આપણા ભોળા સવાલો !

અમુક સમાચારો એવા હોય છે કે આપણા જેવા ભોળા લોકોના મનમાં અનેક ભોળા સવાલો થવા લાગે છે ! દાખલા તરીકે…

***

સમાચાર

બ્રિટનમાં 1 લાખ ટ્રક ડ્રાયવરોની અછત ઊભી થવાથી ત્યાં પેટ્રોલપંપોમાં પેટ્રોલ નથી પહોંચતું !

ભોળા સવાલો

ભૈશાબ, કોરોના તો દોઢ વરસથી ચાલે છે. તો શું આ ટ્રક ડ્રાયવરો સાવ કોરોના પતવા આવ્યો ત્યારે જ દેશ છોડીને જતા રહ્યા ? અને જો એવું ના હોય તો અત્યાર લગી પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ શી રીતે પહોંચાડતા હતા ? હેલિકોપ્ટર વડે ?

***

સમાચાર

અફઘાનિસ્તાનમાં વીજળીનો સપ્લાય કટ થઈ જશે કેમકે તાલિબાન સરકારે લગભગ 62 મિલિયન ડોલર જેટલું વીજળીનું બિલ ભર્યું નથી !

ભોળા સવાલો

અલ્યા, તાલિબાનોને આવ્યાને હજી માંડ બે જ મહિના થયા છે એમાં આટલું બધું બિલ ? નક્કી અગાઉની સરકારે ‘ઉધારી’ રાખી હશે ! એમને કેમ નથી પૂછતા ? અને અમેરિકાનું આર્મી પણ વીજળી વાપરીને ભાગી ગયું ! એનું શું ?

***

સમાચાર

આર્યન ખાનને છેક 20 ઓક્ટોબર સુધી જામીન નહીં મળે. જેલમાં રહેવું પડશે.

ભોળા સવાલો

એ તો બરાબર, પણ એની સાથે જે બિચારા બીજા 9 છોકરા-છોકરીઓને પકડ્યા છે એમનું શું ? એમની કોઈ વકીલાત કરે છે કે નહીં ? ફક્ત આર્યન શું ખાય છે એની ચિંતા કરો છો તો શું પેલા બાકીનાને ઘરેથી ટિફીનો આવે છે ? કે સ્વીગી-ઝોમેટોવાળા આપી જાય છે ?

અને પેલી ક્રુઝની ટુર કેન્સલ થઈ તો બાકીના 200 ટુરિસ્ટોના જે પાંચ-પાંચ લાખ રૂપિયા હતા તે કોણે પાછા આપ્યા ? શું એ લોકોએ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ ના કરવી જોઈએ કે ખાલી 10 જણાને લીધે અમને શા માટે હેરાનગતિ થવી જોઈએ ?

બોલો, ખોટી વાત છે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments