અફઘાનિસ્તાનના છેલ્લા પ્રેસિડેન્ટ અશરફ ગની દેશમાંથી ભાગી જઈને દૂબઈમાં ક્યાંક સંતાયા છે.
એમને સતત ડર લાગી રહ્યો છે કે મને કોઈ મારી નાંખશે ! એટલે એમણે ત્યાંના એક નજુમી (જ્યોતિષી)ને પોતાને ત્યાં બોલાવ્યો અને પૂછ્યું :
‘તમે મારા મોત વિશે કંઈ કહી શકો ?’
નજુમીએ અશરફ ગનીનો હાથ જોયો, કપાળ જોયુ, ચહેરો ધ્યાનથી જોયો અને પછી મનમાં કંઈક ગણતરીઓ કરીને છેવટે કહ્યું :
‘તમારું મોત કેવી રીતે થશે એ તો હું ચોક્કસ રીતે નથી કહી શકતો પરંતુ એટલું જરૂર કહીશ કે જે દિવસે તમારું મોત થશે એ દિવસે અફઘાનિસ્તાનમાં મોટો ઉત્સવ હશે.’
‘ઓહ, મતલબ કે મારું મોત કોઈ તહેવારના દિવસે થશે?’
‘ના ! તમે મરશો એ દિવસે અફઘાનિસ્તાનના લોકો તહેવાર મનાવશે !’
***
અશરફ ગની દૂબઈના મોલમાં વેશપલટો કરીને ટાઇમપાસ કરી રહ્યા હતા. એવામાં કોઈ અફઘાની તેમને ઓળખી ગયો !
એણે ગુસ્સામાં આવીને ધડાધડ ગાળો દેવા માંડી ! અશરફ ગનીને થયું આ તો મારું અપમાન કહેવાય. તેમણે દૂબઈની પોલીસ પાસે જઈને ફરિયાદ કરી.
દૂબઈની પોલીસે પેલા માણસની ધરપકડ કરીને પૂછપરછ કરવા માંડી.
‘શું તમે આ સાહેબને અફઘાની ભાષામાં ગદ્દાર, નમકહરામ અને દગાબાજ કહ્યો હતો ?’
‘હા, કહ્યો જ હતો !’ પેલાએ છાતી કાઢીને કહ્યું.
‘અને તેમને ઉર્દૂમાં નામાકુલ, એહસાન ફરામોશ અને બે-ગૈરત કહ્યો હતો ?’
‘બેશક કહ્યો હતો !’
‘અને શું તેમને હિન્દીમાં ઉલ્લુ કા પઠ્ઠા, ગીદડ કી ઔલાદ અને હરામી ગધા પણ કહ્યો હતો ?’
‘બિલકુલ ! એમ જ કહ્યું હતું !’
‘અને શું તમે આ સાહેબને ગુજરાતીમાં અક્કલમઠો, બબૂચક અને વાયડીનો પણ કીધો હતો ?’
પેલા માણસની આંખો ચમકી ઊઠી. તે બોલી ઊઠ્યો :
‘ના ! પણ મને શીખવાડોને ! મારે હમણાં જ કહેવું છે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment