વર્ક ફ્રોમ ઓફિસની તકલીફો !

આટલા મહિનાઓ પછી જ્યારે ફરી વર્ક ફ્રોમ ઓફિસ (WFO) શરૂ થયું છે ત્યારે સતત ઘરે બેસીને કામ કરનારા કર્મચારીઓને હવે ઓફિસમાં ફાવતું નથી ! જુઓને, કેવી કેવી તકલીફો પડે છે…

***

સૌથી પહેલું તો એ કે આ સાલું, આખો દહાડો ફૂલ પેન્ટ પહેરીને બેસી રહેવાનું જ નથી ફાવતું ! જરાય ‘મોકળાશ’ નથી…

***

બીજું એ કે થોડી થોડી વારે ‘કિચનમાં’ આંટો મારવાનું મન થાય છે ! પણ અહીં તો કેન્ટિન પણ ત્રણ ફ્લોર નીચે છે !

***

કોમ્પ્યુટરમાં ફાઈલ ડાઉનલોડ કરવા મુકીને સીધા ઓફિસના ફ્રીજ તરફ જતા રહેવાય છે ! જેમાં આચર કુચર ખાવાનું તો હોતું જ નથી, ઉલ્ટું, અંદર ઠંડા પાણીની બોટલો પણ કોઈ ભરતું નથી !

***

ટિફીન જમી લીધા પછી રીતસર આડા પડીને ઊંઘી જવાનું મન થાય છે પણ સાલો, ઓફિસમાં એક સોફા પણ નથી રાખ્યો ! બોલો.

***

અગાઉ તો બે કલાકની ગુટલી મારવી હોય તો કોમ્પ્યુટરને ‘હેંગ’ કરી દેતા હતા ! અહીં તો મારો બેટો બોસ જ માથા ઉપર ‘હેંગ’ થઈને આંટા મારતો રહે છે !

***

અને હા, કામ કરતાં કરતાં શાકભાજી સમારવાની આદત પડી ગઈ છે ! એટલે પત્ની રોજ ટિફીનના એક ડબ્બામાં લીલું શાક અને ચપ્પુ મુકી આપે છે… બોલો, ત્રાસ છે ને ?

***

જ્યાં સુધી વઘારની સુગંધ અને કુકરની સીટીના અવાજ ના આવે ત્યાં સુધી કામ કરવાનો મૂડ જ નથી થતો !

***

ઓફિસના પેલા કોફી-મેકરમાંથી ‘બિપ… બિપ…’ અવાજો આવે છે ત્યારે સાલો, ભ્રમ થાય છે કે ‘વોશિંગ મશીન’ બંધ કરવાનું એલાર્મ વાગી રહ્યું છે !

***

અને હા, ‘પત્યું તમારું કામ… ??’ આવો ઘાંટો પત્નીનો નહીં, પણ બોસના અવાજમાં સંભળાય છે ત્યારે મગજની આખી પથારી ફરી જાય છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments