ફિલ્મો પ્રેક્ષકો વિના ચાલતી નથી. આઈપીએલ પણ પ્રેક્ષકો વિના જામતી નથી. તો એક વિચાર આવે છે કે ફિલ્મ સ્ટારોની જ આઈપીએલ શરૂ કરી હોય તો ?
જોકે શરૂ તો કરીએ, પણ પછી જુઓ, શું શું થશે…
***
પહેલી મેચનું ઉદ્ઘાટનને બદલે ‘મહુરત’ કરવામાં આવશે ! એમાં રમનારા, નહીં રમાનારા, ફક્ત ડાન્સ કરનારા અને ચમચાગિરી કરનારાની ભીડ ભેગી થશે !
***
કોઈ સુપરસ્ટાર બેટ પકડીને ઊભો હશે અને કોઈ હીરોઈન બોલ નાંખશે… સુપર સ્ટાર જરીક બેટ ઘુમાવશે… અને તાળીઓના ગડગડાટ થશે !
લો થઈ ગયું ‘મહુરત’ ! પછી શું ? પછી બધા પોતપોતાને ઘેર જતા રહેશે !
***
પછી જ્યારે ખરેખર મેચ શરૂ થવાની હશે ત્યારે ફિલ્મ સ્ટારો રાહ જોવડાવીને ત્રણ કલાક મોડા આવશે !
***
પછી મેકપ રૂમમાં બે કલાક બગાડશે. છેવટે પહેરવા માટે કપડાં આપવામાં આવશે ત્યારે સિનિયર ફિલ્મ સ્ટારો રીસાઈ જશે કે અમને બધાને બેકગ્રાઉન્ડ ડાન્સરોની માફક સરખાં કપડાં કેમ આપ્યાં છે ?
***
છેવટે એમને મનાવી લીધા પછી માંડ માંડ મેદાનમાં જઈને ટોસ ઉછાળવામાં આવશે. એ પછી ફિલ્મી કેપ્ટન અંપાયરને પૂછશે : ‘ઓકે, હવે શું કરવાનું છે ? જરા જુઓને, સ્ક્રીપ્ટમાં શું લખ્યું છે ?’
***
ફિલ્મી બોલર હાથમાં બોલ પકડીને પાંચ મિનિટ સુધી ઊભો જ રહેશે. અંપાયર પૂછશે તો કહેશે ‘અરે ભઈ, બોલિંગ કૈસે સ્ટાર્ટ કરું ? કોઈ ‘એકશન’ તો બોલો ?’
***
અર્જુન કપૂર જેવો આળસુ એકટર એક જ કેચને સાત વાર જુદી જુદી રીતે છોડશે ! પછી કહેશે ‘ઇસ મેં સે જો અચ્છા લગે વો શોટ રખ લેના !’
***
અને સૌથી મોડો આવેલો સલમાન કારમાંથી ઉતરીને ડઝનબંધ કેમેરા સામે ગોગલ્સ ઉતારતાં કહેશે : ‘અગર સ્ક્રીપ્ટ કી ડિમાન્ડ હૈ તો મૈં કપડે ઉતારને કે લિયે તૈયાર હું !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment