બિચ્ચારી ગ્રેજ્યુએટ મમ્મીઓ !

અમે એ પેઢીના છીએ જેના પપ્પાઓ થોડું ઘણું ભણેલા હતા અને મમ્મીઓ સાવ ઓછું ભણેલી હતી. છતાં થતું હતું એવું કે જો ઓછા માર્ક આવે તો બાપાનો માર ખાવો પડતો હતો અને સારા માર્ક આવે તો મા શીરો ખવડાવતી હતી.

જો આજે બાળક ઓછા માર્ક લાવે તો મમ્મીની ડાંટ ટ્યૂશન ટિચરને ખાવી પડે છે અને જો વધારે માર્ક લાવે તો પોતે શાબાશી લે છે, કે મેં કેટલું સરસ ધ્યાન રાખ્યું !

એ સિવાય પણ ઘણા તફાવતો છે. બાપા અમને નિશાળે મુકવા આવતા ત્યારે માસ્તરને કહેતા ‘આ સાવ ડોબો છે, એને મારજો !’ આજે મમ્મી સ્કુલના મેડમને કહે છે ‘મારો સન તો બઉ ટેલેન્ટેડ છે, ખબર નહીં સ્કૂલમાં કેમ બરોબર પરફોર્મ નથી કરતો ! તમે ધ્યાન નથી આપતા ?’

અમારી એકની એક પેન્સિલ ઘસાઈ ઘસાઈને ગાંધીજીની પેન્સિલ બની જાય (એટલે બે ઇંચની) તો બાપા પેન્સિલ ઉપર બગડી ગયેલી બોલપેનનું ‘ખોલું’ લગાડીને બીજા બે મહિના ચલાવવાની પ્રેક્ટિસ આપતા હતા ! આજે બાબાની પેન્સિલ ઘસાય એ પહેલાં જ ખોવાઈ જાય છે ! છતાં ઘરમાં બે ડઝન પેન્સિલો હાજર સ્ટોકમાં હોય છે. કેમ ? કારણ કે છૂટક કરતાં ડઝનના ભાવમાં મમ્મીને ‘સસ્તું’ લાગે છે !

તમે જોજો, ભણેલા પપ્પાઓને છોકરાંઓના ભણતરમાં ખાસ રસ નથી હોતો કેમકે એ જાણે છે કે ભણેલું તો શકોરું ય કામમાં આવવાનું નથી ! પરંતુ કોણ જાણે કેમ, ભણેલી મમ્મીઓને ભણેલું કશું જ કામમાં નથી આવતું, છતાં, છોકરાંઓ પાછળ આદુ ખાઈને (અથવા હોર્લિક્સ ખવડાવીને) પાછળ પડી જાય છે !

ના ના, મમ્મીઓ, તમે જસ્ટ વિચારો કે તમારે યુ-ટ્યુબમાંથી જોઈને નવી નવી વાનગીઓ જ બનાવવાની હતી, ફેસબુકમાં સરસ સરસ ફોટા જ મુકવાના હતા, કેન્ડી ક્રશમાં રોજના બે કલાક કાઢવાના હતા અને સાંજે જમવામાં શું બનાવું ? એવા દૈનિક ‘ફુટ પ્રશ્નો’ જ સોલ્વ કરવાના હતા તો ગ્રેજ્યુએટ શા માટે થયા ? બાબા કે બેબીની જોડે ઓનલાઈન બેસીને ‘એ ફોર એપલ’ અને ‘ફાઈવ ફાઈવ ઝા ટ્વેન્ટી ફાઈવ’ કરાવવા માટે ?

આટલું તો ફક્ત દસમું ફેલ હોત તોય આવડતું હોત ! કેમકે આગળ જતાં જ્યારે બાળક સેવન્થ કે નાઇન્થમાં આવે ત્યારે તો આમેય બધું બમ્પર જવાનું છે ! તે વખતે તો ટ્યૂશન ટિચર જોડે લમણાં શી રીતે લેવાં તે જ આવડત કામમાં આવે છે. (વળી, ટિચર જોડે લમણાં શી રીતે લેવાં એ તો કોઈ ટિચર શીખવાડતી જ નથી !)

આની સામે પપ્પાઓનું મેથ્સ પાકું હોય છે. ભલેને પોતે બારમામાં ફક્ત બાવન ટકે પાસ થયા હોય તો પણ જેવો દસમામાં ભણતો બાબો હરખપદૂડો થઈને કહેવા આવે કે ‘ડેડી, ઇન્ટરનલ એક્ઝામમાં મારા સિકસ્ટી ફાઈવ પરેસન્ટમાંથી એઈટી ફાઈવ પરસેન્ટનું ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું છે !’ ત્યારે પપ્પો ફટાફટ મનમાં મેથ્સ ખોલીને ગણી કાઢે છે:

‘બેટા, નવો મોબાઈલ લઈ આપ્યો એના અઢાર હજાર, સ્કુટી લીધી એના બાસઠ હજાર, પેટ્રોલના છ હજાર અને સ્કુલ ફીના પાંત્રીસ હજાર પ્લસ ટ્યૂશન ક્લાસના બાવીસ હજાર થઈને તારા આ ટ્વેન્ટી પરેસન્ટ ઇમ્પ્રુવમેન્ટનો એક પરસેન્ટ મને કેટલામાં પડ્યો ?’ (અને હા, દસમાવાળાની બોર્ડ એક્ઝામ જ ના લેવાઈ એમાં મારા કેટલા રૂપિયા ‘બાતલ’ ગયા ?)

એની સામે જો મમ્મી B.Com. ના થઈ હોય તોય ઘરના ‘બજેટ’માં પોતાની નવી સાડી, સેન્ડલ, ડ્રેસ તથા શાકભાજીના એકાઉન્ટમાં પાણીપુરીનું ‘એડજેસ્ટમેન્ટ’ શી રીતે કરવું તે તો આવડતું જ હોત ને !

જોકે બધી રીતે જોતાં ગ્રેજ્યુએટ મમ્મીઓ જ સારી કેમ કે બાબા-બેબીને સ્કુલમાં ‘ડ્રોપ કરવા’ કે ‘પિક-અપ’ કરવા માટે જાય ત્યારે બીજી ગ્રેજ્યુએટ મમ્મીઓ સાથે ‘કોમ્યુનિકેટ’ કરતી વખતે ‘પ્રોપર’ ઇંગ્લીશ ‘વર્ડ્ઝ’ ભભરાવી શકે.

બાકી, જે ભણેલી મમ્મીઓ જોબ કરે છે એને પૂછી જોજો કે કેવો ‘ટ્રિપલ ત્રાસ’ હોય છે. નોકરી સંભાળવાની, છોકરાં સંભાળવાનાં અને છોકરાનાં પપ્પાને પણ સંભાળવાના ! કંઇ ખાવાના ખેલ છે ?

***

-મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment