મહાનુભાવોના મનમાં...

શું મોટી મોટી દિગ્ગજ હસ્તીઓ ચોવીસે કલાક અને બારે મહિના સિરિયસ વિચારો જ કર્યા કરતી હશે ? એમના દિમાગમાં ય ભલતા સલતા વિચાર ફરકી જતા હશે ને ! જેમકે…

***

નરેન્દ્ર મોદી

મેં પંદરમી ઓગસ્ટે મારી લાંબી દાઢી કપાવીને ટુંકી કરાવી નાંખી એનું મિડિયાએ ખાસ ધ્યાન જ લીધું લાગતું નથી… શું કરું ? દાઢી વિશે ટ્વીટ કરું ?.... કે કરાવું ?

***

જો બાઇડન

ફરી કબજિયાતની તકલીફ થવા લાગી છે… નિવેદનો તો ઠીક, ઝાડો પણ ખુલાસીને કરી શકાતો નથી… પેલી ઇન્ડિયન નેચરલ મેડિસિન આવે છે ને … શું નામ… ઇસાબ-ગુલ… એ મોદી પાસે મંગાવી લઉં ?

***

મોહમદ હનીફ અતમાર (અફઘાની વિદેશમંત્રી)

સાલું, ભયંકર કન્ફ્યુઝન છે… ફોરેનરો જોડે અંગ્રેજીમાં વાતચીત કરવા માટે જાતે અંગ્રેજી શીખું… ? કે દુભાષિયો રાખું ?... અને જો દુભાષિયો ઇંગ્લીશની ડિગ્રીવાળો રાખું… એમાં અમારા શિક્ષણમંત્રીને વાંધો પડશે તો ?.... ભારે થઈ બાપા…

***

સોનિયા ગાંધી

કંઈક તો ગડબડ છે… હું જે કંઈ વિચારું છું એની મને જ શી રીતે ખબર પડી જાય છે ?... ક્યાંક તો ‘જાસૂસી’ થઈ રહી છે…

***

રાહુલ ગાંધી

શું કરું ?.... બહુ દિવસો થઈ ગયા… મેં કોઈ બફાટ નથી કર્યો… આમાં ને આમાં તો મારા ફોલોઅર્સ ઘટી જશે….

***

નીરજ ચોપરા (ભાલાફેંક ગોલ્ડ મેડાલિસ્ટ)

અરે યાર… ફરી પિત્ઝા ખાવાનું મન થયું છે… શું કરું, ઓનલાઇન ઓર્ડર કરીને મંગાવી લઉં ? પણ યાર, ક્યાંક સોશિયલ મીડિયામાં વાત ફેલાઈ જશે તો ? યાર…. પિત્ઝા… પિત્ઝા…

***

વિરાટ કોહલી

આ સારું છે… સેન્ચુરી રોહિત કરે અને મેચ જીતવા પર શાબાશી મને મળે !

***

- મન્નુ શેખચલ્લી

Comments