તમે ખાસ જોજો કે...

અમુક લોકોની બોલવાની ખાસિયતો પહેલી નજરે બહુ સામાન્ય લાગતી હોય છે પણ તમે જરા ધ્યાનથી વિચારશો તો જ ખ્યાલ આવશે ! જેમકે…

***

તમે ખાસ જોજો કે…

જે લોકો એમ કહેતા હોય કે ‘પછી ક્યારેક મળીએ શાંતિથી…’

- એ લોકો હંમેશા ઉતાવળમાં જ હોય છે !

***

તમે ખાસ જોજો કે…

‘કંઈ કામ હોય તો અડધી રાતે ફોન કરજો !’ એવું કહેનારાઓને…

- તમે ભરબપોરે દસ ફોન કરો તોય ઉપાડતા નથી !

***

તમે ખાસ જોજો કે…

‘તમારે રિક્વેસ્ટ ના કરવાની હોય, તમારે તો બસ હુકમ કરવાનો !’

- આવું કહેનારાને તમે ખરેખર હુકમ કરો તો એમને ખોટું લાગી જાય છે !

***

તમે ખાસ જોજો કે…

‘યાર, તમે તો કદી દેખાતા જ નથી !’

- આવું કહેનારા તમારી સામે જ ઊભા હોવા છતાં કદી પોતાના ચશ્માનો નંબર ચેક કરાવતા નથી !

***

તમે ખાસ જોજો કે…

‘તને તો જોઈ લઈશ !’

- આવું કહેનારા પણ કદી પોતાના નંબર ચેક કરાવતા નથી !

***

તમે ખાસ જોજો કે…

જે લોકો એવું કહેતા હોય કે ‘કોઈક દિવસ અમારા ઘરે  આવો…’

- એ લોકો ઘણીવાર પોતાના ઘરની બહાર ઊભા રહીને જ આવું કહેતા હોય છે !

***

તમે ખાસ જોજો કે…

‘બે મિનિટ વાત થશે ને ?’

- આવું કહીને ફોન કરનારાઓ મિનિમમ પંદર મિનિટ સુધી ફોનમાં લપ કરતા હોય છે !

***

તમે ખાસ જોજો કે…

જે લોકો વારંવાર ‘ખાસ કરીને… ખાસ કરીને…’ એવું બોલ્યા કરતાં હોય છે…

- એમની પાસે ‘ખાસ’ કંઈ કહેવા જેવું હોતું જ નથી ! અમારી માફક.

***

- મન્નુ શેખચલ્લી

Comments