જો ગરબાને લાગે સાહિત્યનો ચેપ !

ચિકન ગુનિયા કે કોરોનાનો ચેપ તો કંઈ જ નથી, મારા સાહેબો, જેને સાહિત્યનો ચેપ લાગ્યો એની તો વાત જ ના પૂછશો !

ખેડૂતને સાહિત્યનો ચેપ લાગે તો બિચારો અનાજમાં ‘કથાબીજ’ શોધતો થઈ જાય છે. સરકારી અમલદારને સાહિત્યનો ચેપ લાગે તો એ ‘મેમો’ને બદલે ગઝલના શેર ફટકારતો થઈ જાય છે અને કોઈ ગેંગસ્ટરને આ ચેપ લાગે તો એ મર્ડરની સોપારીઓ લેવાને બદલે ‘અર્પણ’ના પાને કોનાં કોનાં નામ લખવા એ શોધતો થઈ જાય છે !

જો વાત ગરબાની કરીએ તો એમાં સાહિત્યનો ચેપ લાગવાનો બહુ મોટો સ્કોપ છે. કેમકે સાહિત્યનો એક અફર નિયમ છે કે જે કંઈ લોકપ્રિય છે, જે કંઈ લોકોને ગમે છે, જે કંઈ હિટ છે એને ‘સાહિત્ય’ કહેવાય જ નહીં ! સાહિત્ય તો સુષ્ઠુ સુષ્ઠુ, બોરિંગ અને ખાસ કરીને ના સમજાય એવું જ હોવું જોઈએ !

આજે તમે જુઓ, તો ગુજરાતનો ગરબો ગ્લોબલ થઈને છેક અમેરિકા, કેનેડા અને ઇંગ્લેન્ડમાં માત્ર દેશીઓ જ નહીં ધોળિયાઓને અને કાળિયાઓને ઘેલું લગાડી રહ્યો છે, તો એમાં ‘સાહિત્ય’ જેવું કશું હોય જ ક્યાંથી ?

તો વિચારો, સાહિત્યનો જે ‘ચેપ’ છે. એ ગરબામાં ઘૂસ મારે તો શું શું થવા માંડે ?

સૌથી પહેલાં તો એમાં ‘અછાંદસ ગરબા’ આવવા માંડે ! તમે પૂછશો કે ભૈ, આ અછાંદસ ગરબા કેવા હોય ? તો સમજો ને, કે એમાં કોઈ છંદ ના હોય, કોઈ પ્રાસ ના હોય (પણ ત્રાસ જરૂર હોય), એને ગાવાની જરૂર જ ના હોય ! ફક્ત ઊંચા અવાજે વાંચી જ જવાનો હોય ! દાખલા તરીકે તમારા ઊંચા અવાજે વાંચો આ નમૂનો :

ગોરીની ગોરી એડીમાં
આવી એક ખંજવાળ 
પોળની પાંદડીએ 
ઢોલની ચામડીએ
ખરચ… ખરચ.. ખરચ..
ખણકે ઝાંઝરીઓ, ઝાંઝવાની
એવું એવું કૈં કૈં થાય
ન્હાય ઝાકળ, લીલા ઘાસમાં.’

જોયું ? ગુલઝારે લખેલી વાંકીચૂકી કવિતાને સૂરમાં ઢાળી આપનાર સ્વયં આરડી બર્મન પણ સ્વર્ગમાંથી પાછા આવે તોય એની ધૂન ના બેસાડી શકે ! અને જો ધૂનમાં બેસાડે તો તાલમાં ક્યાંથી આવે ? ભૂલેચૂકે જો તાલમાં ય ગરબો બેસી ગયો, તો તો મારો બેટો ગરબો હિટ થઈ જાય ! તો પછી એને ‘સાહિત્ય’ ક્યાંથી કહેવાય ?

મૂળ શું છે, સાહિત્યનું કામ જ આ છે : જુની પરંપરાગત ચાલી આવતી પ્રણાલિને તોડવાનું ! આ જે ‘તોડવાનું’ કામ છે એને જ એ લોકો ‘સર્જન’ કહે છે. (ના સમજાયું હોય તેમણે આ વાક્ય ફરી વાંચવું.)

ટુંકમાં, સૌથી પહેલું કામ ગરબાને તોડીને એના સ્પેર-પાર્ટ્સ છૂટા કરી નાંખવામાં આવશે. પછી આવશે ‘એબસ્ટ્રેક્ટ ગરબા’ !

હવે તમે ફરીથી પૂછવાના કે મન્નુભાઈ, આ ‘એબસ્ટ્રેક્ટ’ ગરબા વળી કેવા હોય ? તો સિમ્પલ સરખામણીથી સમજી લો. તમે એબસ્ટ્રેક્ટ પેઇન્ટિંગ તો જોયાં છે ને ? એમાં શું હોય ? માત્ર લપેડા, ડાઘાડુઘી અને ભળતા સળતા આકારો, રાઈટ ? એમાં ચહેરા ના હોય, કુદરતી દ્રશ્યો ના હોય, મકાનો, શેરીઓ એવું બધું પણ ના હોય. બસ, માત્ર આકારો જ હોય !

એ જ રીતે એબસ્ટ્રેક્ટ ગરબામાં શબ્દો જ નહીં હોય ! ગરબા રમનારા ખેલૈયા નહીં હોય, વાજિંત્રો પણ નહીં હોય ! એની જગ્યાએ માત્ર છૂટાછવાયા અવાજો હશે, વાજિંત્રોને બદલે કંઈક અથડાવા પછડાવાનો ઘોંઘાટ હશે અને ખેલૈયાઓને બદલે એકાદ ભાંગેલું તૂટેલું ચહેરા વિનાનું પૂતળું હશે. (જોકે આ ગરબો છે એવું બતાડવા ક્યાંક એકાદ આભલું ચોંટાડ્યું હશે.)

શું થયું ? આવું બધું વાંચીને ડરી ગયા ? તો લો, એબસ્ટ્રેક્ટ અને અછાંદસ વચ્ચેનો એક ‘લોકભોગ્ય’ પ્રકાર પણ હશે !

જી હા, એમાં કોઈ શાસ્ત્રીય સંગીતના ઉસ્તાદ સ્ટેજ ઉપર ‘બેઠાં બેઠાં’ ગરબો ગાશે ! જી હા, ગાશે ! ફરક એટલો જ કે ‘મેંદી તે વાવી માંડવે…’માં એ ઉસ્તાદ ‘માં…ડવે..., માં… ડ… વે..., માંડ… વે...’ એવું જુદી જુદી અઢાર રીતે ગાઈ બતાડશે ! અને ‘રંગ ગયો ગુજરાત’માં ‘ગયોઓ… ગયોઓ… ગયોઓઓ…’ તો અનુપ જલોટા પણ સાંભળતાં થાકી જાય એટલું ખેંચી બતાડશે !

અને હા, એક નવી ‘ગરબા સાહિત્ય અકાદમી’ બનશે. જેમાં દોઢ મિનિટના એબસ્ટ્રેક્ટ ગરબાનું વિવેચન દોઢ કલાક સુધી કરી શકે એવા વિવેચકોને લાખોની સ્કોલરશીપો મળતી હશે. જય માતાજી.

***

- મન્નુ શેખચલ્લી

Email : mannu41955@gmail.com

Comments

  1. આવું બધું વિચારવા માટે તમે પણ ઍવોડૅ ના હકદાર છો લલિત ભાઈ

    ReplyDelete

Post a Comment