એ જમાનાની 'અઘરી' ફિલ્મ ફેશનો !

વીતેલા જમાનાની હિરોઈનોની ફેશનની વાત કરીએ તો સૌથી પહેલાં નાનકડી લોટીથી લઈને મોટા માટલાં જેવડી સાઇઝનાં અંબોડા જ નજર સામે તરવરી ઊઠે ! એ જમાનામાં ભાગ્યે જ કોઈ હિરોઇન બચી હશે જેણે પોતાના માથામાં નકલી દટ્ટા ઘાલીને બેડાંની જેમ અંબોડા નહીં લીધાં હોય ! (એક નરગિસ જ કદાચ એમાં બચી ગઈ.)

આમ જોવા જાવ તો પુરુષોને મોટે ભાગે સ્ત્રીઓની ફેશનમાં ઝાઝી સમજ ના પડે, પરંતુ સ્ત્રીઓને પૂછો તો ડિટેલમાં કહેશે કે ‘ફલાણી ફિલ્મમાં ફલાણી હિરોઇનની ફલાણી સાડીની બોર્ડર એક મોટા શો-રૂમમાં મુકેલી એક મોંઘી સાડીની બોર્ડરને બિલકુલ મેચ થતી હતી !’

મહિલાઓ આટલી બધી ડિટેલમાં જાય એટલે એમને ખબર હોય કે નૂતન જે ત્રણ ફિલ્મોમાં વિધવા બને છે એ ત્રણેયમાં સફેડ સાડીઓમાં એક કોટનની હતી, એક જ્યોર્જેટની હતી અને એકની બોર્ડર સ્હેજ કાળી હતી !

બાકી, એમ તો શર્મિલા ટાગોરે ‘એન ઇવનિંગ ઇન પેરિસ’માં બિકીની પહેરેલી અને વૈજયંતિમાલાએ સંગમમાં પણ લાલ કલરની બિકીની પહેરી હતી પણ એમ કંઈ આપણે બિકીની પહેરીને પોળમાં તો ના નીકળી શકાય ને ? ટુંકમાં, કહેવાનો મતલબ એટલો જ કે ફિલ્મનું જોઈને ઘરમાં પહેરવાનું મન થાય એવી સૌથી વધુ હિટ ફેશન હોય તો કદાચ બોબીમાં ડિમ્પલે પહેરેલું પેલું ભૂરાં ભૂરાં ટપકાંવાળું ફ્રોક હતું. (અંગ્રેજીમાં એને ‘પોલ્કા ડોટ’ કહે છે.)

એ પછી માધુરી દિક્ષીતનું ‘દીદી તેરા દેવર દિવાના’વાળા ગાયનની ચણિયા-ચોળીની ડિઝાઈન પણ બહુ પોપ્યુલર થયેલી. એમ તો ‘હમ પે યે કિસને હરા રંગ ડાલા’ ગાયનમાં માધુરીએ જે 18 કિલો વજનવાળો ઘાઘરો પહેરેલો એની મિડિયામાં ચર્ચા ઘણી થઈ હતી પણ બહેન, એવું અધમણિયું વજન ઊંચકીને આપણી સોસાયટીમાં ગરબા કરવા જઈએ તો હાંફી જઈએ કે નહીં ?

એવું જ કંઈક ‘જ્વેલ થિફ’માં વૈજયંતિ માલાએ પહેરેલી લાલ સાડીનું હતું. (દિલ પુકારે આ રે… આરે..) એમાં તો રીતસરનાં ‘રૂ’નાં ગચિયાં ચોંટાડેલાં હતાં ! તમે જ કહો, એવી સાડી પહેરીને શું કરવાનું ? રૂ ઉખાડી ઉખાડીને એમાંથી દીવા માટે વાટ બનાવવાની ?

