ખાડા અને ફોટા !

સરકારે જ્યારથી જાહેર કર્યું છે કે તમારા વિસ્તારમાં રોડ ઉપર પડેલા ખાડાના ફોટા પાડીને વોટ્સએપના ચોક્કસ નંબર ઉપર મોકલી આપો… ત્યારથી અમુક નવી સમસ્યાઓ ઊભી થઈ છે ! જુઓ…

***

‘મંત્રીજી આ જુઓ…’

મિનિસ્ટર સાહેબના આસિસ્ટન્ટે એમને કોમ્પ્યુટરમાં બતાડતાં કહ્યું ‘આ એક ભાઈએ એક સામટા એક હજાર એકસોને પાંત્રીસ ફોટા મોકલી આપ્યા છે !’

મંત્રીજી બગડ્યા. ‘કોઈ નવરો માણસ લાગે છે. આખા શહેરના તમામ રોડ ઉપર ફરી ફરીને ફોટા પાડ્યા લાગે છે.’

‘ના સાહેબ ! એક જ રોડના ફોટા છે !’

‘હેં ?’

‘હા. એક જ રોડ ઉપર એક હજાર એકસો ને પાંત્રીસ ખાડા પડ્યા છે !’

***

બીજા દિવસે એ આસિસ્ટન્ટે ફરીથી મંત્રીજીનું ધ્યાન દોરતાં કહ્યું :

‘મંત્રીજી, આ જુઓ…’

‘શું છે ?’

‘એક ભાઈએ પાકી મહેનત કરીને ડ્રોન કેમેરા વડે એકદમ હાઇ રિઝોલ્યુશનમાં ફક્ત એક જ રોડ આ છેડેથી પેલા છેડા સુધી દેખાય એવો માત્ર એક જ ફોટો મોકલ્યો છે.’

‘સરસ, એમાં કેટલા ખાડા દેખાય છે ?’

‘એક હજાર એકસો ને પાંત્રીસ !’

‘હેં ?’

‘હા, આ એ જ રોડનો ફોટો છે !’

***

ત્રીજા દિવસે ફરી પેલા આસિસ્ટન્ટે આવીને ખુશખબરી આપતો હોય તેવા ઉત્સાહથી મંત્રીજીને કહ્યું :

‘સાહેબ, એક બહુ સરસ મેસેજ આવ્યો છે !’

‘શું મેસેજ છે ?’

‘સર, એ જ વિસ્તારમાં એ જ રોડ ઉપર રહેતા એક ત્રીજા ભાઈએ મેસેજ મોકલ્યો છે.’

‘હા, શું લખે છે ?’

‘લખે છે કે સરકારના લાખો રૂપિયા બચી ગયા છે !’

‘શી રીતે ?’

‘ગઈકાલે જે ધોધમાર વરસાદ પડ્યો ને, એમાં આખેઆખો રોડ જ સાફ થઇ ગયો છે ! ખાડાઓ સહિત !!’

***

- મન્નુ શેખચલ્લી

Comments