  એમાં કોઈ યશ ચોપરા નથી રહેતા. અહીં પડોશમાં જયેશભાઈ મિસ્ત્રી અને અંબાલાલ ઝિંઝુવાડિયા જ રહે છે. તો યાર, અમારે ક્યાં જવાનું ?

પેલો આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પકડાય તો શાહરૂખ ખાનને દિલાસો આપવા માટે સલમાન ખાન બબ્બેવાર એના ઘરે આવે છે. અહીં આપણો બાબો જો જન્માષ્ટમીમાં પતાં રમતાં પકડાય તો પોલીસ સ્ટેશને કોણ આવવાનું છે ? કમાલ ખાન પણ નહીં આવે !

સંજયદત્તની ડ્રગ્સની આદત છોડાવવા માટે એના પપ્પા-મમ્મીએ કેટલી મહેનત કરી હતી એની ઉપર તો આખી ફિલ્મ બની જાય છે પરંતુ અહીં આપણા બાબાને એક્ઝામ વખતે જ મોબાઇલમાં ચોંટી રહેવાની આદતને કારણે એ ફક્ત પંચાવન ટકાએ માંડ માંડ પાસ થાય છે એની ફિલ્મ કયો ભોજિયોભાઈ બનાવશે ?

ટુંકમાં, ફલાણાએ બહુ સંઘર્ષ કર્યો… સખત મહેનત કરી… વારંવાર નિષ્ફળ થવા છતાં તેણે હિંમત ના હારી… અને છેવટે આજે જુઓ, એ કેટલો મહાન બની ગયો છે… એવી વારતાઓ ફક્ત ‘આજે કેટલા મહાન છે’ એવા લોકોની જ હોય છે. ‘આજે પણ એ લલ્લુ જ્યાં ને ત્યાં ઠેબાં ખાતો ફરે છે’ એવી તો કોઈ વારતા હોતી જ નથી !

આજે જમાનો મોબાઈલનો છે. તો શું તમે કદી એવી વારતા સાંભળી કે…

‘એણે શરૂઆત તો માત્ર એક જ ફ્રેન્ડ અને એક જ ફોલોઅરથી કરી હતી. છતાં તે હિંમત હાર્યો નહીં. આજે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં છેલ્લા સાત વરસથી તે ઝઝૂમી રહ્યો છે. મહિનાની 160 અને વરસની 1800થી વધુ પોસ્ટ મુકતાં મુકતાં તેનો ઓલટાઇમ સ્કોર 1,60,000થી વધારે થઈ ગયો છે. તેણે હજી આશા મુકી નથી. તે જરાય હતાશ થયો નથી.

માત્ર એક ફ્રેન્ડ અને એક ફોલોઅરમાંથી આજે તેની પાસે 198 ફ્રેન્ડ અને 199 ફોલોઅર્સ છે. તે 99031 લોકો દ્વારા બ્લોક કરવામાં આવ્યો છે છતાં તેનું ઇન્ફ્લુએન્સર બનવાનું સપનું હજી જીવતું છે ! તેણે પોતાની જાતને અપગ્રેડ કરવા માટે છેલ્લા આઠ મહિનાનો પગાર નવો આઈ-ફોન ખરીદવામાં હોમી દીધો છે.

તો પ્લીઝ, આવો, અને એની આ સંઘર્ષકથાને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો… કેમકે એના જેવા લલવાઓને લીધે જ બીજા લાખો લલવાઓ મોબાઈલ કંપનીઓનાં કરોડો-અબજો રૂપિયાનાં ડેટા-પેક રિ-ચાર્જ કરાવતાં રહે છે !’

સોરી, આવી કોઈ વારતા તમને વાંચવા કે સાંભળવા મળશે નહીં. (અમારી આ કોલમ સિવાય !) મૂળ શું છે, કે આપણે સફળતાને ખોટી ચગાવી મારી છે. અલ્યા ભઈ, ત્રણ ટ્રાયલે GPSCની એક્ઝામ પાસ કર્યા પછી જો તલાટીની નોકરી લાગી જાય તો એ શું ‘સફળતા’ ના કહેવાય ? બી.કોમ. થઈ ગયા પછી પંદર ઠેકાણે ઇન્ટરવ્યુ આપવા છતાં ક્યાંય નોકરું ના મળે એ પછી જેણે પોતાનો નાનકડો પાનનો ગલ્લો ચાલુ કરી દીધો હોય એને ‘સફળતા’ ના કહેવાય ?

આજની ‘સફળતા’ની વ્યાખ્યા મુજબ તો દેશના 90 ટકા લોકો બિચારા નિષ્ફળ જ છે ! ઉપરથી જે સફળ છે એની ‘નિષ્ફળતા’ને ગ્લોરીફાય કરીને બિચારા નિષ્ફળ લોકો આગળ સતત સંઘર્ષનું ગાજર લટકાડવામાં આવે છે ! પેલા મોટિવેશન સ્પીકરો આપણને એમ કેમ નથી કહેતા કે ભઈ, શું તમે ઓર્ડિનરી છો ? તો ચિંતા ના કરો, દુનિયાના નેવું ટકા લોકો ઓર્ડિનરી જ છે !

તમે જસ્ટ વિચાર કરો, આ વરસે કોરોનાને કારણે સ્કુલ કોલેજોમાં કોઈ ‘નાપાસ’ જ ના થયું ! એમાં કંઈ કેટલા લાખ બાળકો/યુવાનો બાપાનો માર અને સમાજના ટોણાંમાંથી બચી ગયા ?

અરે, કંઈ કેટલા સ્ટુડન્ટોએ આત્મહત્યા ના કરી ! ના ના, આ આપણા સમાજની સફળતા ના કહેવાય ?

વિચારી જોજો.

***

- મન્નુ શેખચલ્લી

Email : mannu41955@gmail.com

Comments