ધોનીએ આ વખતની આઈપીએલમાં 14 મેચમાં કુલ 96 રન કર્યા ! મતલબ કે એક મેચમાં 4 રન !
હવે એણે હિન્ટ આપી છે કે તે આઈપીએલમાંથી પણ રિટાયર થઈ જશે ! તો હવે એ શું કરશે ?
અમારું સજેશન છે કે ધોનીએ હવે ગોલ્ફ રમવું જોઈએ ! કેમ ? તો આ રહ્યાં કારણો…
***
ગોલ્ફમાં ઊંચી ‘હેલિકોપ્ટર’ ગલોલી ફટકાર્યા છતાં તેનો કેચ થઈ જવાનો ડર રહેતો નથી !
***
ગોલ્ફમાં શોર્ટ માર્યા પછી રન લેવા માટે દોડવાની યે જરૂર નથી. ઉલ્ટું, અહીં તો નિરાંતે ચાલતા ચાલતા જવાનું હોય છે… થાકી રહેલા ધોની માટે બેસ્ટ છે !
***
ગોલ્ફમાં મોટામાં મોટી શાંતિ એ છે કે બોલ ન તો ‘સ્વીંગ’ થાય છે, ન તો ‘ટર્ન’ થાય છે કે ન તો ‘બાઉન્સ’ થાય છે ! અહીં તો બોલ નિરાંતે ગ્રાઉન્ડ ઉપર પડ્યો રહે છે ! આહા… કેટલી શાંતિ !
***
અચ્છા, ગોલ્ફમાં શું છે કે, શોટ મારતાં પહેલાં નિરાંતે તેની આજુબાજુ આંટા મારીને ઝીણી આંખે ચારેબાજુથી જોઈ શકાય છે !
***
અને વેરી ઇમ્પોર્ટન્ટ, શોટ મારતાં પહેલાં હવામાં સ્ટિક ઘુમાવીને ‘પ્રેક્ટિસ’ પણ કરી શકાય છે ! (બોલો, આઈપીએલમાં તો ‘ટ્રાયલ બોલ’ પણ નથી આપતા.)
***
ગોલ્ફમાં આપણી કીટ ઉંચકવા માટે એક માણસ અલગથી મળે છે. એટલું જ નહીં, ગ્રાઉન્ડમાં દૂર સુધી જવા માટે નાનું વાહન પણ મળે છે ! (ફીટનેસ ગઈ તેલ લેવા.)
***
અમુક વાર તો બોલને હિટ કરતાં પહેલાં જાતે, હાથ વડે, પોતાને ફાવે એ રીતે જમીન ઉપર ગોઠવી પણ શકાય છે !
***
પ્રેક્ષકો, એક તો ઓછા હોય છે, ‘રાઉડી ટાઈપ’ નથી હોતા, અને હા, એ લોકો તાળી વગાડતા વગાડતા તમારી પાછળ પાછળ આવે છે ! હંમેશાં !
***
સૌથી ઇમ્પોર્ટન્ટ… ગોલ્ફનો એક દાવ કમ સે કમ દોઢ-બે કલાક લગી ચાલે છે !
***
ફક્ત એક જ ગેરફાયદો છે, આપણે ફક્ત કેપ્ટનશીપ કરીએ અને આપણી મોંઘી ટીમ આપણને જીતાડી આપે એવું ગોલ્ફમાં થતું નથી. સોરી.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment