અમુક વાતો એવી હોય છે જે જગજાહેર હોવા છતાં આપણા ધ્યાનમાં નથી હોતી. આજે અમે જાહેર જનતાના હિતમાં એની જાણ કરી રહ્યા છીએ. ધ્યાનથી વાંચજો.
***
ટ્રેનના પૈડાંમાં કદી પંચર પડતું નથી.
***
વગર ટિકીટે વિમાનમાં બેસી જાવ તો તમને કોઈ અધવચ્ચે નહીં ઉતારી મુકે.
***
પેરેશૂટ એક જ એવી પ્રોડક્ટ છે જેમાં કદી ‘ટ્રાયલ પિરિયડ’ હોતો નથી.
***
તમે બગાસું અને ખાંસી એકસાથે ખાઈ શકતા નથી. ટ્રાય કરી જોજો.
***
તમારા વાળ પાછળથી કેવા દેખાય છે તે તમે ફક્ત હેરકટિંગ સલૂનના મિરરમાં જ જોઈ શકો છો.
***
તમે માર્ક કરજો, તમારી પીઠ પાછળ વાતો કરનારાઓ મોટા ભાગે સિનેમાહોલમાં તમારી પાછળની લાઈનમાં બેઠા હશે.
***
હસતાં હસતાં આંખોમાં પાણી આવી ગયાં હોય એવા છ-છ ઇમોજી એકસાથે મોકલનારા માણસો એમની જિંદગીમાં એકવાર પણ એ રીતે હસ્યા હોતા નથી.
***
‘૨૦% એકસ્ટ્રા ટૂથપેસ્ટ’ અને ‘૨૦% એકસ્ટ્રા મેગી’ આ બે એવી ચીજો છે જેમાં ખરેખર વીસ ટકા ‘એકસ્ટ્રા’ છે કે નહીં તે તમે કદી માપી શકવાના નથી. લખી રાખજો.
***
વારંવાર ‘લખી રાખજો’ એવું કહેનારા લોકો કદી કશું લખી રાખતા નથી.
***
મોટેભાગના લોકો બ્રશ કર્યા પછી પણ મોં બગાડી શકે છે.
***
અને હા, યુધ્ધમાં વપરાતી ટેન્કમાં પણ પંચર પડતાં નથી ! બોલો ખબર હતી ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment