લો, ‘સરાદિયાં’ શરૂ થઈ ગયાં છે. આ વખતે તો કાગવાસ ખાવા આવનારા કાગડાઓએ વધારે સાવધાની રાખવાની જરૂર છે કેમકે મોટાભાગના કેસ કોરોના અવસાનના હશે !
આ હિસાબે કાગડાઓની ‘કાગવાસ કમિટી’ના મેમ્બરોએ શું ગાઈડલાઈન બહાર પાડી હશે ?
***
કાગવાસ ખાવા જતાં પહેલાં ચાંચ સેનિટાઈઝ કરી લેવી.
***
કાગવાસ નાંખનાર માણસે મોં ઉપર માસ્ક ના પહેર્યું હોય તો ત્યાં જવું નહીં.
***
જે વિસ્તાર બીજી લહેર વખતે રેડઝોનમાં હતો તે વિસ્તારમાં કાગવાસની પતરાળીઓ વધારે હશે. એમાં મિષ્ટાન પણ વધારે હશે. પરંતુ એનાથી લલચાઈ જવું નહીં. સેનિટાઈઝર અને માસ્કની સાવચેતી હોય ત્યાં જ જવું.
***
એક જ ધાબા ઉપર 20થી વધારે કાગડાઓએ ભેગા થવું નહીં.
***
એકબીજાથી મિનિમમ છ ફૂટનું અંતર રાખવું. કાગડાઓની ભીડ હોય તો લાઈનમાં આવવું. અથવા ટોકન લઈને શાંતિથી દૂર પાળીએ બેસી વારો આવે તેની રાહ જોવી.
***
ગળામાં આસોપાલવ કે પીપળનું પાન બાંધી રાખવું. બહુ ‘કા… કા..’ કરવું હોય ત્યારે પાનને ચાંચ ઉપર ઢાંકી રાખવું. સાવધાની એ જ બચાવ.
***
જે કાગડાઓએ બીજી લહેર દરમ્યાન સ્મશાનોની આસપાસના વિસ્તારનો એંઠવાડ ખાધો હોય તેમણે બીજા કાગડાથી બાર ફૂટ દૂર બેસીને કાગવાસ ખાવાનો રહેશે.
***
અને ખાસ વાત. બીજી લહેર દરમ્યાન આપણા જે કાગડાઓ મરી ગયા છે તેમનું નામ મનમાં લીધા પછી જ કાગવાસ ખાવાનો છે.
***
કાગવાસ ખાઈ લીધા પછી જ્યાં ત્યાં ભટકવાનું નથી. ‘સ્ટે માળામાં, સ્ટે સેફ.’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment