છાપાં અને ટીવીમાં ઘણીવાર નામ-ઠામ વિનાના અમુક ‘ચોક્કસ’ છતાં ‘મોઘમ’ સમાચારો આપવા પડતા હોય છે. જોકે આમ ને આમ ચાલ્યું તો ક્યારેક આપણને આવું વાંચવા સાંભળવા મળશે કે…
***
પોતાનું નામ ન આપવાની શરતે તેમણે જણાવ્યું હતું કે તેમનું નામ ચંદુલાલ ચીમનલાલ મારફતિયા નથી !
***
જાણકારોના કહેવા મુજબ આ બાબતે તેમને કોઈ જ જાણકારી નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વધુ જાણકારી મળતાં જ વધુ જાણકારી આપવામાં આવશે.
***
આધારભૂત સૂત્રોનું માનવું છે કે આ મામલે જે કંઈ માહિતી તેમની પાસે છે તેનો કોઈ આધાર નથી.
***
એક્સ્પર્ટોને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આમાં વધુ ઊંડા ઉતરવા માટે અમારે એક્સ્પર્ટોની સલાહ લેવી પડશે.
***
અંદરની વાત એવી છે કે જે અંદરની વાત છે એ જ વાત બહાર ચાલી રહી છે પરંતુ બહાર એવી વાત ચાલી રહી છે કે અંદરની વાત કંઈ જુદી જ છે.
***
અધિકારી સાહેબે ઓફ ધ રેકોર્ડ જણાવ્યું હતું કે આ વરસે ઓફ ધ રેકોર્ડ માહિતી આપવાનો રેકોર્ડ થઈ ગયો છે. જોકે આ માહિતી પણ તેમણે ઓફ ધ રેકોર્ડ રાખવાની વિનંતી કરી હતી.
***
કહેવાય છે કે આજકાલ જે કહેવાય છે તે સહેવાય એવું નથી અને જે સહેવાય છે તે કહેવાય એવું નથી.
આવું એક કહેવાતા મોટા નેતા દ્વારા કહેવામાં આવ્યું છે. છતાં આ કહેવાતા મોટા નેતા કશું કહેવા માગતા નથી.
***
અને હા, ગાંધીનગરમાં એવું સંભળાઈ રહ્યું છે કે ગાંધીનગરમાં કોઈ કોઈનું કશું સાંભળતું જ નથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment