વડીલો વિવિધ 'મોડ'માં !

જે રીતે મોબાઈલના વિવિધ ‘મોડ’ હોય છે, જેમકે ‘સાયલન્ટ મોડ’ ‘સ્વીચ ઓફ મોડ’ ‘ફ્લાઈટ મોડ’ વગેરે, એ જ રીતે આજકાલના વડીલો પણ સમયે સમયે વિવિધ મોડમાં હોય છે. વડીલો ! જાતે જ ચેક કરી લેજો કે તમે ક્યારે, કયા મોડમાં હો છો...

ફ્લેશ-બેક મોડ

નેવું ટકા વડીલો નેવું ટકા સમયે આ મોડમાં જ હોય છે. સાયલન્ટ મોડમાં હોય તો પણ ! જ્યારે સ્પીકર ઓન થાય ત્યારે પહેલું વાક્ય આ જ હોય ! ‘અમારા જમાનામાં તો…’ એમ કરીને દોઢ રૂપિયાનો ઢોંસો, અઢી રૂપિયાનું પિક્ચર, દસ પૈસાનું પોસ્ટકાર્ડ વગેરેથી માંડીને લતા મંગેશકરથી લલિતા પવાર, રાજેશખન્નાથી રફી સાહેબ અને બેલ-બોટમથી બપ્પી લાહિરી સુધીનું અઢાર રીલનું પિકચર બતાડીને કહેશે કે આ તો ફક્ત ટ્રેલર હતું !

મોટિવેશન મોડ

ઇરાદો તો યુવા પેઢીને પ્રેરણા આપવાનો હોય, પણ શરૂઆત ક્યાંથી કરશે ? ‘તમારાથી કંઈ ના થાય !’ પછી ‘તનતોડ મહેનત’ કરવા માટે બાઈક હોય તોય પગે ચાલવાની, રેઈનકોટ હોય તોય પલળવાની, સામે પિત્ઝા હોય તોય ભૂખ્યા રહેવાની અને ઘરમાં ચોવીસે કલાક વાઈ-ફાઈ હોય તોય લાઈટના થાંભલા નીચે જઈને ભણવાની સલાહો આપશે. એક બાજુ કહેતા જશે કે દુનિયામાં કોઈપણ ચીજ સહેલાઈથી મળતી નથી, અને બીજી બાજુ કહેશે કે તમારા માટે તો બધું ઈઝી થઈ ગયું છે !

ઇન્કવાયરી કાઉન્ટર મોડ

આ મોડમાં પોતે નથી જતા પણ તમને મુકી દે છે ! તમે જાણે પૂછપરછની બારીએ બેઠા હો એમ સવાલોની ઝડી વરસાવશે ! ક્યાં જાય છે ? ક્યારે આવીશ ? કોને મળવાનું છે ? શું કામ છે ? મોડું કેમ થયું ? વહેલો કેમ આવી ગયો ? એ તો ઠીક, તમારા ફ્રેન્ડને પણ નહીં છોડે… શું ભણે છે ? કઈ લાઈનમાં છે ? કેટલા માર્કસ આવ્યા ? કેવી નોકરી મળશે ? આ ફોન કેટલાનો છે ? કેટલી ગર્લ-ફ્રેન્ડ છે ? ફ્યુચરનો શું પ્લાન છે ? કેમ આવી દાઢી વધારી છે ? ઘરમાં તને કંઈ કોઈ કહેતું નથી ? હદ તો ત્યારે થાય છે જ્યારે તમે તમામ સવાલોના ટુંકમાં જવાબ આપીને છૂટવાનો રસ્તો શોધતા હો ત્યારે પૂછશે : કેમ, મોઢામાં મગ ભર્યા છે ?

કરોડપતિ મોડ

આમાં વડીલ પોતે બચ્ચન સાહેબની સીટ ઉપર બેઠેલા હોય છે ! એમને હજી એમ જ છે કે દુનિયામાં આગળ આવવા માટે પાવરફૂલ જનરલ નોલેજ હોવું બહુ જરૂરી છે. જો તમે ભૂલેચૂકે એમની સામે ભરાઈ ગયા તો એકપણ ઓપ્શન આપ્યા વિના (અને ઇનામમાં એક રૂપિયો પણ પરખાવ્યા વિના) પૂછવા માંડશે : ‘અભિમન્યુની મમ્મીનું નામ શું હતું ? વિભિષણને કેટલા ભાઈઓ હતા ? લાલ, બાલ અને પાલ કઈ સાલમાં થઈ ગયા ? જલિયાંવાલા બાગમાં કેટલા લોકો માર્યા ગયા હતા ?’ જોવાની વાત એ છે કે ભૂલેચૂકે તમે એમને સામો સવાલ કરો કે ‘ અંકલ, આઈપીએલની આ કેટલામી સિઝન ચાલી રહી છે ?’ તો ચિડાઈને કહેશે ‘એ બધું જાણીને આપણે શું કામ છે?’

આયુર્વેદ મોડ

એમની પાસે દરેક દર્દની દવા છે. પોતે ભલે રોજ પ્રેશરની, ડાયાબિટીસની, ઘુંટણના દુઃખાવાની અને દાઢના સોજાની ગોળીઓ લેતા હોય પણ તમને અસલી આયુર્વેદિક સલાહો જ આપશે. ‘રોજ તુલસીનાં દસ પાના ચાવવાનું રાખ ! લીમડાનો મોર વાટીને પીવાથી શરીરમાં કોઈ રોગ થાય જ નહીં ! ફેસ ઉપર હળદર ચોપડ હળદર ! રોજ દાંતથી અખરોટ તોડવાની પ્રેક્ટિસ કર ! ગરમ દિવેલની એક ચમચી પી જા, પેટનો બધો કચરો સાફ થઈ જશે !’ આટલી બધી સલાહો આપ્યા પછી છેલ્લે ઉમેરશે ‘મારું કહ્યું નહીં માને તો વહેલો ઘરડો થઈ જઈશ !’ જાણે પોતે તો છેક નેવું વરસે જ ‘ઘરડા’ થવાના હશે.

આશીર્વાદ મોડ

બસ, આ જ મોડ સૌથી સારો છે. જો એમના પગે પડવાથી સો-બસ્સો રૂપિયા મળતા હોય તો.

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments