રેસ્ટોરન્ટમાં જતાં ફેમિલીઓ...

તમે માર્ક કરજો, જ્યારે બે-ત્રણ ફેમિલી ભેગાં થઈને રેસ્ટોરન્ટમાં જમવા માટે જાય છે ત્યારે એમનો એક ચોક્કસ ‘સ્ટાન્ડર્ડ પ્રોસિજર’ હોય છે…!

***

- રેસ્ટોરન્ટમાં ભીડ હોય એટલે નામ નોંધાવીને બધા બહાર મુંગામુંગા બેસી રહે છે.

- વડીલો બેસણામાં આવ્યા હોય એ રીતે, અને યંગસ્ટરો જાણે ઓનલાઇન ક્લાસ ચાલતા હોય એ રીતે મોબાઈલમાં બિઝી હોય છે.

- બે જણા વારાફરતી પોતાનું નોંધાવેલું નામ આવ્યું કે નહીં તેની તપાસ કરતા રહે છે. બાકીના ‘બેસણા-પ્રોસિજર’નું પાલન ચાલુ રાખે છે.

- પોતાનો નંબર આવે ત્યારે અંદર જઈને બેસવાની ઉતાવળ આવી જાય છે.

- બેસી ગયા પછી કશી ઉતાવળ હોતી નથી.

- મેનુ આવે ત્યારે જાણે અઘરી પરીક્ષાનું પેપર હોય એ રીતે તેનો અભ્યાસ થાય છે.

- પછી અંદરો અંદર શું મંગાવવું તેનું ભારે ડિસ્કશન થાય છે.

- વેઇટરને બોલાવીને પૂછવામાં આવે છે કે કઈ વાનગીમાં શું હોય છે. (ક્યારેક તો વાનગીનો ઉચ્ચાર ચાર વાર કરાવે છે.)

- ઓર્ડર અપાઈ ગયા પછી બધા પોતપોતાના મોબાઈલોમાં બિઝી થઈ જાય છે.

- શરૂઆતમાં મસાલા પાપડ કે સ્ટાર્ટર આવે ત્યારે ધીમે ધીમે ખાતા જતાં વાતો શરૂ થાય છે.

- જમવાનું આવે ત્યારે જમતાં પહેલાં બધા સ્માઈલો આપીને સેલ્ફીઓ લે છે.

- પછી બધા જમવામાં બિઝી થઈ જાય છે.

- એમાં અમુક લોકો બીજાને એવી રીતે આગ્રહ કરીને ખવડાવે છે કે જાણે પોતાના ઘરમાં આવેલા મહેમાન હોય.

- જમતાં જમતાં બધાની જીભ ખૂલી જાય છે. બધા મોટા અવાજે વાતો કરવા માંડે છે.

- વાતોમાં બહેનો વિવિધ વાનગીઓ ડિસ્કસ કરે છે અને ભાઈઓ શેરબજાર, ક્રિકેટ અને પોલિટીક્સનું ડિસ્કશન કરે છે.

- જમવાનું પતે પછી બિલ આવે ત્યારે બે ત્રણ જણા વચ્ચે ખેંચવાનો રીવાજ ચાલે છે.

- બિલ ચૂકવતાં પહેલાં એક જણ ધ્યાનથી તમામ વિગતો ચેક કરે છે.

- બહાર નીકળતાં સૌ વાર લગાડે છે. આ વખતે જ રેસ્ટોરન્ટનું ઇન્ટિરીયર ડેકોરેશન ધ્યાનથી જુએ છે.

- પછી સૌ ખુબ બધી ગ્રુપ સેલ્ફીઓ લે છે.

- છેવટે ફુગ્ગાવાળા છોકરાને પાંચ રૂપિયા આપીને છૂટા પડે છે !

મન્નુ શેખચલ્લી

Comments