તમે IPLની મેચો ભલે પુરેપુરી ન જોતા હો, પણ એમાં જે ક્રિકેટરો છે એમની હેર-સ્ટાઇલો ખાસ જોજો ! અહીં તમને ડાકુઓ, જંગલી આદિવાસીઓ અને ફિલ્મી વિલનોની ઝલક જોવા મળશે…
***
એક શિખર ધવન છે. એના માથે પુરેપુરી ફળદ્રુપ ખેતી થઈ શકે એમ હોવા છતાં શી ખબર કયા કારણસર ત્યાં કશું ઉગવા જ નથી દેતો ! ઉપરથી વળ ચડાવેલી મૂછો રાખે છે ! આ ભાઈ જો ક્રિકેટમાં ના હોત તો આપણને એમ જ થાત કે ફિલ્મોમાં બિચારાને વિલનની બાજુમાં ફક્ત ઊભા રહેવાનો રોલ મળતો હશે !
***
બીજા એક વિદેશી ક્રિકેટર ફાફ ડુ પ્લેસીસ છે. એ સાહેબ હવે પાકટ વયના ઢાંઢા થઈ ગયા છે છતાં જુવાનિયાઓની જેમ બન્ને લમણાંના વાળ છોલાવી નાંખ્યા છે. એમાં ઉપર ટાલ પડવાની શરૂઆત થઈ છે એટલે બિચારા પાછળથી એવા કઢંગા લાગે છે... પણ એમને એવું કહે કોણ ?
***
એક રોબિન ઉથપ્પા છે. એણે લમણાં છોલાવીને માથે રૂંછાવાળા મફલરનો ટુકડો કાપીને ચોંટાડ્યો હોય એવા વાળ રાખ્યા છે ! એમાં વળી લાલ રંગની ડાઈ કરાવી છે ! તમે જોજો, પરસેવાથી એ ડાઈનો કલર જવાથી એનું ટી-શર્ટ પાછલી સાઈડે લાલાશ પકડી લે છે !
અને હા, ઉત્થપ્પાની જેમ પેલા વેસ્ટ ઇન્ડિઝના હેતમાયરે માથે ભૂરા રંગના મફલરમાંથી રૂંછાં કાપીને ચોંટાડ્યાં છે ! (અગાઉ સોનેરી મફલરનાં રૂંછાં હતાં.)
***
બીજો એક લેગ સ્પિનર રાહુલ ચેહર છે. એ તો હંમેશાં નાની અંબોડી વાળે છે ! એટલું જ નહીં, એના વાળની નાની નાની ચોટલીઓ ગુંથીને એવી રીતે રાખે છે કે જાણે ખેતરમાં ચાસ પાડ્યા હોય ! (કદાચ એ ચાસમાં હેર-ઓઇલ રેડતો હશે.)
***
અને ભાઈ, પેલા હાર્દિક પંડ્યાને કોઈ સમજાવો ! એને કહીએ કે અલ્યા, તારા ભ’ઇને જો, બિચારો કેવો ડાહ્યો અને સજ્જન લાગે છે ? અને તું, શા માટે હંમેશા, પોલીસ સ્ટેશનમાં ‘વોન્ટેડ’ના ફોટામાં હોય એવા લોકોના જ લુક્સ લઇને ફરતો ફરે છે ?
***
છેવટે ધોનીની કોઈ દયા ખાઓ, ભૈશાબ ! વાળ ધોળા થઈ ગયા છે છતાં કાળી ડાઈનો રગડો ચોપડે છે. હેર સ્ટાઈલ પણ કોઇ ચાઇનિઝ ફિલ્મના સાઇડ વિલન જેવી કરી છે… લાગે છે, સાક્ષીભાભીનું ય નહીં સાંભળતો હોય !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment