સમાચાર અને મમરો !

સમાચાર સોલિડ હોય છે. મમરો પોલો હોય છે. સમાચારમાં વજન હોય છે. મમરો તો ફૂંક મારતાની સાથે ઊડી જાય છે… છતાં, મમરો મુકવાની કેવી મઝા આવે છે ! જુઓ.

***

સમાચાર

રાહુલ ગાંધીએ કહ્યું કે ‘હું કાશ્મીરી પંડિત છું.’

મમરો

ઓહો ! આ વાતની ખુદ કાશ્મીરી પંડિતોને છેક 1989 પછી હમણાં જ ખબર પડી !

***

સમાચાર

અફઘાનિસ્તાનની નવી સરકારમાં પ્રધાનમંડળનાં નામોની જાહેરાત થઈ ગઈ છે.

મમરો

શી ખબર, લિસ્ટ જોઈને કેમ એવું લાગ્યા કરે છે કે આ તો દુનિયાના મોસ્ટ વોન્ટેડ, મોસ્ટ ડેન્જરસ, આતંકવાદીઓની જ જુની યાદી છે ?

***

સમાચાર

‘વિષ્વમાં હિન્દુઓ સૌથી વધુ સહિષ્ણુ સમાજ છે’ એવો ખુલાસો કરતો જાવેદ અખ્તરનો લેખ ‘સામના’ અખબારમાં છપાયો.

મમરો

ચલો, અચ્છા હુઆ જાવેદ સાહબ. આખિરકાર આપ કા સચ્ચાઈ સે ‘સામના’ હો હી ગયા !

***

સમાચાર

ગુજરાતની નવી સરકારના પ્રધાનમંડળની જાહેરાત એક દિવસ માટે મુલતવી રાખવી પડી.

મમરો

ખબર નહીં, આવા જ સમાચાર થોડા દિવસ પહેલાં સાંભળ્યાં હતા ! હા, અફઘાનિસ્તાનની નવી સરકારની રચના વખતે ! ના ના, આ તો અમસ્તું યાદ આવી ગયું…

***

સમાચાર

ગુજરાત સરકારના જુના મિનિસિટરોના બંગલા અને કારો સહિત ઓફિસોનો તમામ સામાન તાત્કાલિક રીતે ખાલી કરાવવામાં આવ્યો. મોટા નેતાઓમાં નારાજગી.

મમરો

તારું શું હતું, તે ગયું ? ગઈકાલે જે બીજાનું હતું તે આજે તારું છે. આજે તારું છે તે કાલે બીજાનું હશે.

(આવું ગીતામાં કહ્યું છે ! મારો કોઈ વાંક નથી, સાહેબો)

***

- મન્નુ શેખચલ્લી

Comments