જુની ફિલ્મો સાથે જોડાયેલી યાદોની સફર જારી છે. આજે એ જમાનાના ફિલ્મસ્ટારોની ‘ફેશન’ની વાત કરીએ જેણે તે સમયની યુવાપેઢીને ઘેલું લગાડેલું.
રાજકપૂર, દિલીપકુમાર અને દેવઆનંદની ત્રિપુટીમાં દિલીપકુમારની સ્ટાઈલમાં કશું ખાસ કોપી કરવા જેવું હતું જ નહીં કેમકે એ ભાઈ શર્ટના બટનો પણ ગળા સુધી બીડેલાં રાખતા હતાં. ઉપરથી શર્ટની લાંબી બાંય પણ છેક કાંડા સુધી બટન વડે બંધ હોય ! દિલીપ સા’બની હેર-સ્ટાઈલનો પણ મોટો પ્રોબ્લેમ હતો કેમકે ફિલ્મના દૃશ્ય મુજબ વાળ જુદી જુદી રીતે વિખેરાયેલા હોય ! (અને મુગલ-એ-આઝમ જેવી વિગ કંઈ બધાને પોષાય નહીં.)
હા, રાજકપૂરનો જબરો કરિશ્મા હતો. આપણા ખ્યાતનામ હાસ્ય લેખક તારક મહેતાએ પોતાની આત્મકથામાં કબૂલ કર્યું છે કે તેમને રાજકપૂનો ‘વહેમ’ હતો કારણકે એમનો ‘સાઈડ ફેસ’ આરકેને મળતો આવતો હતો ! રાજકપૂર કટ મૂછોની તે વખતે વડીલોમાં પણ બોલબાલા હતી.
જોકે સૌથી વધુ ચેપી અસર દેવઆનંદના ફૂગ્ગાની હતી ! અમારા બાળપણમાં અમને યાદ છે કે અમદાવાદમાં જ્યાં દેવઆનંદની ફિલ્મ લાગી હોય ત્યાં ટિકીટ માટે જે લાઈનો લાગી હોય એમાં તમને મિનિમમ એક ડઝન જુવાનિયા દેવઆનંદની હેરસ્ટાઈલ જેવા ‘ફૂગ્ગાવાળા’ જોવા મળે ! અમારી સાથે ગમ્મત તો ત્યારે થઈ હતી કે જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ જ્હોન કેનેડી ભારતની મુલાકાતે આવેલા ત્યારે છાપામાં પહેલા પાને એમનો ફોટો જઈને અમે ચકિત થઈ ગયેલા કે ‘અલ્યા ? આ ફોરેનવાળા સાહેબ પણ દેવઆનંદના ફૂગ્ગાની કોપી કરે છે ?’
એ તો પછીથી ખબર પડી કે જ્હોન કેનેડીની હેર સ્ટાઈલને ‘ક્રુ-કટ’ કહેતા. ( ગામડામાં ‘કુર-કટ’ અને શહેરના અમુક સલુનોમાં ‘સ્ક્રુ-કટ’. ) જોકે CREW એટલે સાથે કામ કરનારી ટીમ. નેવી-ક્રુ એટલે નાવિકોની ટીમ, માઈનિંગ-ક્રુ એટલે ખાણમાં કામ કરનારાની ટીમ. હકીકતમાં આ ‘ક્રુ-કટ’ ફેશન યુરોપના ‘નેવી-ક્રુ’માંથી આવી હતી. નૌકાદળના સૈનિકો માથાના આગળના વાળ ઢંકાય નહીં તેવી કેપ પહેરતા અને બાકીના વાળ ટુંકા રાખતા. કેનેડીનું જોઈને ભારતમાં પણ ‘ક્રુ-કટ’ની નકલ કરવાની ફેશન ચાલેલી ! બોલો.
અને હા, પેલા દેવઆનંદના ફૂગ્ગાની ભૂંડી નકલ જોય મુખર્જીએ કરી હતી. એક તો પોતે જ છ ફૂટિયો લાંબડો હતો એમાં વળી દોઢ-ઇંચ ઊંચો ફૂગ્ગો રાખતો હતો ! બાકી, માથાની આગળની લટોને કપાળ ઉપર રમતી રાખવાની શમ્મી કપૂરની સ્ટાઈલની પણ તે વખતે બહુ જુવાનિયાઓ નકલ કરતા હતા.
આમાં લોચો એક જ થતો કે બાપાઓ જીદ કરીને માથામાં તેલ નંખાવતા ! જેના કારણે શમ્મીકપૂરની જેમ વાળ ઉલાળા નહોતા લઈ શકતા ! વેશભૂષાની ફેશનની વાત કરીએ તો કોલર ઊંચા રાખવા અને મસ્ત મસ્ત જાકીટો પહેરવાં એમાંય શમ્મી અને દેવ સા’બનો જ વટ હતો.
બાકી, એક આખી પેઢીને ફેશનનું ઘેલું લગાડનાર સ્ટાર હોય તો તે હતો રાજેશ ખન્ના ! બંધ ગળાનું ‘ગુરુ-શર્ટ’, કોલર વિનાનું સફારી શર્ટ, પેન્ટની ઉપર કુરતો, ડાર્ક કલરના શર્ટ ઉપર સફેદ રંગની સિલાઈના મોટા મોટાં ટાંકા હોય એવી સ્ટાઈલ, ખભા ઉપર સોલ્જર બટનવાળા ફ્લેપ, છાતીના વાળ થોડા દેખાય છતાં સાવ મવાલી ના લાગે એવી રીતે શર્ટના બટન ખુલ્લાં રાખવાની સ્ટાઈલ !
અરે, ‘ઇત્તેફાક’ ફિલ્મમાં જે બ્લેક ટી-શર્ટ અને મરુન ટ્રાઉઝર પહેર્યું હતું એ ‘કોમ્બિનેશન’ની પણ હજારો યુવાનો કોપી મારતા હતા ! અને એની હેર-સ્ટાઈલ ? વાત જ ના પૂછશો ભૈશાબ ! આખી કોલેજમાં એની હેર-સ્ટાઈલવાળા મિનિમમ સો છોકરાઓ ફરતા દેખાય !
એ સમયે સમયના કાંટા ઊંધા ચાલતા હોય એવી ઘટના એ બની હતી કે ‘બેલ-બોટમ’ પેન્ટની ફેશન કોલેજિયનોમાં એટલી ઝડપે ફેલાઈ ગઈ કે ફિલ્મોમાં તો છેક બે વરસે, કદાચ પહેલીવાર ‘જવાની દિવાની’માં જોવા મળી ! જોકે એ ભારતનું સૌથી મોટું 'ફેશન વેવ' હતું ! કાન ઉપર ઢાંકેલા વાળ, કાનની નીચે ઉગાડેલાં વાળનાં લાંબાં થોભિયાં, પહોળા અને ચળકતાં મેટલ-ચકતાંવાળા બેલ્ટ અને પછી અમિતાભ બચ્ચનની એન્ટ્રી થઈ ત્યારે તો બધાની વાળની સ્ટાઈલો પણ બચ્ચન કટ જ ! (જોકે ‘કટ’ ના કહેવાય કેમકે એમાં મહિનાઓ સુધી છોકરાંઓ વાળ ‘કપાવતા’ જ નહોતા ! એમાં તો ઘરે ઘરે બાપ-દિકરાના ઝઘડા થતા હતા.)
આ ‘કટ’ની વાત નીકળી છે તો ‘સાધના-કટ’ કેમ ભૂલાય ? મૂળ તો સાવ ભોળો ચહેરો ધરાવતી સાધનાને ફિલ્મ ‘લવ ઇન શિમલા’માં ‘મોડર્ન-ગર્લ’ તરીકે રજુ કરવા માટે ડિરેક્ટર આરકે નૈયરે તેના આગળના વાળની લટ કપાવીને નવો ‘લુક’ બનાવ્યો હતો પણ પછી એ જ સાધનાની ‘બ્રાન્ડ આઈડેન્ટીટી’ બની ગઈ !
આ સાધના-કટ તો છેક ગામડાંની છોકરીઓ સુધી પહોંચી ગયો હતો. બાકી, વૈજયંતિ માલાએ ‘આમ્રપાલી’ ફિલ્મમાં જે રાજનર્તકીનો લુક ધારણ કર્યો હતો એની નકલ તો હોલીવૂડની હિરોઈનો પણ જાહેરમાં કરી શકે તેમ નહોતી. શું કહો છો !
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment