નવા ખાડા, નવા ગરબા !

એક બાજુ ધોધમાર વરસાદ પડ્યો એમાં બધા રોડ જ ધોવાઈ ગયા છે. બીજી બાજુ જે રોડ બચ્યા છે એમાં ખાડે ખાડા પડ્યા છે. અને ત્રીજી બાજુ નવરાત્રિ આવી રહી છે !

આમાં  આપણે કેવા ગરબાઓની પ્રેક્ટિસ કરવાની ? થોડા નમૂના વાંચીને ગાઈ જુઓ…

***

વાદલડી વરસી રે

સડક પર ખાડા પડ્યા !

સડક પર મ્હાલવું શું ?

સ્કુટર મારે ઠેકડા રે !

***

મારા રોડ કેરા ફોટા રે

વીરો મારો લેવા હાલ્યો...

વીરા લઈને વ્હેલો સેન્ડ કરજે

મંત્રીજી એના બંગલે બેઠા !

***

શેરી વળાવી ને

ખાડા બતાવું, ઘેર આવો ને !

તમને ખાડે છબછબિયાં કરાવું

મંત્રીજી, ઘેર આવો ને !

***

ઘોર અંધારી રે રાતલડીમાં

લપસ્યાં સ્કુટી ચાર !

***

ઢીંકલાંગ ઢીંકલાંગ

વાગે છે ઢીંક માર

કમરના મણકા તૂટે બાર !

કે ખાડાએ માર્યા

ઢોર મારે… ! ઢોર મારે…!

ઢોર મારે... વારંવાર !

***

(‘હેલ્લારો’ના ગરબાની ધૂનમાં)

ઠેક્યાં મેં ખાડા ને

ઠેકી મેં પાળ,

ઠેક્યાં ખાબોચિયાં ને

ઠેકી છે નાળ,

ઠેકી ગટર ને

મેં ઠેક્યા ભૂવા,

ઠેક્યાં ફૂટપાથનાં

સૌએ દબાણ !

ઠેકી ઠેકીને હવે

થાકી છું છેક…

ત્યારે કહે છે હવે

ફોટાઓ મુક !!

હે જી રે તારા

વોટ્સએપમાં ફોટા મુક !!

***

(મહેંદી રંગ લાગ્યો રે)

ખાડા પડ્યા મારા ગામમાં,

ને એના ફોટા ગયા પરદેશ રે...

વોટ્‌સએપની સ્કીમો આવી !

ફોટા મુકીને વીરા

શું રે કરું… ?

એના પુરનારા છે બદમાશ !

વિકાસની સ્કીમો આવી !!

***

- મન્નુ શેખચલ્લી

Comments