પુરુષો માટે પણ અમુક ફિલ્મસ્ટારોની ફેશન કોપી કરવી અઘરી હતી. દાખલા તરીકે રાજકુમારની એન્ટ્રી પડે ત્યારે કેમેરો એના સફેદ બૂટ અને સફેદ પેન્ટ બતાડે ! એ જોઈને થિયેટરમાં લોકો સીટીઓ વગાડતા ! હા ભઈ હા, પણ એવા વ્હાઈટ શૂઝ લાવવા ક્યાંથી ? એ વખતે મોટાભાગની દુકાનોમાં એવાં જૂતાં મળતાં જ નહોતા. અને ધારોકે ઘણા પૈસા આપીને ક્યાંકથી લઈ પણ આવીએ તો એને ‘મેન્ટેન’ કરવા માટેની વ્હાઇટ કલરની ‘બૂટ-પોલિશ’ ક્યાંથી લાવવાની ?

ગોવિંદા પણ આવી અઘરી અઘરી ફેશનો કરતો ! કોમેડી ગાયનો માટે એ પીળા કલરનું પેન્ટ પહેરે ! લીલા કલરની ફ્રેમવાળા ગોગલ્સ પહેરે ! જાંબુડી કલરનો સ્કાર્ફ ગળામાં બાંધે અને ચળકતા ગુલાબી કલરનાં જૂતાં પહેરીને નાચે ! તમે વિચારો, આવું બધું પહેરીને છોકરો કોલેજ જાય તો શું થાય ?

એવું જ અમિતાભ બચ્ચનની રંગીન બનિયાનોનું થતું હતું. ‘અમર અકબર એન્થની’માં એ સડકછાપ મવાલી હતો એટલે લાલ કલરનું, વ્હાઈટ પટ્ટીઓવાળું બનિયાન સૂટ થતું હતું. અરે, ‘કુલી’માં તો એણે બ્લેક કલરનું જાળીદાર બનિયાન પહેરેલું ! પણ યાર, આવું પહેરીને ઓફિસે થોડા જવાય ?

જોકે એ વખતે પીટ-ક્લાસના જુવાનિયાઓમાં આવાં બનિયાનોનો જબરો શોખ ચાલ્યો હતો. રંગીન બનિયાનની ઉપર બ્લૂ કલરનું શર્ટ પહેરવાનું અને બટન મારવાને બદલે નીચેના બે છેડાની ગાંઠ વાળવાની !

એમ તો ગોવિંદાના લાલ-પીળાં કપડાંનો વારસો મિથુન ચક્રવર્તીએ અમુક ફિલ્મોમાં જાળવી રાખ્યો હતો. પણ મિથુન દા હેરસ્ટાઈલમાં એક નવું ગિમિક લઇને આવેલા. એમણે કાન ઉપર લાંબા થોભિયાં રાખવાને બદલે ત્યાં સાવ છોલી જ નંખાવેલું ! આ સ્ટાઇલની પણ યુવાનોમાં ખાસ્સી નકલ થતી હતી. (જેમને થોભિયા નહોતાં ઉગતાં એમને ફાવતું મળી ગયેલું !)

હિરોઇનોની ફેશનની વાત કરીએ તો બે સ્પષ્ટ ‘સમયખંડ’ દેખાય છે. એક પ્રિ-ઝિનત અમાન અને બીજો પોસ્ટ-ઝિનત અમાન ! જી હા, ઝિનતે જે બોલ્ડ ફેશનનાં વસ્ત્રો પહેરવા માંડ્યા તેની જુની હિરોઇનો કલ્પના પણ નહોતી કરી શકતી. બીજું, ઝિનતને કદી સાડી સૂટ જ થતી નહોતી. કદાચ એના શરીરનો ઢાંચો એવો હતો કે પછી એની બોડી-લેંગ્વેજ.

જે હોય તે, પણ આજે ગોવિંદાને ય બીક લાગે એવાં ચિત્ર-વિચિત્ર કપડાં પહેરીને સોશિયલ મિડિયામાં નામ કમાવા માટે રણવીર સિંહ એકલો જ કાફી છે !

***

-મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments