એક સમયે ફિલ્મોનાં મોટાં મોટાં હોર્ડિંગ અને બેનરો ‘છાપેલાં’ નહીં પણ પેઇન્ટરોના હાથે ‘ચિતરાયેલાં’ આવતાં ! આજની પેઢી તો ઇન્ટરનેટ ઉપરથી એવાં જુનાં ઓરિજિનલ 20 x 30 ઇંચનાં ‘પોસ્ટરો’ની કોપી જ ડાઉનલોડ કરી શકે છે.
અમને તો કિશોરવયમાં ખરેખર નવાઈ લાગતી હતી કે આવડાં મોટાં ભીંત જેવા ચહેરાઓ પેઇન્ટરો ચિતરી શી રીતે શકતા હશે ? જ્યાં દિલીપકુમારની એક આંખ જ બારીના વેન્ટિલેટર જેવડી હોય અને વહિદા રહેમાનના હોઠની લંબાઈ આપણા બે હાથ પહોળા કરીએ એવડી હોય તેમાં પ્રપોર્શન (પ્રમાણસરતા) શી રીતે જળવાતું હશે ? અમે નિશાળમાં હતા ત્યારે છપાયેલા ફોટા ઉપર ઊભી-આડી લીટી વડે ‘ખાનાં’ બનાવીને ફેસની કોપી કરતાં શીખેલા. શું આ પેઇન્ટરો પણ એવાં દોઢ દોઢ ફૂટનાં ખાનાં પાડીને ચહેરો બનાવતા હશે ?
અમદાવાદમાં રાયપુર દરવાજા પાસે એક ગલીમાં અમને આવા પેઇન્ટરનું ‘કારખાનું’ જોવા મળેલું ! અમે તો દંગ થઈ ગયા હતા ! મુખ્ય પેઇન્ટર સૌથી પહેલાં તો વિશાળ સાઈઝના ઓઇલ-કેન્વાસ ઉપર જાડી પેન્સિલ વડે ખાનાં પાડીને (અમારી સ્કુલની ખાનાં પદ્ધતિ વડે જ !) એક્ટર – એકટ્રેસ વગેરેના ચહેરાનું ડ્રોઇંગ કરે. પછી જુનિયર પેઇન્ટરો એમાં પાયાના રંગો પૂરે. એ પછી આવે મુખ્ય કલાકારનો જાદૂ ! એના હાથમાં હોય તો દિવાલ રંગવાના બ્રશ જેવી જ પીંછીઓ, પણ શું એમની કારીગરી !
હીરોના વાળમાં ક્યાંક ભૂરો, ક્યાંક જાંબલી, ક્યાંક ઘેરો લાલ તો ક્યાંક સોનેરી રંગ ભળે… અને વળી હિરોઇનના ગાલ ઉપર ગુલાબી રંગના એકસ્ટ્રા શેરડા તો એ માસ્ટર પેઇન્ટર જ ઉમેરી આપે ! અરે, રાજેન્દ્રકુમારની ક્લીન-શેવ દાઢીમાં લીલા રંગની ઝાંય ઉમેરાતી હોય કે મુમતાઝના હોઠમાં ભડકીલા ગુલાબી રંગ સાથે જાંબૂડીયા રંગની લહેરખી હોય, તે પણ આ માસ્ટર પેઇન્ટરની જ કરામત ! એમાં વળી કોઈ શીખાઉ કલાકાર જો સારો હોય તો બેકગ્રાઉન્ડમાં આકાશ, મંદિર, મહેલો, ઘોડા, વૃક્ષો વગેરે એવાં અદ્ભૂત ચીતરી આપે કે વી. શાંતારામની ફિલ્મના પરદા ઉપર પણ એવું ન જોવા મળ્યું હોય !
મઝાની વાત એ હતી કે પેઇન્ટરે-પેઇન્ટરે દરેક હિરો-હિરોઈનના ચહેરામાં સ્હેજ ફેરફાર થાય ! મુંબઈના થિયેટર ઉપર જે રાજકપૂર દેખાય તે વડોદરામાં જરાક જુદો જ દેખાય ! માત્ર થિયેટરો ઉપર જ નહીં, શહેરનાં અમુક ચોક્કસ હોર્ડિંગો ઉપર પણ ફિલ્મોના જ બેનરો લાગતાં. અમદાવાદના અમુક ફિલ્મ રસિયાઓ તો ગુરુવારની રાત્રે એમના પ્રિય દેવો અને દેવીઓની નવી ફિલ્મનાં નવાં હોર્ડિંગ થિયેટરો ઉપર લાગતાં હોય તે જોવા માટે જાણે મંદિરે દર્શન કરવા જતા હોય એવા ભક્તિભાવથી મોડી રાત્રે જતા હતા.
આજે જેમ કોઈ એક ફિલ્મનું હોર્ડિંગ કે બેનર ડિઝાઈનમાં સાવ સરખું જ હોય તેવું તે વખતે નહોતું. દરેક શહેરના થિયેટરો ઉપર બેનરની સાઈઝ અલગ અલગ રહેતી. આથી મુંબઈથી જે ‘ડિઝાઈન’ આવી હોય તેમાં લોકલ ચિત્રકાર પોતપોતાની રીતે ફેરફાર કરી શકતા હતા. હકીકતમાં એ જ તો આખી કલાની મજા હતી !
મોટાં શહેરોમાંથી ફિલ્મો પતવા આવે ત્યારે તે નાનાં ટાઉનમાં લાગતી. ફિલ્મના રીલ સાથે તેનાં બેનરો પણ ગોળ ભૂંગળામાં સફર કરતાં ! ફિલ્મની પટ્ટી જેમ જેમ ઘસાતી જાય તેમ તેમ આ કેનવાસનાં રંગોમાં પણ તિરાડો પડતી, કરચલીઓ દેખાતી ! (જરા કલ્પના કરો, મધુબાલાના લીસ્સા ગાલ ઉપર આવી કરચલીઓ !)
જોકે એ ઝાંખપને સરભર કરવા માટે નાનાં ટાઉન્સમાં ફિલ્મના પ્રચાર માટે લાઉડ-સ્પીકરનાં ભૂંગળાવાળી રીક્ષાઓ ફરતી. એમાં બેઠેલો દરેક પ્રચારક બિનાકા ગીતમાલાનો અમીન સાયાની બની જતો હતો ! (આજે ગુજરાતી ફિલ્મો માટે અને યુપી બિહારમાં ભોજપુરી ફિલ્મો માટે હજી આવી રીક્ષાઓ ફરે છે.)
જો તમારે આવાં ફિલ્મી હોર્ડિંગની અસલી ભવ્યતા જોવી હોય તો દક્ષિણ ભારતમાં જવું જોઈએ ! એ સમયે અમે અમારી સગી આંખે જયલલિતા, શિવાજી ગણેશન, રજનીકાંત અને કમલહાસનનાં છ-છ માળ જેટલાં ઊંચા, પગથી માથા સુધીનાં કટ-આઉટ્સ જોયાં હતાં.
હવે તો બધે ઠેકાણે ‘ફોટા’ આવી ગયા છે. એમાં ભલે સલમાનની દાઢીનો એક એક વાળ સ્પષ્ટ રીતે જોઈ શકાય, પણ એ સમયના ચીતરેલા બેનરમાં જે અમિતાભની આંખોમાં એક સળગતી આગ જેવો લાલ રંગનો લસરકો જોવા મળતો હતો તે આવા ફોટામાં ક્યાંથી લાવવો ?
અફસોસ એ વાતનો છે કે આજે 200-250 કરોડના ખર્ચે બનતી ફિલ્મોના નિર્માતાઓ માટે પેઇન્ટરોનું મહેનતાણું તો પરચૂરણ બરાબર છે, છતાં એમની કલાનો ઉપયોગ ક્યાંય થતો નથી.
***
-મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
અદભુત ચિત્રણ, તમારું લલિતભાઈ ! આવા પેઈન્ટર ભૂજમાં થીયેટરનાં આંગણાંમાં તલ્લીન થઈને બેનરનું સર્જન કરતા જોયા છે. મોટે ભાગે અલગારી ફકીર જેવા હોય. બીડી બાકસ અને કટિંગ ચાને સહારે કામ કરે.
ReplyDeleteબિલકુલ સાચી વાત, રસેશ ભાઈ ! એ સમયે પણ ભલભલા નામી કલાકારો (સહી કરી હોય પોસ્ટર પેઈંન્ટિગ ઉપર, એટલે) પણ સાવ ફકીર જેવા જ હતા. એમની આંખોમાં પણ એ ફકીરીનો જ નશો જોયાનું યાદ છે. 🙏🙏
Deleteવાહ, અદ્ભૂત.. પેઇન્ટરની પીંછી ના લસરકા જેવો જ જાદુ તમારી કલમ કે કીબોર્ડની કી ના સ્ટ્રોક (પન ઇન્ટેન્ડેડ -પેઇન્ટિંગ સ્ટ્રોક સંદર્ભે) માં પણ છે. મજા કરાવી. આવાં પેઇન્ટિંગ્સ બનતાં પણ રૂબરૂ જોયાનું તાજું થઈ ગયું.
ReplyDeleteથેન્ક યુ મનિષ ભાઈ !
Deleteનોસ્ટાલ્જિક...! તમારી કલમે ફિલ્મોના આ વિસરાયેલા માહોલની સફર બહુ જ દિલચશ્પ અને યાદગાર બની રહી છે. હજુ ક્યારેક 'લાલાઓ' વિશે ય લખજો. ફિલ્મ જોવા ઉમટેલી ભીડને સંભાળવા માટે થિયેટરના કમ્પાઉન્ડમાં લાકડી લઈને ઊભેલા આ લાલાઓનો રૂઆબ કોઈ IPSથી કમ ન હતો. અમદાવાદના નદીપારના મોટાભાગના થિયેટરોમાં આ કામ માટે શાઈસ્તખાન પઠાણ માણસો સપ્લાય કરતો. એ સૌ પઠાણ હોવાથી લાલા કહેવાતા.
ReplyDeleteશાઈસ્તખાનનો ય ભારે દબદબો હતો. એ જમાનામાં એ એમ્પાલા ગાડી રાખતો. અભિનેતા રાજકુમારની જેમ વ્હાઈટ પેન્ટ અને વ્હાઈટ શૂઝનો આશિક હતો. હાથમાં છડી અને ગળામાં મફલર પણ અનિવાર્યપણે હોય જ. પછી તો એ લતિફની સાથે દારૂના ધંધામાં પડ્યો. સાથીદારમાંથી લતિફનો હરીફ પણ બન્યો અને જયપુર નજીક માર્ગ અકસ્માતમાં માર્યો ગયો.
હવે રસપ્રદ વાત કહું.
એ શાઈસ્તખાનનો પૌત્ર રમઝુખાન અત્યારે ગુજરાત સમાચારની બહાર લાઈનસર આવેલી ચાર હોટેલનો માલિક છે. દરેક હોટેલ તેણે ભાડે ચલાવવા આપી દીધી છે અને પોતે જેપી ચોક આસપાસ પટલાઈ કરતો બેઠો હોય છે.
વાહ, ધૈવત ભાઈ ! લગભગ અડધા લેખ જેટલી માહિતી તમે આપી દીધી ! જોકે લાલાઓની અડફેટે ચડવાનો મારે ખાસ વારો નહોતો આવ્યો. એટલે આ લાલા વિશેષ લેખ તો હવે તમારે જ લખવો પડશે, ધૈવત ભાઈ !
Delete😃😃🙏