આપણી ઈન્ડિયન રજાઓ !

મહિનાઓ સુધી ઘેરબેઠાં ઓનલાઇન નોકરી કર્યા પછી શરૂશરૂમાં તો ઓફિસે જવાની મઝા પડી, પણ હવે ગુટલી મારવાનું મન થાય છે ને ?

આપણા દેશમાં આવી રજાઓ પાડવાના અનોખા પ્રકારો છે ! એકાદ અજમાવી જોજો…

***

સ્મશાન રજા

અડધા દિવસની ગુટલી મારવી હોય ત્યારે આ બેસ્ટ રજા છે : ‘હલો સાહેબ, એક મરણમાં જવાનું થયું છે… સ્મશાનેથી ડાયરેક્ટ ઓફિસે જ આવું છું ઓકે ? ના ના, કોવિડનું મરણ નથી. ચિંતા ના કરો.’

***

હોસ્પિટલ રજા

‘હોસ્પિટલમાં છું સાહેબ ! ના, હું બિમાર નથી પડ્યો પણ મારા ભાણિયાને એક્સિડેન્ટ થયો છે… હેં… ? ના ના, ગયા વખતે તો ભત્રીજાને એક્સિડેન્ટ થયેલો ને ? કેમ, ભૂલી ગયા ?’

***

‘વચ્ચે’ની રજા

‘જુઓ સર, 12 તારીખે તો નેશનલ હોલિડે છે અને 14-15 શનિ-રવિ એટલે…. 13 તારીખે, સર… હેં ? શું કહ્યું ? આખો સ્ટાફ રજા ઉપર છે ? તો તો હું જરૂર આવીશ ! કોણ જોવા આવવાનું છે કે હું આવ્યો હતો કે નહીં ?’

***

‘ફ્લડ’ રજા

‘અરે સાહેબ, મારા ઘરમાં પાણી ઘૂસી ગયાં છે ! ના ના, જૂનાગઢમાં નહીં, અમદાવાદમાં જ છું… પણ આ તો ગટરનાં પાણી છે !’

***

‘લગ્ન’ રજા

‘સર, મેરેજમાં જવું જ પડે એવું છે, કેમકે વરઘોડામાં 50 જણા પુરા થતાં જ નહોતા. એટલે મારું નામ જબરદસ્તીથી ઉમેર્યું છે ! તમે સમજો સાહેબ, વરપક્ષની ઇજ્જતનો સવાલ છે.’

***

મેડિકલ સર્ટિફિકેટ રજા

‘બહુ માથાકુટ ના કરો સાહેબ, તમારે મેડિકલ સર્ટિફીકેટ જ જોઈએ છે ને ! મળી જશે ! મને ગઈકાલે એઇડ્સ થયો હતો ! બોલો, કંઈ કહેવું છે ?’

***

‘હાજર હતો’ રજા

આ બેસ્ટ છે.... ‘હોતું હશે સાહેબ ? હું તો હાજર જ હતો. કોઈને બી પૂછી લો… તમે જ્યારે જ્યારે આંટો મારવા આવ્યા ત્યારે હું ટોઈલેટમાં હોઈશ… મને લૂઝ મોશન થઈ ગયેલા ને !’

***

- મન્નુ શેખચલ્લી

Comments