આજના વડીલો કેવાં ગપ્પાં મારે છે કે ‘અમે તો લાઇટના થાંભલા નીચે બેસીને ભણતા… અને દોઢ રૂપિયામાં પિક્ચરની ટિકીટ આવતી…’ વગેરે !
એ જ રીતે આવનારા જમાનાના વડીલો આજના જમાના વિશે કેવાં કેવા ગપ્પાં મારશે ? લખી રાખો…
***
‘અમારા જમાનામાં તો પંચાવન રૂપિયે લિટર પેટ્રોલ મળતું અને હું તો એક લિટર પેટ્રોલમાં છેક ગાંધીનગર જઈને પાછો આવતો હતો…’
(આ તો ઓર્ડિનરી ગપ્પું છે, પણ સુપર-ગપ્પાં કેવાં હશે?)
***
‘જ્યારે 100 રૂપિયે લિટર પેટ્રોલ થઈ ગયેલું ત્યારે અમે કાર લઈને આબુ ગયેલા. ઉપર પહોંચતાં સુધીમાં તો પેટ્રોલ ખલાસ ! પછી નીચે આવતી વખતે મેં જ આખા રસ્તે ધક્કા મારેલાં !’
***
‘અમદાવાદમાં એ વખતે જેટલા બદામ-પિસ્તા વેચાતા હતાં એ બધાં હું જ અફઘાનિસ્તાથી લઈને આવતો હતો. એ વખતે 100 કિલો બદામ-પિસ્તાની ખરીદી ઉપર 500 ગ્રામ ડ્રગ્સની ઓફર ચાલતી હતી, પણ મેં ના પાડેલી !’
***
‘આર્યન ખાન જે ક્રુઝમાં ડ્રગ્સ-કેસમાં પકડાયો એ ક્રુઝમાં હું પણ હતો ! સાલાઓએ હજી સુધી મારી ટિકીટના પૈસા પાછા નથી આપ્યા… બોલો.’
***
‘બદરીનાથમાં તો મારી છત્રીની ઉપર જ વાદળ ફાટેલું ! તે વખતે મારી પાસે સોય-દોરો નહોતો, બાકી…’
***
‘કોરોના તો મને પણ થયેલો, પણ મેં તો નાકમાં લીંબુનાં ટીપાં નાંખીને જ મટાડી દીધેલો !’
***
‘કોરોનાની શરૂઆત થઈ ત્યારે હું વૂહાનમાં જ હતો. મારી નજર સામે બે ડઝન ચામાચિડીયાં તરફડી તરફડીને મરી ગયાં ! એ જ વખતે મેં કીધેલું, આમાં હવે મોટું થશે, જલ્દી ચાઈના છોડીને નીકળો…’
***
‘બિલ ગેટ્સને મેં સલાહ આપેલી કે બૈરી જોડે ના ફાવતું હોય તો છૂટાછેડા લઈ લે, ફાયદામાં રહીશ…’
***
‘અને સલમાન ખાનને મેં તો ઘણું કીધેલું કે હવે પરણી જા ! પણ એ ના માન્યો, સરવાળે એ ફાયદામાં રહ્યો…’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment