ગુજરાત સરકારમાંથી જે દિગ્ગજ નેતાઓને અચાનક વિદાય કરી દેવામાં આવ્યા છે તે હવે શું કરશે, ભજન ?
જો ખરેખર તેઓ ભજન કરવાના હોય તો એમના માટે આ લિસ્ટ મદદરૂપ થશે…
***
જે નેતાઓ પોતાના કાર્યકાળ દરમ્યાન નાનો મોટો ‘ચારો’ ચરી લેતા હતા. તેમના માટે આ ભજન છે :
‘હંસલા હાલોને હવે, મોતીડાં નહીં રે મળે…’
***
જે દિગ્ગજોએ છેક છેલ્લી ઘડી સુધી પોતાનું પદ ટકાવી રાખવા માટે ધમપછાડા કર્યા, દિલ્હીમાં, ગાંધીનગરમાં લાગવગો લગાડી, રીસામણાં લીધાં, જુના સંબંધો યાદ કરાવીને દબાણ કરાવ્યા… એમના માટે હવે આ ભજન !
‘કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે ! અલ્યા, નાહકના મરે બધા મથી મથી રે…’
***
જે નેતાઓએ જ્ઞાતિના નામે, વિસ્તારના નામે કે અન્ય કનેક્શનોના નામે જુથબંધી વડે દબાણો કરી જોયા, છતાં કશું કામ ના આવ્યું એમના માટે આ સુંદર સુરીલું ભજન…
‘એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સંગી વિના, સાથી વિના… એકલા જવાના !’
***
જે નેતાઓ છેલ્લી ઘડી સુધી ‘પ્રાયોરીટી’ લિસ્ટમાં ગણાતા હતા, અરે, થોડા દિવસ પહેલાં જે CM પદની ‘રેસમાં’ ગણાતા હતા એમને આજે કહેવું પડે છે કે અમે તો પક્ષનો આદેશ માથે ચડાવ્યો છે, હવે સંગઠનની સેવામાં છીએ… વગેરે… એમણે ખાનગીમાં (એકાંતમાં) ગાવાલાયક આ શ્રેષ્ઠ ભજન છે.
‘નથી રે પીધાં અજાણી… ઝેર તો પીધા જાણી જાણી !’
***
જેમણે રાતોરાત પોતાના બંગલા ઓફિસો ખાલી કરી દેવી પડી છે એમના માટે…
‘પંખીડાને આ પિંજરું જુનું જુનું લાગે, બહુ રે સમજાવ્યું તોયે પંછી નવું પિંજરું માગે..’
***
અને જે નેતાઓ મોટા લાડવા ભાળીને કોંગ્રેસમાંથી અહીં આવ્યા હતા, અને હવે ન ઘરના, ન ઘાટના થયા હોય એવું લાગે છે એમણે ગાવું જોઈએ…
‘હરિ તું, ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું…’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment