સાઉથની હિન્દી ડબિંગ ફિલ્મોની ખાસમખાસ ખાસિયતો !

શું તમે પેલી સાઉથની હિન્દી ડબિંગવાળી ફિલ્મો જુઓ છો ?
એમાં અનેક અનોખી ખાસિયતો હોય છે !

એમાં એક તો નામો જ બહુ ખતરનાક  હોય છે… ‘ઔર એક દબંગ’, ‘શિવા ધ લાયન’ ‘New પુરાની હવેલી !’ સાલું, આપણને થાય કે આગળ જતાં આ લોકો કેવાં કેવાં નામો લાવશે ? 'રાજદૂત- ધ બાઈક', 'અપ્સરા – ધ પેન્સિલ' કે પછી 'એમ્બેસેડર – ધ રાજદૂત કાર…' !!

પાછી એમાં ય સિકવલો ચાલતી હોય… ‘ઔર એક ખિલાડી-3’ ‘ફિર સે ગોલમાલ - 4’ ‘ઔર એક પતિ, ઔર એક પત્ની ઔર ઔર એક વો!’ (આ છેલ્લું જે નામ લખ્યું એવી ફિલ્મ આવી નથી પણ આવશે જરૂર !) અહીં તો ‘વન એન્ડ ઓન્લી-4’ પણ હોઈ શકે !


તામિલ કે તેલગુમાંથી હિન્દીમાં ડબ કરેલી ફિલ્મોમાં બીજી એક બહુ વિચિત્ર વાત એ છે કે એમના પાત્રો ખબર નહીં કયો શક્તિભોગ આટો ખાતાં હશે તે કડકડાટ, મિનિટના 150 શબ્દોની સ્પીડે બોલ બોલ જ કરતાં હોય ! ઘણી વાર તો મોબાઈલમાં સ્પીડ સ્લો કરીને સાંભળીએ ત્યારે ડાયલોગ સમજાય !

દાખલા તરીકે તમે તો એટલું જ સાંભળો છો કે ‘તૂઅપનેઆપકોક્યા.. તડતડ.. બડબડ ધડધડ… યાયાયા જાજાજા… હટ !’ પરંતુ એને સ્લો સ્પીડમાં સાંભળો ત્યારે ખરેખર ‘નોર્મલ’ સ્પીડમાં એવા સંવાદ સંભળાય કે ‘તૂ અપને આપકો બડા તીસમારખાં સમજતા હોગા મગર જાન લે, ઉપરવાલે ને જિસકી મૌત જૈસે લિખી હો, વૈસે હી વો મરતા હૈ, ચાહે તૂ પટાખે કી તરહા તડતડ ફૂટ લે, ઘડે કી તરહ બડબડ ડૂબ લે, યા ટ્રેનકી તરહા ધડઘડ ઉછલ લે, તુજ સે કુછ નહીં હો પાયેગા, જાજાજા ! હટ !’

આપણને થાય કે ભૈશાબ, અમારા સલમાન ખાન કે જોન અબ્રાહમની જેમ શાંતિથી નાક ઉપર આંગળી ફેરવીને છૂટ્ટા છૂટ્ટા શબ્દોમાં બોલતાં શું થાય છે કે ‘તૂ જબ મરેગા… તભી મરેગા… સમજા ?’

સાઉથની ફિલ્મોની બીજી ચમત્કારી ચીજ છે લુંગી ! યાર, એ લોકો હવામાં ઉછળીને મારામારી કરે છે, ગુંલાંટો ખાય છે, લાતમ્‌લાતી કરે છે છતાં કોઈની યે લુંગી કદી ‘સ્થાનભ્રષ્ટ’ કેમ થતી નથી ? એમાંય ફાઈટ કરતાં પહેલાં તો હીરો અને વિલન બંને પોતપોતાની લુંગીને ઘુંટણ સુધી ઊંચી કરીને કમરમાં ખોસે છે. એ પછી કુંગ-ફૂ, કરાટે, જુજુત્સુ, બોક્સિંગ, રેસલિંગ, તલવાર બાજી, ચપ્પુ બાજી, લાઠીચાર્જ, સળિયા ચાર્જ... બધું જ કરી લીધા પછી યે લુંગી તો ત્યાંની ત્યાં જ હોય છે !

સાઉથની ફિલ્મોમાં ફાઇટિંગ વખતે બીજા ચમત્કારો પણ જોવા મળે છે જેમ કે હીરો કોઈ ટપોરીને હવામાં ઉછાળીને પછાડે તો ટપોરીના શરીરમાં જાણે ફૂટબોલના પંપથી હવા ભરી હોય તેમ તે ભોંય ઉપર પછડાયા પછી પણ બે બે વાર ઉછળે છે !

અચ્છા, એમના વિલનો પાસે શું બાપદાદાના પેટ્રોલ-ડિઝલના કૂવાઓ છે ? યાર, સાવ બિચારી ગરીબ વિધવાના ઘરે જઈને ખાલી ધમકી આપવાની હોય, એમાંય વિલન લોકો છ છ સ્કોર્પિયો લઈને ધૂમાડા કાઢતા, ધૂળ ઉડાડતા પહોંચી જાય છે ! અલ્યા ભઈ, ખાલી ચાકુ બતાડીને કામ ચાલી જતું હોય ત્યાં આટલું પેટ્રોલ ડિઝલ શું કામ બાળો છો ?

બીજી એક વાતની નવાઈ એ લાગે છે કે શું ત્યાંની સરકારોએ મોટી ગેંગોને અંદરો અંદર લડવા માટે ખાસ ખુલ્લાં મેદાનો ફાળવી રાખ્યાં છે ? તમે જોજો, બે ગેંગ સામસામી થઈ જાય તો કોઈ ખુલ્લા મેદાનમાં દોઢ દોઢ ડઝન જીપો, સ્કોર્પિયો અને ટેમ્પા લઈને આવશે. પછી અંદરથી પચાસ પંચોતેર ખૂંખાર ચહેરાવાળા ગુંડાઓ હાથમાં ધારિયાં, છરા, તલવારો અને ખાસ તો પેલાં લીલાં નાળિયેર છોલવાનાં મોટાં અણિયાળાં ઓજારો લઈને ઉતરશે ! પછી હુડુડુડુ…. કરતાં એકબીજા સામે જુના જમાનાનાં લશ્કરોની માફક ધસી જશે !

અલ્યાઓ, સમજતા કેમ નથી ? આમાં તો છેવટે 108ની એમ્બ્યુલન્સવાળા અને હોસ્પિટલની ઇમરર્જન્સી વોર્ડવાળા જ કમાવાના !

અચ્છા, તમે માર્ક કરજો, એમની ફિલ્મોમાં કારોની સ્પીડો પણ ઓટોમેટિક રીતે ઘડકીમાં 100ની સ્પીડમાં તો ઘડીકમાં 10ની સ્પીડમાં ચાલતી હોય છે ! વિલન એની કારનો કાફલો લઈને ખાલી પોલીસ સ્ટેશનમાં કોઈ કાગળ ઉપર સહી કરવા આવે એમાં તો જાણે બધી કારો ‘કારમેળા’માં વેચવા માટેનું ડેમોન્સ્ટ્રેશન બતાડતી હોય એવી રીતે સ્લો-મોશન/ફાસ્ટ-મોશનમાં ગિયરો બદલતી આવે છે !

બાકી જેવી હોય તેવી, સાઉથની ફિલ્મો જોવાની મઝા તો આવે જ છે ! શું કહો છો ?

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments