બે નિષ્ફળ પ્રયત્નો પછી અફઘાનિસ્તાનની નવી સરકારમાં કોને શું લાડવો મળવાનો છે તે હવે આ સપ્તાહમાં જાહેર થશે.
જોકે સરકારનાં મંત્રાલયો કેવાં હશે તે તો અત્યારથી કહી શકાય તેમ છે…
***
કપડા મંત્રાલય
આ હકીકતમાં ‘બુરખા મંત્રાલય’ હશે. દેશમાં નાના બાળકોથી લઈને વૃદ્ધમાં વૃદ્ધ મહિલાને પહેરવા માટે પુરતા પ્રમાણમાં બુરખાનું ઉત્પાદન કરવાનું ધ્યાન આ મંત્રાલય રાખશે.
***
કૃષિ મંત્રાલય
આ પણ હકીકતમાં અફીણની ખેતીનું ખાતું હશે ! અફીણમાંથી ચરસ, ગાંજો, હેરોઈન વગેરે કિંમતી દ્રવ્યોનું ઉત્પાદન તથા વર્લ્ડ-વાઈડ ડિસ્ટ્રીબ્યુશનનું કામ આ લોકો સંભાળશે.
***
શિક્ષણ મંત્રાલય
હકીકતમાં આ ‘શિક્ષણ-બંધ’ મંત્રાલય હશે ! અમેરિકન લોકોએ જે સ્કુલો, કોલેજો, યુનિવર્સિટીઓ વગેરે ખોલી હતી તેને બંધ કરીને, તેનો શસ્ત્રોના ગોડાઉન માટે ઉપયોગ કરવો કે સૂકા મેવાનાં ગોડાઉન બનાવવાં, તેનો વહીવટ કરશે.
***
સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલય
આ હકીકતમાં ‘જુગાડ મંત્રાલય’ હશે ! અમેરિકનો જે વિમાનો, ટેન્કો, હેલિકોપ્ટરો વગેરેને નકામા કરીને જતા રહ્યા છે તેને ફરી જુગાડ કરીને ચાલુ કરવાના પ્રોજેક્ટો ઉપરાંત નવા આતંકવાદી બોમ્બ બનાવવાની જુગાડ ટેકનોલોજી પાકિસ્તાન પાસેથી મેળવવાનું કામ કરશે.
***
નિકાસ મંત્રાલય
અફીણની પેદાશો નિકાસ કરવાનું કામ તો કૃષિ મંત્રાલય જ કરશે પરંતુ દેશમાંથી હજારો લાખોની સંખ્યામાં બીજા દેશોમાં શરણાર્થીઓની નિકાસ કરવાનું કામ આ લોકો સખ્તાઈથી કરશે.
***
વિદેશ મંત્રાલય
હાલમાં તો આ સાવ નવરું મંત્રાલય હશે કેમ કે આજકાલ તો ગણીને ત્રણ જ દેશો સાથે સંબંધો છે : રશિયા, ચીન અને પાકિસ્તાન !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment